ગ્રીન હાઉસ એટલે ચોકકસ પ્રકારનું માળખુ કે જેને પારદર્શક અથવા અર્ધપારદર્શક ઢાંકણથી ઢાંકી અંદરના વાતાવરણને નિયંત્રણ કરી કમોસમી વાતાવરણમાં પણ શાકભાજી, ફૂલો તથા ધરૂ તૈયાર કરવાના વૈજ્ઞાનિક અભિગમને ગ્રીનહાઉસ કહેવામાં આવે છે.
ભારત જેવા ઉષ્ણકટિબંધના દેશમાં મોટેભાગે પાક ઉત્પાદન માટે સમગ્ર વર્ષ દરમ્યાન સાનુકૂળ વાતાવરણ રહેતુ નથી. પ્રતિકૂળ હવામાન જેમ કે વધારે ઠંડી, વધારે ગરમી, તીવ્ર પ્રકાશ, અતિ વરસાદ કે પાણીની ખેંચ, હિમવર્ષા, ભારે પવન તેમજ રોગ–જીવાતનો ભયંકર ઉપદ્રવ જેવા પરિબળોને નિયંત્રિત કરવા ગ્રીનહાઉસ ટેકનોલોજી ખેડૂતો માટે આર્શિવાદરૂપ છે. આ ગ્રીનહાઉસમાં કાર્બનડાયોકસાઈડ, ઓકસીજન તથા ઈથિલીન ગેસ વગેરેનું પાકને જરૂરિયાત પ્રમાણે નિયમન કરાય છે. આ પદ્ધતિ શરૂઆતમાં ખર્ચાળ છે એટલે ફકત મોંઘા પાકો જે ખુલ્લા વાતાવરણમાં ન ઉગાડી શકાય તેવા તથા પરદેશમાં નિકાસ કરવા જરૂરી ચોકકસ પ્રમાણો જાળવવા ઉગાડવામાં આવે છે અથવા પેદાશને પ્રક્રિયામાં ફેરવી કિંમત સંવર્ધન કરવામાં આવે છે.
આબોહવાકીય વિષમ પરિસ્થિતિમાં પિયત પાણીની અતિ અછત કે ક્ષારીય પાણીની ઉપલબ્ધિમાં રોગ રહિત ધરૂઉછેરમાં કે વિશેષ કાળજી માંગતા વધુ વેચાણ કિંમત આપતા પાકો ઉગાડવા હાલના તબકકે પચાસથી વધુ દેશોમાં ગ્રીનહાઉસમાં ખેતી કરવામાં આવે છે. વિવિધ દેશોમાં ગ્રીનહાઉસમાં થતી ખેતીનો વિસ્તાર કોઠામાં આપેલ છે.
ચીનમાં પ્લાસ્ટિક ગ્રીનહાઉસ ટેકનોલોજીનો ખુબ જ વિકાસ થયેલ છે. જાપાનમાં 45 હજાર હેકટર વિસ્તારમાં પ્લાસ્ટિક અને ગ્લાસ ગ્રીનહાઉસમાં ખેતી થાય છે કે જે વિશ્વમાં સૌથી વધુ છે. પાણીની બચત કરવી એ ઈઝરાયલ અને બીજા મઘ્યપૂર્વ એશિયાના દેશોની તાતી જરૂરિયાત હોવાથી ગ્રીન હાઉસનું ચલણ ત્યાં વધુ છે. ભારતમાં છેલ્લા ચાર દશકાથી સંશોધન, ઉત્પાદન કે ધરૂઉછેર માટે ગ્રીન હાઉસનો ઉપયોગ થતો આવ્યો છે અને તેનો વ્યાપારિક ધોરણે ઉપયોગ કરવાની સભાનતા આવી છે.
ભારતમાં પાંચ દાયકાથી ગ્રીનહાઉસનો ઉપયોગ થતો આવ્યો છે જે ફકત સંશોધનના હેતુ માટે અથવા કમોસમમાં અગત્યના છોડને બચાવવા માટે થતો હતો. સાચા અર્થમાં સને 1980થી ગ્રીનહાઉસ ટેકનોલોજીની શરૂઆત થઈ. વ્યાપારિક દૃષ્ટિએ સને 1988થી ઉપયોગ થયો. સદર યોજના માટે સરકારની ઉદાર નીતિને કારણે દર વર્ષે 1000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે.
