પશુ આરોગ્ય સંપૂર્ણ માહિતી | આદર્શ પશુપાલન ભાગ-2

નમસ્કાર ખેડૂતમિત્રો! આદર્શ પશુપાલનના ભાગ-2માં આજે આપણે પશુ આરોગ્ય વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું. પશુ આરોગ્યમાં બે મહત્વની બાબતો છે. 1) પશુઓમાં થતા વિવિધ રોગ અને તેનું નિયંત્રણ 2) રસીકરણ.
 

Pashu Arogya Full Details
SOURCE : INTERNET
સૌ પ્રથમ આપણે પશુઓમાં થતા વિવિધ રોગ તેના લક્ષણો અને તેની સારવાર વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે રસીકરણ વિશે માહિતી મેળવીશું જેમાં વિવિધ રોગની રસીઓ અને તેના ક્યારે મુકવામાં આવે છે તે વિશે જાણીશું.
 

1. પશુઓમાં થતા વિવિધ રોગ અને તેનું નિયંત્રણ

સામાન્ય રીતે પશુઓમાં ચેપી તથા બિનચેપી એમ બે પ્રકારના રોગો થતા જોવા મળે છે. ચેપી રોગ મુખ્યત્વે બેક્ટેરીયા, વાયરસ તથા પ્રોટોઝુઆ દ્વારા ફેલાતા હોય છે.
 

બેક્ટેરીયા દ્વારા થતા રોગ

1)ગળસૂઢો (એચ.એસ.) : મુખ્યત્વે ગાય, ભેંસમાં આ રોગ થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી, વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કે ચોમાસાં પછી આ રોગ થતો હોય છે.

લક્ષણો : ગળસૂંઢાનો રોગ લાગુ પડે તો પશુને 105° થી 108° ફેરનહીટની આસપાસ તાવ આવે છે. પશુના મોઢામાંથી લાળ પડે છે. પશુના શ્વાસોચ્છવાસ અને ધબકારા વધી જાય છે. પશુના ગળાના ભાગે સોજા આવે છે અને ગળામાંથી ઘરઘરાટીવાળો અવાજ પણ થાય છે. આ રોગ થાય તો 24 થી 36 કલાકમાં પશુનું મૃત્યુ થઈ શકે છે.

સારવાર : તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવવી.

ઉપાય : આ રોગના નિયંત્રણ માટે દર છ માસે તેનું રસીકરણ કરાવવું જોઈએ. ચોમાસા પહેલાં મે-જૂનમાં તથા ડિસેમ્બરમાં તેની રસી મુકાવવા હિતાવહ છે.

2) ગાંઠીયો તાવ (બી.ક્યુ.) : મોટા ભાગે ડુંગરાળ પ્રદેશોમાં આ રોગ જોવા મળે છે.

લક્ષણો : પશુને પાછલા પગ પર સોજો, સખત તાવ આવે, પશુ બેચેન બની જાય, ચાલી ન શકે, થાપાના ભાગે ખરાબ વાસ વાળુ કાળું પ્રવાહી ભરાયેલો હોય, ત્યાં સોજાની જગ્યાએ થપકારવાથી કેપિટેશન સાઉન્ડ (ફુગ્ગો ચચરાટની વાળો અવાજ) આવે. રોગની તીવ્રતામાં ર૪ કલાકમાં પશુ મરણ પામી શકે છે.

ઉપાય : ગાંઠીયા તાવ (બી.ક્યુ.)નુ વેક્સીનેશન(રસીકરણ) ચોમાસા પહેલા ભૂતકાળમાં જ્યાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગોની શક્યતાવાળા વિસ્તારમાં કરવું જોઈએ.

3) કાળીયો તાવ (એન્ટેક્સ) :
આ રોગ અત્યંત ચેપી રોગ છે.જે ગાય, ભેંસ, ઘેટાં, બકરામાં થતો રોગ છે. વાતાવરણમાં ફેરફાર કે બદલાવ આવે ત્યારે આ રોગ જોવા મળે છે. ખાસ કરીને નવેમ્બર થી જાન્યુઆરી દરમ્યાન ચરીયણ દરમ્યાન પરીપક્વ-પાકું ઘાસ ખાતા તેના જડીયા મોઢામાં વાગે છે. જેથી મોંમાં ઉઝરડા, ચાંદા પડે છે તે વાટે જંતુઓ શરીરમાં દાખલ થાય છે. આ જંતુ શરીરમાં કાતિલ ઝેર પેદા કરે છે. તેની અસર પામેલું પશુ બે થી ત્રણ કલાકમાં મૃત્યુ પામે છે.

