મરચાને મરી–મસાલાના પાક તરીકે ગણવામા આવે છે. ભારતને દુનિયામાં ઉચ્ચ કક્ષાનાં મસાલા પેદા કરતું ''મસાલા ઘર'' માનવામા આવે છે. ભારત દુનિયાનો સૌથી વધારે મસાલા પાક ઉગાડનાર તથા નિકાસ કરતો દેશ છે. દુનિયાના કોઈ પણ દેશમાં ભારત જેટલી મરી મસાલાની જાતો થતી નથી. ભારતના મરી મસાલા તેના ઉત્કૃષ્ટ સુવાસ, સ્વાદયુકત સુગંધ અને તીખાશ અન્ય દેશના મસાલા કરતા ઉચ્ચ પ્રકારના છે.
વિશ્વમા મરચાની ખેતી કરનારા મુખ્ય દેશો
ભારત, મલેશિયા, થાયલેન્ડ, ઈન્ડોનેશીયા, ચીન, આફ્રિકન દેશો, કેરેબીયન ટાપુઓ, મેકિસકો, ઈજીપ્ત, પાકિસ્તાન, શ્રીલંકા વગેરે દેશો છે. જયારે ભારતમા મરચાની ખેતી પ્રતિ વર્ષે સરેરાશ ૮ થી ૯ લાખ હેકટર જમીનમા કરવામા આવે છે. જે પૈકી ૬૫ થી ૭૦ ટકા વિસ્તાર એકલા આંધ્રપ્રદેશમાં આવેલ છે. વિશ્વનું મોટામાં મોટુ મરચા બજાર "ગંટુર" (આંધ્રપ્રદેશ)માં આવેલુ છે. ગુજરાતમા ૨૮ થી ૩૦ હજાર હેકટર વિસ્તારમાં મરચાની ખેતી કરવામાં આવે છે. આ પૈકી ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં સુકા લાલ મરચા માટે અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમા લીલા મરચા માટે ખેતી કરવામા આવે છે.
મરચામાં રહેલી તીખાશ તેમાં રહેલ "કેપ્સાઈસીન" નામના તત્વના કારણે હોય છે. તાજા લીલા અને સુકા મરચાનો ઉપયોગ રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. લીલા મરચામા ફોસ્ફોરસ, કેલ્શિયમ, વિટામીન એ તથા સી ભરપુર પ્રમાણમા રહેલા છે. મરી–મસાલા પાક કુદરતી વનસ્પતી જન્ય પેદાશ હોવાથી ફાસ્ટ ફૂડ પ્રોડકટસ, બીવરેજીસ, દવા, સૌંદર્યપ્રસાદન અને સુગંધ પ્રોડકટસમા સ્વાદિષ્ટ યુકત સુગંધ, એરોમા સ્વાદ અને કલરમા ઉમેરો કરે છે. ગુજરાતમા મુખ્યત્વે ધોલર, રેશમ પટ્ટો અને લવીંગીયા મરચાનું વાવેતર થાય છે. ધોલર મરચામા ઓછી તીખાશના લીધે શાકભાજીમાં સંભાર તરીકે વપરાય છે. રેશમપટ્ટો મધ્યમ તીખા અને લાલ રંગના વધુ લંબાઈ વાળા હોવાથી આ મરચાનો પાવડર બનાવવામા આવે છે. જયારે લવીંગીયા મરચા ટુંકા પાતળા અને કઠણ જે ખૂબજ તીખા હોઈ શાકભાજી અને ચટણીમા વપરાય છે. તાજા તથા લાલ સુકા મરચા, મરચાનો પાવડર, મરચાનું અથાણું અને ચીલી સોસ તેમજ ચટણીની નિકાસ ઘ્વારા આપણા દેશને દર વર્ષે ૨૫૦ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે.
મરચીની ખેતીને અનુકૂળ આબોહવા
મરચાના પાકને શરૂઆતની વૃધ્ધિ અને વિકાસ માટે ગરમ અને ભેજવાળું હવામાન તથા ઉત્પાદન સમયે ઠંડુ અને સૂકું હવામાન વધારે અનુકુળ આવે છે. સામાન્ય રીતે મરચી ૧૬ થી ૨૫ સે.ગ્રે. ઉષ્ણતામાને સારૂ ઉત્પાદન આપે છે. મરચાનો પાક શિયાળામા મોટા પ્રમાણમાં લેવાય છે. જે વિસ્તારમાં પિયતની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ મરચાનો પાક લેવાય છે.
મરચીની ખેતીને અનુકૂળ જમીન
મરચાના પાકને ગોરાડ, મધ્યમ કાળી અથવા ભાઠાની કાંપાળ જમીન કે જેની નિતાર શકિત સારી હોય તેમજ સેન્દ્રિય તત્વથી ભરપુર હોય તથા જમીનનો પી.એચ. આંક ૫.૫ થી ૬.૫ હોય તેવી જમીન વધુ માફક આવે છે.
