ઔષધીય પાક : મીંઢી આવળની ખેતી વિશે સંપૂર્ણ માહિતી

મીંઢી આવળ જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા નામે ઓળખાય છે. હિંદીમાં સેના, મરાઠીમાં સોનામુખી, બંગાળીમાં સામખી, તામિલમાં નીલા વિરાઈ, તેલુગુમાં નીલા ટેન્ગેડુ અને મલયાલમમાં નીલા વાકા તરીકે ઓળખાય છે. મીંઢી આવળના પાન તથા શીંગોનો ઉપયોગ રેચક તરીકે જુલાબની દવામાં થાય છે. રેચ થવા માટે મીંઢી આવળનાં પાંદડાં રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળીને ગોળ નાંખી પીવાના ઉપયોગમાં લેવાય છે. જેથી મૂત્રરેચ અને રેચ થઈ કોઠામાંની ગરમી નીકળી જાય છે અથવા પાનનો કાઢો કરી તે પીવાથી રેચ થાય છે. પાન અને શીંગોમાં સેનોસાઈડ (એન્થ્રોક્વીનોન ગ્લાઈકોસાઈડ) નામનું રસાયણ હોય છે. તેના રેચક ગુણને લીધે તે ખ્યાતિ પામેલ છે અને દુનિયાના ફાર્માકોપીયાઝમાં માન્યતા પામેલ છે.

મીંઢી આવળની ખેતી

દક્ષિણ ભારતમાં તામિલનાડુ તેમજ ગુજરાત રાજયમાં કચ્છ જિલ્લામાં તેનું વાવેતર થાય છે. હાલમાં લગભગ 5000 હેકટરમાં તેનું વાવેતર થાય છે. આપણા દેશમાંથી નિકાસ થતા ઔષધિય પાકોમાં ઇસબગુલ પછી સોનામુખી (મીંઢી આવળ) બીજા નંબરે છે.

મીંઢી આવળના પાકને અનુકૂળ આબોહવા અને જમીન

મીંઢી આવળનો પાક સૂકી અને પિયત ખેતી તરીકે લઈ શકાય છે. વધુ વરસાદ, ઠંડી અને ઝાકળ આ પાક માટે અનુકૂળ નથી. વધુ વરસાદ થવાથી નાના છોડના થડ પાસે પાણી ભરાતાં પાક નિષ્ફળ જવાની શકયતાઓ રહે છે. આ પાક માટે ગોરાડું, રેતાળ અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. દક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ આ પાક ડાંગર પછી તરત જ લેવામાં આવે છે.


મીંઢી આવળની ખેતીમાં વાવણી યોગ્ય સમય

મીંઢી આવળનો પાક વર્ષમાં બે વાર વાવી શકાય. ઉનાળામાં ફેબ્રુઆરી મહિનામાં અને ચોમાસામાં જૂન માસની શરૂઆતમાં વાવી શકાય છે. પાન લેવાના હેતુથી ઉનાળામાં વાવેલ પાક ૯૦ થી ૧૧૦ દિવસે અને ચોમાસામાં વાવેલ પાક ૧૧૦ થી ૧૩૦ દિવસે તૈયાર થાય છે. શીંગો લેવાના હેતુથી વાવેલ પાક ૧પ૦ થી ૧૭૦ દિવસે તૈયાર થાય છે. વરસાદથી થતી ખેતી કરતા પિયત ખેતીમાં ઉત્પાદન વધુ મળે છે. આ પાકની વાવણી ૩૦ × ૩૦ અથવા ૪૫ × ૩૦ સે.મી.ના અંતરે કરવાથી ઉત્પાદન વધારે મળે છે. બીજ ૧ થી ૧.૫ સે.મી.ની ઉંડાઈએ વાવવું. પાકની શરૂઆતમાં છોડની આજુબાજુ પાણી ભરાઈ રહેવાથી છોડ કોહવાઈ જાય છે. તેથી પાણી ભરાઈ ના રહે તે માટે બે લાઈન વચ્ચે ચાસ ઉઘાડી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી જેથી પાકને વધુ પાણીથી થતાં નુકશાનથી બચાવી શકાય.