લક્ષણો : આ રોગ થતા પશુ સૂનમૂન શાંત થઈ જાય છે. તો ક્યારેક ઉશ્કેરાટ અનુભવે છે. 107° ફેરનહીટ જેટલું શરીરનું તાપમાન જોવા મળે છે, શ્વાસ ઝડપી બને છે, આંખો લાલ થઈ જાય છે, શરીરના કુદરતી દ્વાર માંથી લોહીનો સ્ત્રાવ જોવા મળે છે. દૂધમાં એકાએક ઘટાડો જોવા મળે છે, દૂધમાં લીલાશ અથવા પીળાશ જોવા મળે છે, ક્યારેક ઝાડા થાય, જીભ તથા ગળામાં બંને પગના વચ્ચેના ભાગે કે યોની ભાગે સોજો આવે છે. ગાભણ પશુ તરવાઇ જાય કે મરણ પણ પામે છે.

ઉપાય : રોગચાળા દરમ્યાન અસરગ્રસ્ત વિસ્તારમાં રસીકરણ કરાવવું. જ્યાં રોગ થયો હોય ત્યાં ત્રણ વર્ષ સુધી સતત રસીકરણ કરાવવું જોઈએ. આ રોગ મનુષ્યમાં પણ થઈ શકે છે.

4) એન્દ્રોટોકસીમીયા (માથાવટુ) : (આંત્ર વિષજવર)
આ રોગ મુખ્યત્વે ઘેટાં-બકરામાં થતો જોવા મળે છે.

લક્ષણો : માથા, ચહેરા તથા ગરદનના ભાગે સોજો જોવા મળે છે, ઝાડા થાય છે. આંતરડાંમાં સોજો આવે છે, હાંફ ચડે, નબળું પડી જાય તથા ચકરી ખાઈને પડી જાય છે.

ઉપાય : આ રોગ માટે નુ રસીકરણ મે-જૂન માસ દરમ્યાન કરવામાં આવે છે. આવા રોગીષ્ટ ઘેટાં માટે પાણી તથા ઘાસચારાની અલાયદી વ્યવસ્થા કરવી. વાડાની સફાઈ કરવી તથા મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો. રોગિષ્ટ ઘેટાંને ચરીયાણ માટે લઈ જવા નહીં અને બીજા ઘેટાંથી અલાયદા રાખવા.

વાયરસથી થતા રોગ

1) ખરવા-મોવાસા (એફ.એમ.ડી.) :
ખરવાના ટૂંકા નામે ઓળખાતા આ રોગથી જાનવર મરતું નથી, પરંતુ પશુપાલકને આર્થિક રીતે મારી નાખે છે. પશુની ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર કરે છે. બળદની કામ કરવાની શક્તિ તેમજ ગાય ભેંસ ની દૂધ ઉત્પાદન શક્તિ ઘટે છે.

લક્ષણો : પશુને તાવ ચડે છે. મોઢામાંથી ખૂબ લાળ પડે છે. જીભ, તાળવા તથા મોઢામાં હોઠના અંદરના ભાગે ફોલ્લા પડે છે, જે ફાટતાં ચાંદા પડે છે. પગની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડે છે. દૂધાળા પશુનું દૂધ 25 થી 60 ટકા સુધી ઘટી જાય છે.

ઉપાય : આ રોગના નિયંત્રણ માટે ફેબ્રુઆરી માસમાં અને જુલાઈ-ઓગસ્ટમાં રસી મૂકાવવી જોઈએ. આ રોગના જંતુઓનો નાશ કરવા માટે સોડિયમ હાઈડ્રોક્સાઈડ, સોડિયમ કાર્બોનેટ તથા સાઈટ્રિક એસિડ જેવા રસાયણ ઉપયોગમાં લેવા જોઈએ. રોગિષ્ટ પશુને અલગ બાંધવા, મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો તથા વાડાની જંતુનાશક દવાથી સફાઈ રાખવી ઉપરાંત તેના ખોરાક અને પાણીની વ્યવસ્થા અલાયદી રાખવી. પશુના મો તથા પગની ખરી પોટેશિયમ પરમેગેનેટના દ્રાવણથી સાફ કરવી. એક્રેલીન અથવા હિમેકસ મલમ કે ટરપેન્ટાઈન તેલથી ડ્રેસિંગ કરવું જોઈએ. રોગીષ્ટ પશુઓની અવરજવર નિયંત્રિત કરવી જેથી રોગચાળો ફેલાતા અટકે છે.

2) પી.પી.આર. : મોટેભાગે ઘેટાં બકરામાં થતા આ રોગો ગંભીર તો છે જ પરંતુ સર્વ સામાન્ય પણ છે.

લક્ષણો : આંખ અને નાક માંથી પ્રવાહી ઝરે, મોઢામાં ચાંદા પડે, દુર્ગંધ મારતા ઝાડા થાય, ક્યારેક તાવ આવે, ઘેટાં એકદમ ચુસ્ત થઈ જાય, મરણ પણ પામે, ગાભણ ઘેટી તરવાઈ જાય.

ઉપાય : પી.પી.ના દ્રાવણથી મોટું ધોવું. આ રોગના નિયંત્રણ માટે ઓકટોબર માસમાં રસી મૂકવી જોઈએ.

સામાન્ય રોગો

1) અંતઃપરોપજીવી કૃમિથી થતા રોગો :
પશુના શરીરમાં અતઃ પરોપજીવી એવા કૃમિની હાજરી પશુના સ્વાસ્થ્ય પર અસર પડ્યા વિના રહેતી નથી. શિયાળાની શરૂઆતમાં આ રોગ દરેક પશુઓમાં વધુ જોવા મળે છે. કૃમિએ પશુધનનો છૂપો શત્રુ છે જે પશુઓને ધીમે ધીમે નાશ તરફ લઈ જાય છે. ગોળ કૃમિ, યકૃતકૃમિ, પટ્ટીકૃમિ, રજજુ કૃમિ અને નાના કરમિયા જેવા વિવિધ પ્રકારના કૃમિ વિવિધ પ્રકારના પશુના શરીરમાં પાંગરે છે.

લક્ષણો : પશુને પેટમાં ચૂંક આવે, વિકાસ રૂંધાય, પાચનશક્તિ નબળી પડે, પાતળા, ચીકણા, દુર્ગંધ મારતાં કાળાશ પડતા ઝાડા થાય, લોહી પાતળું થાય, શરીર ફીકું પડે, જડબા નીચે પ્રવાહી ભરાય, વજન ઘટી જાય, દૂધ ઉત્પાદશક્તિ ઘટી જાય.

ઉપાય : ચોમાસા પહેલા તથા શિયાળાની શરૂઆત દરમિયાન નદી, તળાવના કિનારાનું ઘાસ ઢોરને ચરવા દેવું નહીં. આ ઉપરાંત,
  1. બચ્ચાને પ્રથમ દશ દિવસે, ત્રણ માસે, છ માસ તથા બાર માસની ઉંમરે દવા પીવડાવવી.
  2. પશુઓને દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી કૃમિનાશક દવા પીવડાવવી.
  3. કૃમિનાશક દવાનો ઉપયોગ પશુચિકિત્સા અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવો.

2) આફરો : લીલો ચારો (રજકો) ખાધા બાદ આફરો એકાએક ચડે છે.

લક્ષણો : ડાબુ પડખું અથવા પેટનો આખો ભાગ ફૂલી જાય છે. પશુ અવારનવાર ઊઠબેસ કરે છે, પાછલા પગથી પેટ પર લાત મારવાના પ્રયત્ન કરે છે. અનેક વખત જીભ બહાર નીકળી જાય છે, શ્વાસોચ્છવાસની ગતિ વધારે હોવાથી મોં ખુલ્લું રાખીને શ્વાસ લે છે. આવામાં પશુનું મૃત્યુ પણ થાય છે.

ઉપાય : આફરો ચડેલ પશુને 500 ગ્રામથી એક કીલોગ્રામ મીઠું તેલ પીવડાવવું. તેલમાં 20 થી 30 મી.લી. ટરપેન્ટાઈન ઓઈલ નાખવું. વિલાયતી મીઠું 400 થી 500 ગ્રામ પાણીમાં ઓગાળીને પાવું, જેથી જુલાબ થશે અને પશુને રાહત થશે. પશુ ચિકિત્સકની સલાહ મુજબ દવાઓ પીવડાવવાથી ફીણ અને પરપોટાનો નાશ થતાં પેટમાં ભરાયેલો વાયુ છૂટો પડશે. આહારમાં પ્રોટીન સાથે રેસા વાળો ચારો યોગ્ય પ્રમાણમાં આપવો.

3) આઉનો રોગ (મસ્ટાઈટીસ):
કહેવાય છે કે મસ્ટાઈટીસનો રોગ થવા માટે માણસ જ જવાબદાર છે. આંચળ તથા આઉના સંસર્ગમાં કોઈ પણ જાતનાં જીવાણું આવે અને તેને અનુકૂળ વાતાવરણ મળતાં દુગ્ધગ્રંથિમાં સોજો આવે છે. આંચળ પરની ઈજા, રહેઠાણની ગંદકી, લાંબી અને લટકતી દૂધ ગ્રંથિમાં અંગુઠા વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત, દૂધ દોહનારના હાથની સ્વચ્છતા તથા પશુની નબળી રોગ પ્રતિકારક શક્તિ જવાબદાર છે.

લક્ષણો : દૂધને બદલે પાણી જેવું ચીકણું પ્રવાહી કે પરુ નીકળે, કોઈવાર લોહી પણ પડે, આંચળ અને આઉ કઠણ થઈ જાય, દૂધમાં ગઠ્ઠો પડે, શરીરનું તાપમાન ઊંચું રહે, આઉ-આંચળ ઠંડા થઈ જાય વગેરે ચિન્હો જોવા મળે છે. ઉપચાર માટે નજીકના પશુ ચિકિત્સા અધિકારીનો તાત્કાલિક સંપર્ક કરવો.

ઉપાય : આંચળને દોહતા પહેલા છાણ-માટી સાફ કરવા. દૂધ દોહવામાં નિપુણતા કેળવવી એટલે કે સાચી પદ્ધતિથી જ દૂધ દોહન કરવું. રોગવાળા જાનવરને છેલ્લે દોહવું અને તેનું દૂધ વપરાશમાં લેવું નહીં. દૂધ દોહવાના મશીનનો ઉપયોગ કરવો હોય તો મશીન વ્યવસ્થિત સાફ કરવું. આંચળ અને આઉને મંદ જંતુનાશક દવા વડે સાફ કરી, સ્વચ્છ કપડાં વડે લૂછી પછી જ દૂધ દોહવું. દૂધ દોહન બાદ આંચળને જીવાણુનાશક દ્રાવણમાં બોળવા.

ચયાપચયના રોગો :

દૂધિયો તાવ (સુવા રોગ, મિલ્ક ફિવર): વિયાણ પહેલાં ખાસ કરીને છેલ્લા મહિનાથી 15 દિવસમાં જ્યારે ખોરાક કે શક્તિની દવા સ્વરૂપે પશુ પાલક પશુને વધારાનું કેલ્શીયમ આપે છે. જેથી પેરાથાઈરોઈડ ગ્રંથિ નિષ્ક્રીય થઈ જતાં વિયાણ સમયે કેલ્શિયમનુ લોહીમાં સ્થાનાંતરણ થતા સમય લાગે છે. જેથી આ ગાળા દરમિયાન કેલ્શિયમનું પ્રમાણ ઝડપથી નીચું જતાં પશુ સુવારોગનો ભોગ બને છે. સુવા રોગ ન થાય તે માટે પશુપાલકે વિયાણ પહેલાં વધારાનું કેલ્શીયમ ન આપવું. જે વિયાણ પછી આપી શકાય છે. પશુપાલકો જ્યારે પશુમાંથી બધું જ દૂધ ખેંચી લે ત્યારે પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે.

લક્ષણો : વિયાણ પછી 24થી 72 કલાકની અંદર પશુ પડી જાય, ધ્રુજારી અનુભવે, કબજીયાત થાય, એકદમ ખાવાનું કે વાગોળવાનું બંધ કરી દે, જાનવર બેસી જાય કે આડું પડી જાય.

ઉપાય : ઘાસની પથારી કરવી, દર કલાકે પડખું ફેરવવું જેથી તેના સ્નાયુ જકડાઈ ન જાય. આ રોગોના ઉપચાર માટે નજીકના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવો.

2) કિટોસીસ : વાગોળતા અને ઊંચું દૂધ ઉત્પાદન આપતા પશુઓ કાર્બોદિત પદાર્થના ચયાપચયની ખામીને કારણે શર્કરા ખામી ઊભી થાય છે. જેને લીધે આ રોગ થાય છે. વિયાણ બાદ એક કે બે માસ દરમ્યાન આ રોગ થાય છે.

લક્ષણો : પશુ ઝડપ થી વજન ગુમાવે છે. દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. ક્યારેક પશુ ગોળ ગોળ ફરે છે, આંધળું થયું હોય તેમ વર્તે છે. ક્યારેક ખાણ ખાવાનું છોડી દે છે, રોગની મંદ અવસ્થાએ કોઈ ચિન્હો બતાવતું નથી પરંતુ દૂધ ઉત્પાદનમાં ધીમો પણ દૈનિક એક થી દોઢ લીટર જેટલો ઘટાડો જોવા મળે છે.

ઉપાય : આ રોગના નિયંત્રણ માટે પશુ ચિકિત્સકની સારવાર પછી પ્રોપીલીન ગ્લાયકોલ નામની દવા પ્રથમ દિવસે 25 ગ્રામ બે વખત અને એ પછીના બે દિવસ માટે 10 ગ્રામ દિવસમાં બે વખત પીવડાવી શકાય. સર્વ સામાન્ય દવા તરીકે ગોળની રસી પીવડાવી શકાય છે.

2. પશુઓમાં રસીકરણ

All animal Disease vaccines
SOURCE : INTERNET

ગળસુંઢો : દર વર્ષે રોગચાળાની વધુ શક્યતાવાળા વિસ્તારમાં મે થી જૂન માસમાં ગળસુંઢાની રસી મુકાવવી જોઈએ. પશુને ગળસુંઢાની રસી ફરીથી નવેમ્બર - ડિસેમ્બર માસમાં મુકાવવી જોઈએ.

ગાંઠીયો તાવ : પશુને દર વર્ષે જૂન માસમાં ગાંઠિયાં તાવની રસી મુકાવવી જોઈએ.

ખરવા-મોવાસા : દર વર્ષે બે વખત માટે ફેબ્રુઆરી અને જુલાઈ-ઓગસ્ટ માસમાં ખરવા મેવાસની રસી મુકાવવી જોઈએ. પશુને રસીનો પ્રથમ ડોઝ 4 માસની ઉંમરે, બીજો ડોઝ 6 માસની ઉંમરે ત્યાર બાદ દર છ માસે ખરવા મેવાસાનું રસીકરણ કરાવવું જોઇએ.

ચેપી ગર્ભપાત : પશુને ચેપી ગર્ભપાતની રસી 4 થી 8 માસની ઉંમરે જીવનમાં એક જ વાર આપવી.

હડકવા : જો પશુને કૂતરું કરડયું હોય તો કરડયાના ૨૪ કલાકમાં રસીનો પ્રથમ ડોઝ મૂકવો. ત્યારબાદ 3,7, 14, 28 અને 90 દિવસે હડકવાની રસી મુકાવવી જોઈએ.

આંત્ર વિષમતા / આંત્ર વિષ જવર : આંત્ર વિષમતા / આંત્ર વિષ જવરની રસી ચોમાસા પહેલા ફક્ત ઘેટાંમાં મુકાવવી જોઈએ.

અગત્યના સૂચનો
  1. રસી ડોક્ટરની સલાહ મુજબ જ આપવી.
  2. રસીકરણમાં ડીસ્પોજીબલ નીડલ, સીરીંજનો ઉપયોગ કરવો.
  3. રસીકરણ બાદ બચેલી રસીનો બાળીને અથવા જમીનમાં દાટીને નાશ કરો.
  4. રોગ થાય તે પહેલાં પશુને રસીકરણ કરાવી રોગ સામે રક્ષણ અપાવો અને કિંમતી પશુને બચાવો.
  5. કૂતરું કરડેલા ભાગને તાત્કાલિક સાબુના પાણીથી ધોઈ નાખો અને જંતુનાશક દવા લગાડો. કૂતરું કરડેલા ભાગ પર પાટો બાંધવો નહીં.

Post a Comment

0 Comments