બટાટા એ શાકભાજીનો ખુબ અગત્યનો પાક છે. તેના કંદનો ઉપયોગ મોટાભાગના શાક બનાવવામાં પૂરક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બટાટામાં સ્ટાર્ચ અને શક્તિનું પ્રમાણ વધુ હોવાથી તેના કંદનો ઉપયોગ મેળવણ તરીકે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
SOURCE : INTERNET |
બટાટાના પાકને અનુકૂળ આબોહવા
બટાટાની ખેતી માટે ઠંડી અને સૂકી આબોહવા વધુ અનુકૂળ છે. સૂર્યપ્રકાશવાળા દિવસો અને નીચા ઉષ્ણતામાનવાળો સમયગાળો 18 થી 28 ડિગ્રી સેલ્શિયસ તાપમાન એટલે કે શિયાળાની ઋતુમાં આપણે ત્યાં બટાટાની ખેતી માટે શ્રેષ્ઠ સમય છે.
બટાટાના પાકને અનુકૂળ જમીન
ગોરાડુ, રેતાળ અને સારા નિતારવાળી ફળદ્રુપ જમીનમાં બટાટાની ખેતી સારી થાય છે. મધ્યમ કાળી અને બેસર જમીનમાં પણ બટાટાનો પાક સારી રીતે લઈ શકાય છે. આગળના પાકના જડિયા/અન્ય કચરો વીણી ખેતરને સ્વચ્છ બનાવવું. બટાટાના વાવેતર પહેલાં જમીન હળથી ખેડી બે ત્રણ વખત કરબ મારી જમીન પોચી અને ભરભરી બનાવવી. ત્યારબાદ 45 સેમી.ના અંતરે રોપણી માટે ચાસ ખોલવા.
SOURCE : INTERNET |
બટાટાના વાવેતર માટે બીજની પસંદગી
બટાટાના વાવેતરમાં બિયારણના બટાટાનો ખર્ચ વધુ થાય છે. આથી બટાટાનું સારું ઉત્પાદન મેળવવા માટે અનુકૂળ હવામાનમાં ઉત્પન્ન થયેલ તંદુરસ્ત રોગમુક્ત મધ્યમ કદનું અને સારી રીતે સંગ્રહાયેલું બિયારણ પસંદ કરવું.
બટાટાની સુધારેલી જાતો
કુફરી બાદશાહ, કુફરી ચંદ્રમુખી, કુફરી બહાર, કુફરી જયોતિ, લોકર, જે.એચ.222 (કુફરી જવાહર), ટી.પી.એસ.સી.-3, ચીપસોના-1, ચીપસોના-2 વગેરે બટાટાની સુધારેલી જાતો છે.
બટાટાનો વાવેતરનો સમય અને બીજ દર
બટાટાની રોપણી નવેમ્બર માસના બીજા પખવાડિયામાં કરવાની ભલામણ છે. બટાટાના વાવેતર માટે 3000 કિગ્રા પ્રતિ હેકટરના દરે 25 થી 40 ગ્રામના તંદુરસ્ત બેથી ત્રણ આંખોવાળા ટૂકડા અથવા આખા કંદની જરૂર રહે છે. 1000 કિલો બટાટાના કાપેલ ટૂકડાઓને 500 ગ્રામ મેન્કોઝેબ + 5 કિલો શંખજીરૂનો પટ આપી વાવણી કરવાથી બટાટાના કોહવારાનું નિયંત્રણ થઈ શકે છે. બટાટામાં આવતા બંગડીના રોંગનું નિયંત્રણ કરવા માટે બટાટાને કાપણી વખતે ચપ્પાને 0.5 ટકા મોરથૂથું (5 ગ્રામ મોરથૂથું એક લીટર પાણી) ના દ્રાવણમાં બોળીને ઉપયોગ કરવો.