ગ્રીનહાઉસના ફાયદાઓ :
- કોઈપણ પ્રકારના છોડ કોઈ પણ સ્થળે ઉગાડી શકાય છે.
- વર્ષ દરમ્યાન ગમે ત્યારે છોડ ઉછેરી શકાય છે. (ઓફ સીઝન)
- તંદુરસ્ત સારી ગુણવત્તાળા, નિકાસ કરવા લાયક છોડ પેદા કરી શકાય છે.
- રોગ–જીવાત સામે રક્ષણ આપવુ સહેલુ બને છે.
- છોડ ઉછેર સરળ બને છે. નર્સરી સરળતાથી થઈ શકે છે. (ઈન્ડોર પ્લાન્ટસ)
- ગ્રીનહાઉસ શરૂઆતમાં ખર્ચાળ છે પરંતુ લાંબાગાળે સારો ફાયદો આપે છે.
- ઓછી જમીનમાં વિશેષ આવક મેળવી શકાય છે.
- બિનપરંપરાગત (ઈગ્લીશ) શાકભાજી ઉગાડી શકાય છે.
- મકાનના ટેરેસ ઉપ૨ ગ્રીનહાઉસ તૈયાર કરી કિચન ગાર્ડનિંગ કરી દૈનિક શાકભાજીની જરૂરિયાત મેળવી શકાય છે.
- ગ્રીનહાઉસના પાકોની ઉત્પાદન ટકાઉ શકિત સારી હોય છે.
- રોજગારીની તકો વધારી શકાય છે.
- સંવર્ધનની સામાન્ય રીતો તથા ટિશ્યૂકલ્ચરથી નવા છોડ ઉછેરી શકાય છે તથા તૈયાર થયેલ છોડને હાર્ડનિંગ કરી શકાય છે.
ગ્રીનહાઉસમાં કયા પાકો ઉગાડી શકાય ?
સંરક્ષિત વાતાવરણમાં નીચે મુજબના શાકભાજી, શોભાના ફૂલછોડ, ફળપાકો તથા આયુર્વેદિક પાકો ઉગાડી શકાય છે ખુબ જ કિંમતી તથા કમોસમી ખેતી માટેના પાકો લેવા તથા ચોકકસ પ્રકારની જાતોનું જ વાવેતર કરવું જોઈએ.
1. શાકભાજી
ટામેટા, કાકડી, લેટયુસ, મરચી, કેપ્સિકમ જાતો, શિયાળામાં ભીંડા તથા ઉનાળામાં ધાણા, મેથી વગેરે.
2. શીતકટિબંધના શાકભાજી
બ્રોકોલી, પાર્સલી, એસ્પેરેગસ, બ્રુસેલ્સ સ્પ્રાઉટ, ચાઈનીઝ કેબેજ, લીક, થાયમ, સેલારી, બેબીકોર્ન વગેરે.
3. ફળો
સ્ટ્રોબરી, દ્રાક્ષ વગેરે.
4. શોભાના છોડ
હાઈબ્રિડ ગુલાબ, ક્રિસેન્થીમમ, કૂંડાના છોડ, જર્બેરા, જીપ્સોફીલીયા, કાર્નેશન, ડાઈફનબેકીયા, મેરાન્ટા, એગ્લોનીમા, કોલીયસ, મોન્સ્ટેરા, આલ્પેનીયા વગેરે
ગ્રીનહાઉસમાં ઉગાડાતાં પાકોની પસંદગી તેના ભૌતિક માળખા અને આર્થિક ફાયદા ઉપર આધાર રાખે છે. તેથી ઊંચી ગુણવત્તાવાળા વધુ નફો આપતા બાગાયતી પાકોની ખેતી તેમાં આવકાર્ય છે. ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવતા પાકોની સામાન્ય માહિતી કોઠામાં દર્શાવેલ છે.
ગ્રીનહાઉસ બનાવવા જરૂરી સાધનો અને ઉપયોગી વસ્તુઓની ખરીદી માટે પ્રાથમિક રીતે મૂડી રોકાણની જરૂરિયાત રહે છે. ગ્રીનહાઉસમાં ઉત્પાદીત વસ્તુની કિંમત ખુલ્લા ખેતરમાં ઉત્પાદીત વસ્તુ કરતાં વધુ હોય છે પરંતુ ગ્રીનહાઉસમાં ઉત્પાદન વધુ થતુ હોવાથી આર્થિક આવક એકંદરે સરખી જ રહે છે. પાક ઉત્પાદનની માહિતી કોઠામાં દર્શાવવામાં આવેલ છે.
ગ્રીનહાઉસમાં વાતાવરણ ઉપર નિયંત્રણ રાખી શકાતું હોવાથી વર્ષમાં ઘણીવાર પાક લઈ શકાય છે એક સંશોધન દરમ્યાન ટામેટાનો પાક વર્ષ દરમ્યાન આઠ વખત લેવામાં આવેલ. જેમાં વાર્ષિક ઉપજ એક ચોરસ મીટરે ૩૪ કિલોગ્રામ મળેલ. ગ્રીનહાઉસમાં પ્રમાણમાં વધુ માણસોની જરૂરિયાત રહે છે. ખુલ્લા ખેતરમાં બે હેકટરે ફકત એક માસણની જરૂરિયાત હોય છે. જયારે ગ્રીનહાઉસમાં હેકટરે 8 થી 10 માણસોની જરૂરિયાત રહે છે. તેથી ગ્રીનહાઉસની ખેતીમાં વધુ રોજગારી આપવાની ક્ષમતા રહેલી છે.
ગ્રીનહાઉસના પ્રાથમિક તબકકે વધુ મૂડીનું રોકાણ કરવું પડે છે. એક સ્ટીલ ફ્રેમવાળા પોલી હાઉસનો એક ચોરસ મીટર ગ્રીનહાઉસ બાંધવાનો ખર્ચ રૂપિયા 300 થી 500 જેટલો થાય છે જયારે આવક 2 થી 3 મહિને શરૂ થાય છે.
પાક ઉત્પાદન
ગ્રીનહાઉસમાં કાર્યક્ષમ ઉપયોગ સાથે મહત્તમ પાક ઉત્પાદન મેળવવા યોગ્ય દેખરેખ રાખવી જરૂરી છે જેથી વર્ષ દરમ્યાન સતત સાતત્ય સાથે પાક ઉત્પાદન મળતું રહે તે માટે એક જ પ્રકારનો પાક જુદી જુદી અવસ્થાઓ સાથેનો હોવો જરૂરી છે. ગ્રીનહાઉસમાં વાવવામાં આવતા પાક ઓફ સિઝનમાં હોવાથી સાથે બજારમાં તેની તંગી હોવી જોઈએ. જેથી મહત્તમ આર્થિક લાભ મળી શકે. આ માટે ગ્રીનહાઉસના પાકની વાવણી અને લણણી યોગ્ય રીતે ગોઠવવાથી નિશ્ચિત પાક ઉત્પાદન અમુક સમયના અંતરાલ સુધી સતત મળતુ રહે છે સાથે સાથે ગ્રીનહાઉસમાં બહુવિધ પાકો લઈને પણ નફો મેળવી શકાય છે.
વેચાણ વ્યવસ્થા
સામાન્ય રીતે ગ્રીનહાઉસની ખેતીમાં થતુ પાક ઉત્પાદન ખુલ્લા બજારમાં વેચવામાં આવે તો કોઈ ખાસ નોંધપાત્ર ફાયદો થતો નથી પરંતુ આ અંગેના જાણકાર ગ્રાહકો, સારી સોસાયટીઓ તથા પરદેશ નિકાસ કરીને વધુ આવક મેળવી શકાય છે. આ ઉપરાંત પેદાશની પ્રક્રિયા કરી બનાવટોમાં ફેરવીને પણ નિકાસ કરી શકાય છે. આ સમગ્ર ખેતી પધ્ધતિ ઓર્ગેનિક ફાર્મિંગ સિઘ્ધાંત ઉપર કરવામાં આવે અને પોતાની બ્રાન્ડના નામે બજારમાં મુકવામાં આવે તો પણ સારા ભાવો ઉપજી શકે છે.
ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો
આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.
0 Comments