ચણાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી

ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે, જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે ટકી શકે છે. ગુજરાત જેવા પ્રદેશો કે જયાં ઠંડીનુ પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે, ત્યાં સાડા ત્રણથી ચાર મહિનામાં પાકી જતો આ પાક ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજયોમાં વધારે સમય લે છે. પાકની ઉત્પાદકતાનો આધાર પાકવાના દિવસો અને જાત પર અવલંબે છે.
 

ચણાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ
SOURCE : INTERNET

ચણાની જાતો

ભારતમાં ચણાના મુખ્ય બે પ્રકારો છે કાબુલી અને દેશી. કાબુલી જાતો મોટા દાણાવાળી અને સફેદ હોય છે જેને લાંબા શિયાળા અને તીવ્ર ઠંડીની જરૂર પડતી હોવાથી ગુજરાતમાં તેનુ ધાર્યુ ઉત્પાદન મળતુ નથી. ઉત્તર ભારતમાં ચણા પકવતા રાજયોમાં તે વધુ અનુકૂળ આવે છે. આપણા રાજયમાં ટૂંકો અને હળવો શિયાળો હોવાથી દેશી ચણાની જાતો વધુ અનુકૂળ આવે છે.
 
દેશી ચણા પીળા હોય છે જેનો દાણો કાબુલીની સરખામણીએ નાનો હોય છે. દેશી ચણાની ગુજરાત માટે બે જાતો બહાર પાડવામાં આવી છે. ગુજરાત ચણા-1 જાત, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માટે છે. આ જાત પિયત અને બિનપિયત બન્ને વિસ્તારો માટે છે. જૂની જાતો દાહોદ પીળા અને આઇ.સી.સી.સી. 4 કરતાં તેનો ઉતારો 25 ટકા વધુ આવે છે. પિયતમાં આ જાતનો ઉતારો 2000 થી 2200 કિલોગ્રામ પ્રતિ હેકટરે મળે છે. જયારે બિનપિયતમાં હેકટરે 1000 થી 1000 કિલોગ્રામ ઉતારો મળે છે.
 
ગુજરાત ચણા-2 બિન પિયત જાત હોવાથી ભાલ અને ઘેડ વિસ્તાર માટે અનુકૂળ છે. લગભગ 90 થી 95 દિવસમાં પાકતી આ જાતનો ચણા જાફા જાતના ચણા કરતા અઢીથી ત્રણ ગણા મોટા હોવાથી બજારભાવ વધારે મળે છે. આ જાતનો ઉતારો બિન પિયતમાં હેકટરે 1000 થી 1200 કિલોગ્રામ આવે છે. આ જાત સુકારાના રોગ સામે સારી એવી પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાત ભાલમાં ખૂબ જ લોકપ્રિય થયેલ છે. ભાલ અને ઘેડ ઉપરાંત ગોધરા, દાહોદ, ભરૂચ, નવસારી, ખેડા, વડોદરામાં પણ તેનુ વાવેતર કરવામાં આવે છે. ખેડામાં ગુજરાત ચણા-૨ જાત ડોલર ચણા અને ભાલમાં બુટ ભવાની તરીકે જાણીતી થયેલ છે. આ જાતના દાણા મોટા હોવાથી કાચા જીજરા માટે વધારે અનુકૂળ માલૂમ પડેલ છે. પંચમહાલ જીલ્લામાં પણ તાજેતરમાં આ જાતના બીજની માંગ ઉભી થયેલ છે.
 

ચણાના પાકને અનુકૂળ આબોહવા

સુકી અને ઠંડી આબોહવામાં થતાં ચણા હિમ સહન કરી શકતા નથી. વાવણી વખતે 20 થી 30 ડીગ્રી સેલ્શિયસ ઉષ્ણતામાન અનુકૂળ છે. જો માવઠું કે વાદળવાળું હવામાન હોય તો નુકશાન થાય છે. પાકની અવસ્થા દરમ્યાન પૂરતી ઠંડી ન પડે કે ગરમી વધી જાય તો ઉત્પાદન પર માઠી અસર થાય છે.
 

ચણાની ખેતી માટે જમીનની તૈયારી

સારી ભેજસંગ્રહ શકિત ધરાવતી, કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચણા ખૂબ જ સારા થાય છે. આમ છતાં ગોરાડું તેમજ રેતાળ જમીનમાં પણ વાવેતર કરી શકાય છે. જયાં ખારા ભૂગર્ભજળનું સ્તર બહુ ઉંચું ન હોય અને જમીન ખારી ન હોય ત્યાં ચણા થાય છે. બિનપિયત વિસ્તારોમાં ચોમાસા પછી જેમ જેમ પાણી સુકાતું જાય તેમ તેમ ચણાની વાવણી કરવામાં આવે છે. આવા વિસ્તારોમાં વાવણી વખતે બીજ 10 થી 15 સે.મી. ઉંડે ભેજમાં પડે એ ખૂબ જ જરુરી છે. ડાંગરની કયારીવાળા વિસ્તારોમાં ડાંગર લીધા પછી જે ભેજ સંગ્રહાયેલ હોય, તેનાથી ચણા પકવવામાં આવે છે. પિયત વિસ્તારોમાં હેકટરે 10 ટન છાણિયું ખાતર નાખીને દાંતી, રાંપ, સમારથી જમીન તૈયાર કરવી.

ચણાનો વાવણી સમય

પિયત ચણા ગુજરાત-1, 15મી ઓકટોબર થી 15મી નવેમ્બર દરમ્યાન ઠંડીની શરુઆાત થયે વાવવા. જયારે બિનપિયત વિસ્તારમાં ગુજરાત ચણા-૨ ની વાવણી જમીનમાં ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને કરવી.

ચણાની ખેતીમાં બીજનો દર અને અંતર

બે ચાસ વચ્ચે 30 થી 45 સે.મી.ના અંતરે હેકટરે 60 કિલોગ્રામ પ્રમાણે બીજનું પ્રમાણ રાખી ચણા વાવવા. જો મોટા દાણાવાળી જાત ગુજરાત ચણા-2 વાવવી હોય તો હેકટરે 75 થી 80 કિલોગ્રામનું પ્રમાણ રાખવું.

ચણાની ખેતીમાં બીજની માવજત

વાવણી વખતે બીજને પહેલા ફુગનાશક દવા અને પછી રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો. રોગ સામે રક્ષણ માટે એક કિલોગ્રામ બિયારણમાં 3 ગ્રામ મુજબ ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ 1 ગ્રામ અને થાયરમ 2 ગ્રામ પ્રમાણે અથવા ટ્રાયકોડર્મા વીરીડી 4 ગ્રામ વાયટાવેક્ષ 1 પ્રમાણે બિયારણને દવાનો પટ આપવો. આ દવાથી સુકારા જેવા બીજજન્ય રોગો સામે રક્ષણ મળે છે.

ચણાની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન

ચણાને વાવતી વખતે એક જ હપ્તો ખાતરનો આપવો. પાયાના ખાતર તરીકે  હેકટરે 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ વાવણી પહેલા ચાસમાં આપવો. આ માટે પાયામાં હેકટરે 87 કિલોગ્રામ ડીએપી સાથે 10 કિલોગ્રામ યુરિયા ખાતર આપવું.

ચણાના મૂળમાં રાઇઝોબિયમ જીવાણુંની પ્રવૃતિ 21 દિવસમાં શરુ થાય છે, તેથી છોડ પોતે જ હવાનો નાઇટ્રોજન વાપરવાની શકિત મેળવી લે છે. આ કારણથી ચણાને પૂર્તિ ખાતરની જરુર નથી. ઘણા ખેડૂતો પિયત ચણામાં પૂર્તિ ખાતર તરીકે આપે છે. જેથી ખોટો ખર્ચ થાય છે. આ વધારાનો નાઇટ્રોજન આપવાથી છોડની વધુ પડતી વાનસ્પતિક વૃધ્ધિ થાય છે. આવા છોડમાં ફૂલો પણ મોડાં બેસે છે.

ચણાની ખેતીમાં પિયત વ્યવસ્થાપન

પિયત વિસ્તારમાં ઓરવણ કરીને ચણાનું વાવેતર કર્યા પછી પહેલું પાણી આપવું. આ પછી ડાળી ફૂટવાના સમયે એટલે કે 20 દિવસ પછી બીજુ પાણી આપવું. ત્રીજુ પાણી 40 થી 45 દિવસે ફૂલ બેસતી વખતે અને ચોથું પાણી 60 થી 70 દિવસે પોપટા બેસતી વખતે આપવું. આમ ચણામાં ડાળી ફૂટતી વખતે, ફૂલ અને પોપટા બેસતી વખતે એમ ત્રણ કટોકટીની અવસ્થાને પિયતની ખાસ જરૂરિયાત રહે છે. આ સમયે પાણીનો યોગ્ય ઉપયોગ અને આર્થિક ફાયદો થાય છે.

ચણાની ખેતીમાં નીંદામણ અને આંતરખેડ

ચણાની ખેતીમાં જરૂર મુજબ આંતરખેડ અને નીંદામણથી ખેતર ચોખ્ખું રાખવું. આ રીત સૌથી ફાયદાકારક માલૂમ પડેલ છે. જો હાથથી નીંદામણ પહોંચી શકાય તેમ ન હોય તો વાવેતર બાદ તરત એટલે કે ચણા ઉગતા પહેલાં પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ દવા 10 લીટર પાણીમાં 55 મિ.લિ.) હેકટરે એક કિલો (સક્રિય તત્વ) મુજબ 500 થી 600 લિટર પાણીમાં ભેળવી છાંટવાથી સારુ નિયંત્રણ થાય છે.

ચણાની જીવાતો

ચણામાં મુખ્યત્વે પોપટા કોરી ખાનારી લીલી ઇયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે જે પાન, કુમળી કૂંપણો અને પોપટા કોરી ખાય છે. તેના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ 12 મિ.લિ. અથવા ફેનવાલરેટ 10 મિ.લિ. અથવા આલ્ફામેથ્રિન 5 મિ.લિ. દવા 10 લિટર પાણીમાં ભેળવી ફૂલ બેસે ત્યારે અને પછી 15 દિવસ બાદ ફરીથી છંટકાવ કરવો. ઇયળો મોટી થઇ ગઇ હોય તો  મોનોક્રોટોફોસ 12 મિ.લિ. દવા સાથે ડાયકલોરોવોસ 5 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારુ નિયંત્રણ મળે છે. અથવા કલોરોપાયરીફોસ મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારુ નિયંત્રણ મળે છે. આ ઉપરાંત એન.પી.વી. 250 એલ.ઇ પ્રતિ હેકટરે ફૂલ બેસે ત્યારે 15 દિવસના અંતરે બે છંટકાવ કરવાથી સારુ નિયંત્રણ મળે છે.

ચણાના રોગો

સુકારો (વિલ્ટ)

બીજ અને જમીન મારફતે ફેલાતો સુકારાનો રોગ પાકની કોઇપણ અવસ્થાએ જોવા મળે છે. પાકની શરુઆતમાં કે પાછલી અવસ્થાએ છોડ ઉભા સુકાય છે. થડ ચીરતા ઉભી કાળી-કથ્થાઇ લીટીઓ જોવા મળે છે. રોગ આવતો અટકાવવા માટે રોગ સામે પ્રતિકારકતા ધરાવતી જાતનું રોગમુકત બિયારણ વાપરવું. વાવતા પહેલાં બીજને ફૂગનાશક દવાનો પટ આપવો. ચણા પછી બાજરી કે જુવારના પાકની ફેરબદલી અને દિવેલાનો ખોળ હેકટરે એક ટન આપવાથી આ રોગની તીવ્રતા ઘટે છે. જમીનમાં રહેલી ફૂગનો નાશ ન થાય ત્યાં સુધી આ રોગ નાબૂદ કરવો મુશ્કેલ હોવાથી એકને એક ખેતરમાં દર વર્ષે ચણા ન લેતાં જમીન ફેરબદલી કરવી હિતાવહ છે.
 

સ્ટંટ વાયરસ રોગ (ટુટીયુ)

આ રોગ વિષાણુથી થાય છે. જેનો ફેલાવો મોલો નામની જીવાતથી થાય છે. ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધતું જાય છે. ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડે છે. પાન તાંબાવરણા અને જાડા થઇ જાય છે. ફાલ બેસતો નથી કે ઓછો બેસે છે. છોડ નબળો પડવાથી સુકારા રોગનો ભોગ બની જાય છે. આ રોગને કાબૂમાં રાખવા માટે તેનો ફેલાવો કરતા વાહક મોલોનું નિયંત્રણ કરવું જરુરી છે. આ માટે શોષક પ્રકારની દવા ફાસ્ફોમીડોન 0.03 ટકા અથવા ડાયમીથોએટ 0.03 ટકા નો છંટકાવ કરવો.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

Post a Comment

0 Comments