માનવ આહારમાં શાકભાજીની અગત્યતા શરીરની સૌમ્યતા જાળવવાની સાથે સાથે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ હોવાથી શાકભાજી પાકોનું મહત્ત્વ રાજ્ય અને દેશમાં ખૂબ જ વધી જવા પામ્યું છે. ગુજરાત રાજ્યમાં બાગાયતી ખેતી માટેની ઉજળી તકોના કારણે શાકભાજી પાક અને ફળ પાકોની ખેતી હેઠળ દિવસે દિવસે વિસ્તાર વધી રહ્યો છે. શાકભાજીમાં સરગવાની શીંગ વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
SOURCE : INTERNET |
સરગવો એક બહુવર્ષાયુ અસંખ્ય નાના નાના પાન ધરાવતું, આઠ થી દસ મીટર ઊંચું, શાખા વાળું, સદાપર્ણી ઝાડ છે. જે મોરીગેસી કુળનું ઉપયોગી ઝાડ છે. અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક અથવા હોર્સ રેડીસ તરીકે ઓળખવામાં છે. દક્ષિણ ભારતમાં કેરાલા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં તેની શીંગોનો વપરાશ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. સરગવાની શીંગમાં વિટામિન બી’ અને ‘સી’ ભરપૂર પ્રમાણમાં હોય છે. શીંગોમાં કાર્બોહાઈડ્રેસ 3.7%, પ્રોટીન 2.5% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છે. આ ઉપરાંત મૂળ, ફૂલ અને છાલમાં પણ ઔષધીય ગુણ સમાયેલો છે. વિશેષમાં સરગવાની શિંગના માવામાં દીપન ગુણને કારણે મંદાગ્નિમાં, સંધિવા, શરીરનું અકડાઈ જવું, પક્ષાઘાત, અનામત, સોજો, પથરી તેમજ ચામડીના રોગોમાં રાહત આપે છે. હેડકી અને શ્વાસની બિમારીમાં સરગવાના પાનનો રસ રાહત આપે છે. આમ સરગવો શાકભાજી તરીકે ખૂબ જ ઉપયોગ સાબિત થયેલ છે. સરગવાની શીંગનું શાક તથા કઢી, પાન અને ફૂલની ભાજી રૂપે, મૂળ અથાણા રૂપે, રસમ, દાળ વગેરેમાં વપરાય છે.
SOURCE : INTERNET |
ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં સરગવાની ખેતીનો વ્યાપ દિવસે દિવસે દિવસે વધતો જાય છે. કિચન ગાર્ડનમાં સરગવાનું સ્થાન નિશ્ચિત રૂપે જોઈ શકાય છે.
SOURCE : INTERNET |
સરગવાની ખેતી માટે અનુકૂળ જમીન :
સરગવાના વૃક્ષને રેતાળ તથા ગોરાડુ ફળદ્રુપ જમીન ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે શેઢાપાળાની પડતર જમીન, મધ્યમ કાળી, બેસર પ્રકારની સારા નિતારવાળી જમીન અનુકૂળ છે.
સરગવાની ખેતી માટે અનુકૂળ હવામાન :
સરગવાના વૃક્ષને ગરમ અને ભેજવાળુ સમશીતોષ્ણ હવામાન ખૂબ જ અનુકૂળ છે. વધુ પડતી ગરમી કે ઠંડી ઝાડની વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે.
સરગવાનું પ્રસર્જન :
સરગવાનું પ્રસર્જન બીજ તથા વાનસ્પતિક પ્રસર્જન પાકટ મધ્યમ જાડાઈના (1.5 થી 2.0 ઈંચ) કટકા તથા ઢાલાકાર આંખ કલમથી થાય છે.
સરગવાની સુધારેલી જાતો :
(1) PKM-1
તામિલનાડુ કૃષિ યુનિવર્સીટી કોઈમ્બતુર દ્વારા ભલામણ કરેલ જાત છે. વાવણી બાદ છ માસ પછી શીંગો ચાલુ થાય છે જે 65 થી 70 સે.મી. લંબાઈની, ગાઢા લીલા રંગની, મધ્યમ જાડાઈની હોય છે. અંદાજીત 50 થી 60 કિલોગ્રામ ઝાડ દીઠ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ઘરાવે છે.
(2) કોંકણ રૂચિરાઃ
કોંકણ કૃષિ વિદ્યાપીઠ, દાપોલી દ્વારા તૈયાર કરેલ જાત છે. આ જાતની શીંગો લીલા રંગની, વધુ ગર્ભ ઘરાવતી 50 થી 55 સે.મી. લાંબી, સ્વાદિષ્ટ છે. અંદાજીત 40 કિ.ગ્રા. પ્રતિ વર્ષ ઝાડ દીઠ ઉત્પાદન આપે છે.
(3) જાફના :
સરગવાની આ જાતની શીંગો 70 થી 90 સે.મી. લંબાઈની, પોચા ગર્ભવાળી, સ્વાદિષ્ટ હોય છે. અંદાજીત 40 કિ.ગ્રા. પ્રતિ ઝાડ વાર્ષિક ઉત્પાદન આપે છે.