મીંઢી આવળની સુધારેલ જાત

મીંઢી આવળની ખેતીમાં સામાન્ય રીતે ખેડૂતો સ્થાનિક જાત કે ટીનવેલી જાતનું વાવેતર કરતાં હોય છે. આણંદ ખાતે થયેલ સંશોધનને પરિણામે વધુ ઉત્પાદન આપતી જાત ગુજરાત આણંદ સેના-૧ ની ભલામણ કરવામાં આવે છે.

મીંઢી આવળની ખેતીમાં બીજની જરૂરિયાત અને તેની માવજત

મીંઢી આવળની એક હેકટરની વાવણી માટે ૨૦ કિ.ગ્રા. બીજ પૂરતું છે. બીજને વાવતાં પહેલાં પાણીમાં ૧૨ કલાક પલાળી રાખી તેમાંથી ફૂલેલાં બીજની વાવણી કરવાથી તેનું સ્ફુરણ સારૂં થાય છે.

મીંઢી આવળની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન

એક હેકટર દીઠ ૧૦ ટન છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું.


મીંઢી આવળની ખેતીમાં પિયત વ્યવસ્થાપન

વાવણીનો સમય અને જમીનના પ્રકારને ધ્યાનમાં લઈ પાણી આપવું.

મીંઢી આવળની ખેતીમાં રોગ અને જીવાતનું નિયંત્રણ

આ પાકમાં પાનનાં ટપકાનો, ગંઠવા કૃમિ, મૂળનો કોહવારો અને સૂકારો જેવા રોગ જોવા મળે છે. આ પાકમાં પાન ખાનાર લીલી અને છીંકણી ટપકાંવાળી ઈયળનો ઉપદ્રવ જણાય તો લીંબોળીના મીજનું ૫% (૫૦૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) ભેળવી છંટકાવ કરવાથી તેનું નિયંત્રણ થઈ શકે છે. ઘૈણ તથા ઉધઈનો ઉપદ્રવ રેતાળ જમીનમાં જોવા મળે છે.

મીંઢી આવળની ખેતીમાં પાનની વીણીનો યોગ્ય સમય

સોનામુખીના પાકમાં કેલ્શિયમ સેનોસાઈડ નામનું રસાયણ હોય છે, જે દવાના કામમાં આવે છે. આ રસાયણ ઘેરા લીલા પાનમાં વધુ હોય છે. છોડમાં જયારે ફૂલની કળીઓ આવેલી હોય પણ ખૂલી ગયેલી ન હોય ત્યારે આ રસાયણ વધુ પ્રમાણમાં (૩.૩%) હોય છે, ત્યારે કાપણી કરવી, કળીઓ ખૂલી ગયેલી હોય તેવા છોડના પાનમાં સેનોસાઈડ ન ખૂલેલી કળીઓવાળા છોડના પાન કરતાં ઓછું (૨.૬%) હોય છે. ચોમાસામાં વાવેલ પાકમાં વધુ ઉત્પાદન મળે અને પાનની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પાનની વીણી ૬૦, ૧૧૦ અને ૧૩૦ દિવસની આસપાસ કરવી જોઈએ. ઉનાળામાં વધુ ઉત્પાદન મળે તે માટે વીણી ૭૦, ૯૦ અને ૧૧૦ દિવસની આસપાસ કરવી જોઈએ.

મીંઢી આવળની ખેતીમાં સરેરાશ ઉત્પાદન

ચોમાસામાં કરેલ વાવણીવાળા પાકમાં ઉનાળામાં કરેલ વાવણીવાળા પાક કરતાં ઉત્પાદન વધુ મળે છે. ચોમાસુ પાકમાં સૂકાં પાનનું ઉત્પાદન લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ કિ.ગ્રા./ હેકટર અને ઉનાળુ પાકમાં લગભગ ૧૨૦૦ થી ૧૫૦૦ કિ.ગ્રા./ હેકટર જેટલું મળે છે.

મીંઢી આવળના પાનની સૂકવણી

મીંઢી આવળના પાન તોડયા પછીથી તરત જ છાયામાં સૂકવવા, તડકામાં સૂકવવાથી તેમાં રહેલ વૈદકીય રસાયણની માત્રા ઘટી જાય છે અને ગુણવત્તા બગડે છે, સૂકવેલ પાનને દિવસમાં બે થી ત્રણ વખત હાથ ફેરવી ઉપર નીચે કરવાથી પાનની ગુણવત્તા જળવાઈ રહે છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments