ડાંગર ભાગ 1 : જમીનની તૈયારીથી લઈને કાપણી સુધીની સંપૂર્ણ માહિતી.

પાક વિશે માહિતી

ડાંગર આપણા દેશનો એક અગત્યનો પાક છે. તેમાંથી સહેલાઈથી મળતી પૌષ્ટિકતાને કારણે વિવિધ દેશના લોકો ખોરાક તરીકે અપનાવે છે. તેમાંથી મળતી આડપેદાશોની પણ જુદા જુદા ઉધોગોમાં પણ ઘણી ઉપયોગીતા છે. ડાંગરના ફોતરા કે છોડનો ઉપયોગ તેલ કાઢવામાં અને ઢોરના ખાણ દાણમાં થાય છે. જ્યારે પરાળ ઢોરના નિરણ માટે, પેકિંગ કરવા માટે, દોરડાં બનાવવા થાય છે.


ડાંગરની ખેતી
SOURCE : INTERNET

ગુજરાતમાં કુલ વાવેતર લાયક જમીનમાં લગભગ 5 ટકા વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય છે. જેનો કુલ વિસ્તાર લગભગ 8.5 થી 9 લાખ હેક્ટર જેટલો છે. આ વિસ્તારમાં લગભગ 16 થી 17 લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે. આમ રાજ્યનું એક હેક્ટરે સરેરાશ ઉત્પાદન 2 થી 2.5 ટન જેટલું થાય છે. રાજ્યમાં ડાંગરની સુધેરલી જાતોની ઉત્પાદન શક્તિ લગભગ 8 ટન/હેક્ટર જેટલી જોવા મળે છે. જેને ધ્યાનમાં લેતાં સરેરાશ ઉત્પાદન ઘણું ઓછું ગણી શકાય.

જમીનની તૈયારી

આ પાકને પાણીની વધુ જરૂરીયાત રહેતી વધુ નિતારવાળી જમીન માફક આવતી નથી ભેજ વધુ સંગ્રહ કરી શકે તેવી ક્યારીની કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ઓછા વરસાદ વાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ રહે તેવી નિચાણવાળી કાંપની જમીનમાં પણ ડાંગરનો પાક લઈ શકાય.


ખેતરમાં ફેરરોપણી કરવા માટે ચારેબાજુ પાળા કરીને ક્યારી તૈયાર કરવી જેથી તેમાં પાણી ભરી શકાય. આવી ક્યારીમાં વાવણી પહેલાં ઈક્ક્ડનો લીલો પડવાશ કરવો અથવા 10 ટન/હેક્ટર છાણિયું ખાતર જમીનમાં ભેળવી હળથી બે થી ત્રણ ખેડ કરી જમીન બરાબર સમતલ કરવી ત્યારબાદ પાણી ભરીને ધાવલ કરવું.

બીજનો દર અને બીજની માવજત

બિયારણનો દર : ભલામણ કરેલ જાતોનું ચોખ્ખુ, ભરાવદાર અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું જીણાદાણા વાળી જાત માટે 1 હેક્ટર દીઠ 25 કિલો અને જાડા દાણાવાળી જાત માટે 1 હેક્ટર દીઠ 30 કિલો ગ્રામ શુધ્ધ બિયારણ વાપરવું.


બીજની માવજત : વાવતા પહેલા બીજને 3 ટકાના મીઠાના દ્રાવણમાં (10 લીટર પાણીમાં 300 ગ્રામ મીઠુ) બીજને બોળવા, જેથી હલકા પોચા અને રોગવાળા બીજ પાણી ઉપર તરી આવશે. તેને બહાર કાઢી ફેંકી દેવા અને ભારે વજનદાર દાણા નીચે બેઠેલા હોય તેને બહાર કાઢી ચોખ્ખા પાણીથી બે વાર ધોઈને બીજને છાયડાંમાં સુકવવા. ત્યારબાદ બીજ જન્ય રોગ અટકાવવા ફુગ નાશક દવા મૂલ રક્ષક (1)ને 1 કિ.ગ્રા. બીજ દીઠ 10 ગ્રામ લઈને બીજને પટ આપવો.

ધરૂવાડિયું

ધરૂવાડિયાની જમીન સહેજ ઉંચાણવાળા રસ્તાની નજીક, પિયતની સગડવાળી, નિંદણમુક્ત હોવી જોઈએ. જમીન હળ અને કરબથી ખેડીને ભરભરી બનાવી સમાર મારી સમતલ બનાવવી. સારું તંદુરસ્ત અને ચીપાદાર ધરૂ ઉછેરવા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

ડાંગરનું ધરું તૈયાર કરવું.
SOURCE : INTERNET

એક હેક્ટરની રોપણી માટે 1 મીટર પહોળા, 10 મીટર લાંબા અને 15 સે.મી. ઉંચાઈના 80 થી 100 ક્યારા બનાવવા જોઈએ. ક્યારા દીઠ 20 કિલો છાણિયું ખાતર, 2 કિલો દિવેલા ખોળ, મૂલ ચુસક (N) 500 મીલી આપી જમીનમાં ભેળવી દેવું. ક્યારામાં 10 સે.મીના અંતરે છીછરાં ચાસ ખોલી જુનના પ્રથમ પખવાડિયામાં આગળ જણાવ્યા પ્રમાણે બિયારણનો જથ્થો લઈ હારમાં વાવેતર કરવું.

બીજની વાવણી બાદ 24 કલાક સુધી ગાદીક્યારા ઉપર ૨ સે.મી. પાણી ભરી રાખવું. ત્યારબાદ ધરૂવાડિયામાં ભેજ રહે તે પ્રમાણે પાણી આપવું. નિંદણ કાર્ય જરૂરીયાત પ્રમાણે કરવું. સામન્ય રીતે 21 થી 22 દિવસે ધરૂરોપણી લાયક બને છે. મોટી ઉંમરના ધરૂનો ઉપયોગ કરવાથી ફુટ ઓછી આવે છે અને સરવાળે ઉત્પાદન ઓછું મળે છે.

ડાંગરની ફેર રોપણી
SOURCE : INTERNET

ફેર રોપણી

ડાંગરની ફેર રોપણી માટે જુલાઈનું પ્રથમ પખવાડિયું આદર્શ સમય છે. ડાંગરની ફેરરોપણી બે હાર વચ્ચે 20 સે.મી. અને બે છોડ વચ્ચે 15 સે.મી.નું અંતર રાખી દરેક થાણા દીઠ ત્રણ છોડ રોપવા.


ડાંગરમાં ખાતર વ્યવસ્થાપન
SOURCE : INTERNET

ખાતર વ્યવસ્થા

છાણીયું ખાતર : 25 ગાડી હેક્ટર દીઠ પ્રાથમિક ખેડ વખતે અથવા ચાસ ભરીને આપવું.


પાયાનું ખાતર : જટાયુને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવો. નવા ઉગતા છોડનો વિકાસ ઝડપી કરવા માટે ઉપયોગી છે.

પિયત વ્યવસ્થા

ડાંગરમાં પાકતા તેના જીવનકાળ દરમ્યાન ખેતરમાં ઓછામાં ઓછુ 5 સે.મી. પાણી ભરી રાખવું. અને જ્યારે જરૂર જણાય ત્યારે પાણી ઉમેરતાં રહેવું. આ ઉપરાંત નીચેના પિયત અંગેના મુદ્દા ધ્યાનમાં રાખવા.


ડાંગર રોપ્યા પછી ચિપા ફૂટે ત્યાં સુધી (૪૦ દિવસ સુધી) છીછરા પાણીની ખાસ જરૂર હોય છે. આ માટે 3 થી 5 સે.મી પાણી ભરી રખવું.


જીવાત પડવાની શરૂઆત થાય તે પહેલાં એટલે કે વહેલી પાકતી તથા મધ્યમ પાકતી જાતો માટે 30 થી 35 દિવસ વચ્ચે એકવાર પાણી કાઢી નાંખી નિતાર આપવો. જ્યારે મોડી પાકતી જાતો માટે 35 થી 40 દિવસ વચ્ચે અને 50 થી 55 દિવસ વચ્ચે એમ બે વાર પાંચ પાંચ દિવસનો નિતાર આપવાથી ઉત્પાદન વધારે મળે છે.


કંટી નીકળ્યા બાદ 2 અઠવાડિયા સુધી પાણીની વધુ જરૂર રહે છે. એટલે ક્યારી 5 થી 7.5 સે.મી. પાણીથી ભરેલી રાખવી. દાણા પાકવા આવે ત્યારે દાણાનો રંગ પીળો થવા માંડે છે. તે સમયે પાણી કાઢી નાંખવાથી પાક એક સાથે તૈયાર થાય છે. જેથી કાપણી સરળ બને છે.

પાછલી માવજત

ફેરરોપણી પછી 5 થી 7 દિવસે ખાલા પડ્યા હોય તે પુરવા. ફેરરોપણી બાદ 15 દિવસે જરૂરિયાત મુજબ 2 થી 3વાર નિંદામણ કરવું. ડાંગરના પાકને શરૂઆતના 60 દિવસ સુધી નિંદણ મુક્ત રાખવો.


ડાંગરની કાપણી
SOURCE : INTERNET

કાપણી

ડાંગરના પાકમાં કાપણીનો સમય સાચવવો. છોડના ઉપરના પાન પુરા સુકાયા ન હોય પરંતુ કંટીમાં દાણા કઠણ બન્યા બાદ તેનો રંગ પીળો દેખાય ત્યારે ડાંગર કાપવી. કાપણીનો સમય જાળવવાથી ડાંગરના દાણા ખરી પડવાનું અને ચોખામાં કણકીનું પ્રમાણ ઘટે છે. સામન્ય રીતે ડાંગરના પાકમાંથી કંટી નીકળ્યા બાદ 25 થી 30 દિવસે ડાંગરનો પાક લણવાને લાયક બને છે. જેથી આ સમયે ડાંગરની સમયસર કાપણી કરવાથી ચોખાનું પ્રમાણ વધુ મળે છે.


ડાંગરનો બીજો ભાગ પણ બે દિવસમાં આવી જશે જેની લિંક તમને વોટ્સએપ પર મળી જશે.


તમને આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી જો ઉપયોગી થઈ હોય તો તમે આ પોસ્ટને ફેસબુક અથવા વોટ્સએપ પર શેયર કરીને ઘણા ખેડૂતોને ઉપયોગી થઈ શકો છો.


Khedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી મુકવામાં આવે છે. જો તમે આ માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ, ગામ અને જિલ્લો લખીને મેસેજ કરો.

Post a Comment

0 Comments