(4) લોકલ (સ્થાનિક) :
આ ઉપરાંત રાજ્યમાં વિસ્તાર પ્રમાણે સ્થાનિક જાતોની ખેતી થાય છે.
લીલો સરગવો
સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર વિસ્તારમાં સરગવાની આ જાત પ્રચલિત છે.
કારેલીયો સરગવો :
ભાવનગર વિસ્તારમાં સરગવાની આ જાત પ્રચલિત છે.
ટૂકો સરગવો :
ઓડ, મહીંકાંઠાના વિસ્તારમાં ટૂંકો સરગવો પ્રચલિત છે. તેની શીંગો ભરાવદાર, જાડાઈ ઘરાવતી 30 થી 40 સે.મી. લંબાઈની હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટતા ઘરાવે છે.
સરગવાની રોપણી :
સામાન્ય રીતે ઉનાળામાં 45 સે.મી. × 45 સે.મી. X 45 સે.મી.ના ખાડા 6 મીટર x 6 મીટરના અંતરે તૈયાર કરવા. તેને સારા કહોવાયેલા છાણિયા ખાતર તેમજ ઊધઈ નિયંત્રણ માટે પેરાથિયોન ડસ્ટ 30 ગ્રામ ખાડા દીઠ છાણિયા ખાતર સાથે ભલામણ કરેલ રાસાયણિક ખાતર મિશ્રણ કરી ખાડા પૂરવા. ચોમાસાની શરૂઆત અગાઉ એપ્રિલ-મે માસમાં તૈયાર કરેલ રોપા કે કટકા કલમને રોપી, તુરત જ પિયત આપવું. જરૂરત પડે રોપાને લાકડી અગર વાંસનો ટેકો આપવો.
સરગવાના પાકને રાસાયણિક ખાતર :
રોપણી સમયે પાયામાં ખાડા દીઠ 100 ગ્રામ ડીએપી અને 100 ગ્રામ પોટાશ છાણિયા ખાતર સાથે આપવું.
સરગવાના પાકને પૂર્તિ ખાતર :
સરગવાની રોપણી બાદ ત્રણ માસે છોડ દીઠ 50 ગ્રામ નાઇટ્રોજન, 25 ગ્રામ ફોસ્ફરસ અને 25 ગ્રામ પોટાશયુક્ત ખાતર થડની આજુબાજુ 30 થી 44 સે.મી.ના અંતરે રીંગ કરી જમીનમાં આપી ગોડ કરવી. ત્યારબાદ છ માસે 50 ગ્રામ નાઈટ્રોજન / છોડ દીઠ આપવો જોઈએ.
સરગવાની ખેતીમાં પિયત :
ચોમાસામાં વરસાદ ખેંચાય તો જરૂરત મુજબ હળવું પાણી આપવું. ફૂલ બેસતી વખતે અને શીંગોના વિકાસ સમયે 30 દિવસના અંતરે પિયત આપવા.
સરગવાની માવજત :
જરૂરત મુજબ નીંદણ નિયંત્રણ કરી ખામણાને ગોડ મારવો. છોડ એકાદ મીટર ઊંચાઈના થાય ત્યારે અગ્રભાગ કાપી પ્રુનિંગ કરવું. વધુ ઉંમરવાળા ઝાડને એકાદ મીટરની ઊંચાઈએથી થડ કાપી પ્રુનિંગ કરવું.
સરગવાનું પાક સંરક્ષણ :
સામાન્ય રીતે સરગવામાં રોગ અને જીવાતનું પ્રમાણ નહિવત્ જોવા મળે છે. છતાં પણ આંતરપાક લઈએ ત્યારે ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ થાય છે ત્યારે ભલામણ કરેલ શોષક પ્રકારની દવાના જરૂરત મુજબ એક થી બે છંટકાવ કરવા જરૂરી છે.
સરગવાની શીંગોની વીણી :
સરગવામાં સુધારેલી જાતોમાં છ માસ બાદ શીંગો ઉતારવા લાયક બને છે. સરખી લંબાઈની તંદુરસ્ત, મધ્યમ જાડાઈવાળી શીંગોને અંકોડીની મદદથી ઝાડની ડાળી કે થડને નુકશાન ન થાય તેમ ઉતારી, ગ્રેડિંગ કરી યોગ્ય કદની જૂડીઓ બનાવી, કાપડ, કંપના કે પૂંઠાના બોક્ષમાં પેકિંગ કરી બજારમાં મોકલવાથી અર્થક્ષમ ભાવો મળી રહે છે. વીણી પાંચ થી સાત દિવસના અંતરે નિયમિત કરવાથી સારું ઉત્પાદન સારું મેળવી શકાય છે.
ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો
2 Comments
Sir mare saragava ni kheti mate chod Kathi madse ta-kapadvanj, dist:-kheda
ReplyDeleteઆણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી પેશી સંવર્ધન કરેલા રોપા એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે.
Delete