મરચીની ખેતી કરતા પહેલા જમીનની તૈયારી
મરચાની ખેતી કરવાવાળી જમીનમા લીલો પડવાસ કરી હેકટરે ૧૦૦૦ કિલો દિવેલી ખોળ આપી જમીન તૈયાર કરવી. ત્યાર બાદ ૬૦x૬૦ અથવા ૬૦×૯૦ સે.મી.ના અંતરે ચાસ પાડી પાયાના ખાતરો આપવા તેમજ કાર્બોફયુરાન ૩જી હેકટરે ૨૫થી ૩૦ કિલો પ્રમાણે તથા સુક્ષ્મ તત્વો માટે ૫૦ કિલો ફેરસ સલ્ફેટ, ૨૫ કિલો ઝીંક સલ્ફેટ અને ૧૦ કિલો બોરોન પર હેકટરે પાયાના ખાતરો સાથે ચાસમા આપવું.
મરચીની સુધારેલી જાતો
ગુજરાત મરચા ૧, ગુજરાત મરચા ૨, એસ-૪૯, જી-૪, ધોલર, જ્વાલા, રેશમપટ્ટો વગેરે મરચીની સુધારેલ જાતો છે.
મરચીનું ધરૂવાડીયુ તૈયાર કરવું
એક હેકટરનાં વાવેતર માટે ૧૦૦ ચો.મી.(૧ ગુઠો/આર) જમીનનું ધરૂવાડીયુ પુરતુ છે. ધરૂવાડીયાની જમીનનું રાબીંગ અથવા સોલેરાઈઝેશન ત્યાર બાદ જમીનની ફળદ્રુપતા મુજબ અને ઢાળને અનુલક્ષીને પ થી ૭ મીટર લાંબા, ૧ થી ૧.૫ મીટર પહોળા અને ૧૫ સે.મી ઉચાઈના ગાદી કયારા અથવા સપાટ કયારા બનાવવા ત્યાર બાદ કયારા દીઠ ૩૦ કિલો કોહવાયેલું છાણીયુ ખાતર, ૨૦ ગ્રામ ડી.એ.પી. અને ૫૦ ગ્રામ યુરિયા એક સે.મી. ઉંડાઈએ આપવું ગાદી કયારા કે સપાટ કયારામાં ૧૦ સે.મી.ના અંતરે ચાસ ખોલવા. ૧૦૦ ચો.મી.ના ધરૂવાડીયા માટે ૬૦૦ ગ્રામ મરચાના બીજની જરૂરીયાત છે. બીજને પારાયુકત દવા એક કિલો બીયારણ દીઠ ત્રણ ગ્રામ દવા જેવી કે થાયરમ, સેરેસાન, એગ્રોસાન કે કેપ્ટાનનો પટ્ટ આપવો બીજને ચાસમા પુંખીને હળવું પિયત આપવું અથવા જારાથી પિયત આપવું.
ધરૂ ઉછેરમા લેવાની કાળજી અને માવજત
મરચાના બીજમાંથી ૭ થી ૮ દિવસે અંકુર નિકળે છે. ધરૂવાડીયા ફરતે શણ, શેવરી કે ગુવાર વાવવાથી ગરમ પવનની કુમળ ધરૂને થતી અસર અટકાવી શકાય છે બીજને વાવેતર પછી કયારામાં હળવુ ઘાસ પાથરવુ. બીજનો બરોબર ઉગાવો થઈ જાય ત્યારે ઘાસ દુર કરવુ. બીજુ પિયત ૩ થી ૪ દિવસે આપવુ પછી એકાંતરા દિવસે સાંજના સમયે પાણી આપવુ ધરૂવાડીયાના ઉગાવા બાદ કોહવારાના ઉપાય માટે કોપર ઓક્સિકલોરઈડ – ૪૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમા દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
મરચીના કુકડવા રોગના ઉપાય માટે મોનોક્રોટોફોસ ૨૦મીલી/૧૦ લીટર પાણીમા મિકસ કરી છાંટવુ. જરૂરત મુજબ નિંદામણ, પિયત, પૂર્તિ ખાતર, પાક સંરક્ષણનુ આયોજન કરવાથી ૪૦ થી ૪૫ દિવસે મરચીના ધરૂ ૮ થી ૧૦ પાનવાળા થાય છે જે ફેર રોપણી માટે તૈયાર થઈ ગયા છે તેમ માનવું. ફેર રોપણીના ૪થી ૫ દિવસ પહેલા ૨૦૦ ગ્રામ ફોરેટ ૧૦જી દવા કયારામાં આપી પિયત આપવું. જેથી જીવાણુમુક્ત તંદુરસ્ત ધરૂ મળે છે. ફેર રોપણીના આગલા દિવસે પિયત આપવુ જેથી સહેલાઈથી તંતુમૂળ સહીત ધરૂ ઉપાડી શકાય.
મરચીની ખેતીમાં ફેર રોપણી સમય અને અંતર
મરચીની ખેતીમાં ફેર રોપણી જુલાઈના ત્રીજા કે ચોથા અઠવાડીયામાં ધીમો વરસાદ હોય ત્યારે અગાઉથી તૈયાર કરેલ જમીનમાં ૬૦×૬૦ સેં.મી. અથવા ૬૦×૯૦ સે.મી. ના અંતરે રોપણી કરવી. રોપણી માટેનું ધરૂ ૨૫ સેં.મી. ઊંચાઈ અને ૮ થી ૧૦ પાન વાળુ ૪૦થી ૪૫ દિવસનું પસંદ કરીને તથા આ ધરૂને ૧% મોનોક્રોટોફોસના દ્રાવણમાં બોળીને ફેર રોપણી કરવી રોપણી પછી ૧૦થી ૧૨ દિવસે ખાલા જણાય તો ત્યાં ધરૂ રોપી દેવુ, દરેક થાણાએ બે છોડ ૫ સેમી.ના અંતરે રોપવા.
મરચીની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન
દેશી ખાતર
મરચીની ખેતીમાં પાયાના ખાતર તરીકે ૧૦૦૦ કિલો દિવેલી ખોળ તથા ૨૦ થી ૨૫ ટન છાણીયું ખાતર હેકટર મુજબ આપી પ્રાથમિક ખેડ કરવી.
રાસાયણીક ખાતર
મરચીની ખેતીમાં પાયાના ખાતર તરીકે ૧૫૨ કિલો યુરીયા અથવા ૫૦૦ કિલો સીંગલ સુપર ફોસ્ફેટ અને ૮૩ કિલો હેકટર પ્રમાણે ચાસ બનાવતી વખતે આપવું.
પુર્તિ ખાતર
પુર્તિ ખાતરો મરચીના થડથી ૫ સેં.મી. દુર રીંગમાં આપવું. રેતાળ જમીન હોયતો પુર્તિ ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટની પસંદગી કરવી હીતાવહ છે. મરચીના પાકમાં યુરીયા ખાતરના ત્રણ ડોઝ આપવા.પહેલો ડોઝ ૬૫ કિલો યુરીયા પ્રતિ હેકટરે રોપણી બાદ ૪૫ દિવસે- ફૂલ આવે ત્યારે આપવો. ખાતરનો બીજો ડોઝ ૬૫ કિલો યુરીયા પ્રતિ હેકટરે રોપણી બાદ ૯૦ દિવસે આપવો. ખાતરનો ત્રીજો ડોઝ ૬૫ કિલો યુરીયા પ્રતિ હેકટરે રોપણી બાદ ૧૩૫ દિવસે આપવો.
મરચીની ખેતીમાં અન્ય માવજત:
- મરચીના પાકને શિયાળામાં ૧૨ થી ૧૫ દિવસે અને ઉનાળામાં ૭ થી ૮ દિવસે પિયત આપવું.
- ૪૫ દિવસ સુધીમા મરચીનાં પાકમાં ફૂલ આવે ત્યાં સુધી જરૂરી નિંદામણ કરતા રહેવું. ફૂલ આવ્યા પછી પાણીની ખેંચ ન જણાય તેનું ધ્યાન રાખવું.
- કરબડીથી આડી ઉભી ખેડ કરી જમીન ભરભરી રાખવી. પાકની પુરતી વૃધ્ધિ થયા પછી છેલ્લી આંતર ખેડ વખતે કરબડીના દાંઢા ઉપર કાથી વીંટી એક તરફી આંતર ખેડ કરી છોડના થડમાં માટી ચઢાવી ઢાળીયા બનાવવા.
- મરચીના પાકમાં પાણીનો ભરાવો ન થાય તે રીતે પિયત આપવું. ડીસેમ્બર જાન્યુઆરીમાં જયારે હિમપાતની શકયતા હોય ત્યારે પિયત આપવું.
- લીલા મરચાની વિણી વખતે નવી ફૂટની કુમળી ડાળીઓ તેમજ નાના મરચા તુટી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખવું.
- મરચીના પાકમાં વારંવાર ઝીંક અને લોહ તત્વની ઉણપ જણાય છે. આથી ઝીંક અને ફેરસ સલ્ફેટના દ્રાવણમાં નવી ફૂટતી ડાળીઓમાં ત્રણેક છંટકાવ કરતા રહેવું.