SOURCE : INTERNET |
બટાટાના પાકમાં રોપણીમાં કેટલું અંતર રાખવું
બટાટાની ખેતીમાં બે ચાસ વચ્ચે 45 સે.મી. અને ચાસમાં બે છોડ વચ્ચે 15 સે.મી.નું અંતર રાખી બટાટાના ટૂકડાને ચાસમાં રોપવામાં આવે છે. નદી વિસ્તારમાં બટાટાનું વાવેતર બે હાર વચ્ચે 45 સે.મી. અને બે છોડ વચ્ચે 20 સે.મી.ના અંતરે કરવાથી વધુ ઉત્પાદન મળે છે.
બટાટાના પાકને કેવાં ખાતર આપવાં
બટાટાનું સારું ઉત્પાદન મેળવવા જમીન તૈયાર કરતી વખતે હેકટરે 25 ટન છાણિયું ખાતર આપવું અથવા 1 ટન તૈયાર સેન્દ્રિય ખાતર દિવેલીના ખોળ તરીકે આપવું. બટાટાના પાકને 220 કિલો નાઇટ્રોજન, 110 કિલો ફોસ્ફરસ અને 220 કિલો પોટાશ પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે. અડધો નાઈટ્રોજન (110 કિલો) અને બધો જ ફોસ્ફરસ અને પોટાશ પાયાના ખાતર તરીકે આપવો અને બાકીનો અડધો નાઈટ્રોજનનો જથ્થો રોપણી બાદ 35-40 દિવસે પાળા ચઢાવતી વખતે આપવો.
બટાટાના પાકને ચોક્કક્સ પિયત
બટાટાના કંદના વિકાસ માટે જમીનમાં સતત ભેજ હોવો ખૂબ જ આવશ્યક છે. ઉગાવો થયા પછી પ્રથમ પિયત આપવું ત્યારબાદ બધા જ પિયત પાકની જરૂરિયાત અને જમીન પ્રમાણે 10 થી 12 દિવસના અંતરે આપવા. પાકને હલકી રેતાળ જમીનમાં 6 થી 8 દિવસના ગાળે કુલ 14 થી 15, જ્યારે ગોરાડુ જમીનમાં 8 થી 10 દિવસના ગાળે 8 થી 10 પિયતની જરૂર પડે છે.
બટાટાના પાકમાં આંતરખેડ અને નીંદણ નિયંત્રણ
બટાટાના પાકમાં રોપણી બાદ 35 થી 40 દિવસે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પાળા ચઢાવવા. પાળાની ઊંચાઈ સામાન્ય રીતે 20 થી 22 સેમી અને જાડાઈ 40 થી 45 સેમી જળવાય રહે તે રીતે પાળા ચઢાવવા. બટાટાના પાકને નીંદણમુક્ત રાખવા બે થી ત્રણ નીંદામણ કરવાની જરૂર રહે છે. પાકની શરૂઆતની અવસ્થામાં હાથ નીંદામણ કરવું નહીં જેથી કંદને થતું નુકસાન અટકાવી શકાય. બટાટાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે સેન્કોર અથવા એટ્રાઝિન નીંદણનાશક દવા 1 કિલો પ્રતિ હેકટરના દરે નીંદણના ઉગાવા પહેલાં 500 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
બટાટાના પાકમાં કાપણીનો યોગ્ય સમય
બટાટાના પાકમાં બટાટાના છોડ પીળા પડી ચીમળાઈ જાય તથા બટાટાનો અંદરનો માવો પીળાશ પડતો બને ત્યારે પાક કાપણી માટે તૈયાર થયો કહેવાય. કાપણીના 15 દિવસ પહેલાં પલુર કાપી નાંખવું. ત્યારબાદ હળથી ખેડ કરી બટાટાના કંદની વીણી કરવી.
SOURCE : INTERNET |
બટાટાનું ઉત્પાદન
બટાટાના પાકમાં હેકટરે 30 થી 35 ટન જેટલું ઉત્પાદન મળી રહે છે.