ઝીંક અને ફેરસ સલ્ફેટનું દ્રાવણ બનાવવાની રીત
૧૦ લીટર દ્રાવણ બનાવવા માટે બે લીટર પાણીમા ૫૦ ગ્રામ કળી ચુનો આગલી રાત્રે પલાળવો અને સવારે છંટકાવ કરતી વખતે નવ લીટર પાણીમાં ૭૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ૩૫ ગ્રામ ઝીંક સલ્ફેટ ઓગાળી મિશ્રણ બનાવવું. આ મિશ્રણમાં આગલી રાત્રે પલાળી રાખેલ ચુનામાથી ૧ લીટર નિતર્યુ ચુનાનુ પાણી ઉમેરવું. મિશ્રણને બરાબર હલાવી કપડાથી ગાળી પંપમા ભરવું અને પંપમાં ૧૦ મી.ગ્રા. સ્ટીકર કે કપડા ધોવાના પાવડરનું દ્વાવણ ઉમેરી વહેલી સવારે અથવા ઢળતી સાંજે ૮ દિવસના ગાળાએ ત્રણેક છંટકાવ કરવા અથવા છોડ દીઠ ફેરસ સલ્ફેટ ૪૦ ગ્રામ, ઝીંક સલ્ફેટ ૨૦ ગ્રામ અને બોરીક એસીડને છાણીયા ખાતર અથવા એરંડી ખોળ સાથે ભેળવીને છોડની ફરતે રીંગ કરીને આપવો, પછી તરત પિયત આપવું.
મરચાની વીણી કરવી
સામાન્ય રીતે મરચામાં રોપણી પછી ૬૦ થી ૭૦ દિવસે પહેલી વીણી શરૂ થાય છે. લીલા મરચા માટે શિયાળામાં ૧૦૦ દિવસે અને ઉનાળામાં ૧૦ થી ૧૫ દિવસે વીણી કરવી. આમ કુલ ૧૨ થી ૧૫ વીણી કરી શકાય. સૂકા મરચા માટે લાલ પાકાં મરચાનું ઉત્પાદન લેવા માટે પ્રથમ ૪ લીલા મરચાની વીણી પછીનો ફાલ છોડ ઉપર રહેવા દઈ. લાલ મરચા થવા દેવામાં આવે છે. જેમ જેમ મરચાં લાલ થતા જાય તેમ તેમ લાલ મરચા વીણવાં. પક્ષીએ ખાધેલ કે કીટકથી નુકસાન થયેલ કોહવાઈ ગયેલ કે કોઢીયા સફેદ થઈ ગયેલ મરચાની વીણી અલગ કરી તેનો નાશ કરવો. પાકની ઋતુ દરમ્યાન લાલ મરચાની વીણી ૫ વખત કરી શકાય.
ઉત્તમ ગુણવતાવાળા સૂકા લાલ મરચાં મેળવવાના મુદ્દાઓ.
- ઉતારેલ લાલ મરચાને સ્વચ્છ પાકા કે લીંપેલા ખળામાં સૂકવવા.
- તાજી વીણી કરેલ લાલ મરચાને સેડ નીચે અથવા રૂમમાં ૩ દિવસ સુધી ઢગલો કરી રાખવાથી અર્ધ પાકેલ મરચા જો હોય તો તે એકદમ પાકી જાય છે અને એક સરખા લાલ થઈ જાય છે.
- મરચા સૂકાઈ નહી ત્યાં સુધી દિવસમાં ૧ વાર ઉપર નીચે ફેરવતાં રહેવું.
- મરચાની સૂકવણીના ત્રણ ચાર દિવસ બાદ મોટા ભાગનો ભેજ ઉડી જાય છે. પછી દરરોજ સાંજે દરરોજ તેના ઉપર પ્લાસ્ટિક કે તાડપત્રી ઢાંકવી જેથી સવારના ઝાકળના લીધે મરચા બગડે નહી. સવારે ફરીથી મરચાં સૂકવવા માટે પહોળા કરવા મરચાં સંપૂર્ણ સૂકાઈ જાય ત્યારે તાડપત્રી ઢાંકવી અથવા શણના કોથળાં ભરી લેવા. જેથી ગુણવતા બગડે નહિ.
મરચાનું સરેરાશ ઉત્પાદન.
મરચીની ખેતમાં લીલા મરચાંનું સરેરાશ ઉત્પાદન ૧૫ થી ૨૦ હજાર કિલો પ્રતિ હેકટર હોય છે જ્યારે સૂકા લાલ મરચાં ૧૫૦૦ થી ૨૦૦૦ હજાર કિલો પ્રતિ હેકટર હોય છે.
0 Comments