બટાટાના પાકમાં નુકશાન કરતા રોગોનું નિયંત્રણ
પાછોતરો સૂકારો :
બટાટાને નુકશાન કરતા પાછોતરો સૂકારાના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાતો જેવી કે કુફરી બાદશાહ, કુફરી પુખરાજ, કુફરી કિશાન, કુફરી સિંદુરી, કુફરી કૂદી, કુફરી કુબેર વગેરેનું વાવેંતર કરવું. રોગમુક્ત વિસ્તારમાંથી વાવેતર માટેનું બીજ પસંદ કરવું. બટેટાના બીજના ટૂકડો વાવતાં પહેલાં મેન્કોઝેબ 75 ટકા વે.પા.ના 2 ટકાના દ્રાવણમાં 10 મિનિટ બોળીને વાવવા. આ પછી પાક જ્યારે 6 અઠવાડિયાનો થાય ત્યારે મેન્કોઝેબ 75 ટકા વે.પા. દવા 27 ગ્રામ અથવા કોપર ઓક્ઝીક્લોરાઈડ 50 વે.પા. દવા 40 ગ્રામ 10 લિટર પાણીમાં નાંખીને છાંટવી. બીજો અને ત્રીજો છંટકાવ 10 થી 12 દિવસનાં અંતરે કરવો. રોગની શરૂઆત થાય તેવા સંજોગોમાં પાણી આપવાનું મુલતવી રાખવાથી રોગ ઓછો ફેલાય છે.
આગોતરો સુકારો :
આ રોગ બટાટા ઉગાડતા બધા વિસ્તારમાં જોવા મળે છે. તેના નિવારણ માટે રોગમુક્ત બિયારણનો ઉપયોગ કરવો અને પાકની ફેરબદલી કરવી. બટાટાનો પાક લગભગ 40 દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ 75 ટકા વે.પા. અથવા ક્લોરોથેલોનીલ 75 ટકા વે.પા. 27 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. બીજા બે છંટકાવ 15 દિવસના અંતરે કરવા. વાદળછાયું અથવા હળવા માવઠા જેવા સમયે ઉપરોક્ત દવાનો છંટકાવ અવશ્ય કરવો.
બંગડીનો રોગ.
બંગડીના રોગના નિયંત્રણ માટે પાકની ફેરબદલી કરવી અને રોગમુક્ત બિયારણનું વાવેતર કરવું. બટેટાના બિયારણ માટે બટાટા કાપતી વખતે કાપવાનું સાધન મરક્યુરીક ક્લોરાઈડના 1:1000ના દ્રાવણમાં અવારનવાર બોળીને બીજ માટેના કટકા કાપવા. બિયારણના ટુકડાને વાવતાં પહેલા સ્ટ્રેપ્ટોસાયકલીનના 0.02 ટકાના દ્રાવણમાં 30 મિનિટ સુધી બોળી છાંયે સૂકવ્યા બાદ વાવેતર કરવું.
કાળા ચાઠાંનો રોગ
આ રોગ બીજજન્ય હોઈ બિયારણ મારફતે ફેલાય છે. તેથી ખાત્રીવાળું રોગમુક્ત બિયારણ વાપરવું. બટાટાના બિયારણના કટકાને વાવતા પહેલા કાર્બેન્ડાઝીમ 50 ટકા વે.પા. 20 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી અથવા બોરિક એસિડ 3 ટકાના દ્રાવણમાં 30 મિનિટ સુધી બોળી પછી છાંયે સૂક્વીને વાવેતર કરવાથી રોગને અટકાવી શકાય.
આવી જ ખેતી અને પશુપાલન ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમે અમારા સોશ્યલ મીડીયા એકાઉન્ટસને ફોલો કરી શકો છો. જેની લિંક નીચે આપેલી છે. આ ઉપરાંત તમે આ માહિતીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેયર પણ કરી શકો છો.
ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો
0 Comments