સૂર્યમુખી ખેતી વિશ્વનાં મુખ્ય ચાર તેલીબિયાનાં પાક પૈકીની એક અગત્યની ખેતી છે. વિશ્વમાં 204 લાખ હેકટરમાં સૂર્યમુખીની ખેતીનું વાવેતર કરવામાં આવે છે. સૂર્યમુખીની ખેતી કરતાં દેશોમાં અમેરીકા, સોવિયત સંઘ, જર્મની, ભારત અને ચીન મુખ્ય છે.
SOURCE : INTERNET |
સૂર્યમુખીમાં ઉચ્ચ ગુણવત્તાવાળુ 40 થી 42% તેલનું પ્રમાણ છે તેમજ બીજમાં વિટામીન-બી સારા પ્રમાણમાં હોવાથી તે આંખને પ્રકાશની સામે ટક્વાની તાકાત આપે છે. તેલમાં 52 થી 56 ટકા લિનોલિક એસિડ હોવાથી સૂર્યમુખીના તેલને ઉત્તમ ખાદ્યતેલ ગણવામાં આવે છે અને હૃદય રોગની બીમારીવાળા માણસો માટે ઘણુ જ ફાયદાકારક છે. તેલ કાઢી લીધા બાદ તેના ખોળમાં 42 થી 46 ટકા પ્રોટીન હોવાથી પશુ તથા મરઘાં માટે આદર્શ ખોરાક છે.
સૂર્યમુખી ટૂંકા ગાળામાં તૈયાર થતો ઓછો ભેજ સહન કરી શકે તેવો પાક હોઈ આંતરપાક તરીકે અનુકૂળ આવે તેમ છે તથા ક્ષાર સહન કરવાની શક્તિને લીધે આ પાક ખારા પાટ કે ભાલ વિસ્તારમાં સારી રીતે લઈ શકાય તેમ છે. આ ઉપરાંત સૂર્યમુખી ગરમી અને પ્રકાશ સામે ઈન્સેન્સિટીવ હોવાથી ત્રણેય ઋતુમાં તેનું વાવેતર થઈ શકે છે અને તેનો લીલાચારા તરીકે પણ ઉપયોગ થઈ શકે છે.
સૂર્યમુખીની પાકની ઉત્પાદન ક્ષમતાં તેના ઓછો ભેજ સહન કરવાની શક્તિને આભારી છે. આ ઉપરાંત વાવણી લાયક વરસાદ મોડો થાય તેવા સંજોગોમાં પણ સૂર્યમુખી સફળતાપૂર્વક લઈ શકાય છે. આમ સૂર્યમુખી એક અગત્યનો તેલીબીયાં પાક તથા આપણા વિસ્તાર માટે અનુકૂળ હોઈ આ પાકની ખેતી પદ્ધતિની જાણકારી હોંવી જરૂરી છે. જે નીચે મુજબ છે.
સૂર્યમુખીની ખેતીને અનુકૂળ જમીન અને હવામાન
સૂર્યમુખીનો પાક દરેક પ્રકારની જમીનમાં લઈ શકાય છે. સામાન્ય ફળદ્રુપતા ધરાવતી જમીન જેવી કે, ગોરાડુ, રેતાળ, મધ્યમ કાળી જમીન સૂર્યમુખીના પાકને વધુ માફક આવે છે. ભારે ચિકણી ક્ષારયુક્ત જમીનમાં પણ સૂર્યમુખી ઉગાડી શકાય છે.
સૂર્યમુખીની ખેતીમાં પ્રાથમિક ખેડમાં ધ્યાન રાખો
આગલા પાકના અવશેષો દૂર કરી હળની એક ખેડ અને કરબની બે થી ત્રણ ખેડ કરી જમીન સપાટ, પોચી અને ભરભરી બનાવવી. જમીન તૈયાર કરતી વખતે હેકટરે 10 ટન ગળતિયું ખાતર આપવાથી જમીનની ફળદ્રુપતા અને ભેજે સંગ્રહ શક્તિ વધે છે.
સૂર્યમુખીની સુધારેલ જાતો
સૂર્યમુખીની સુધારેલી અને વધુ ઉત્પાદન આપતી જાતોમાં ગુજરાત સૂર્યમુખી-1, ઈસી 68414 તથા સંકર જાત એમએસએફએચ 17નું વાવેતર કરવું. આંતરપાક કે મિશ્રપાક માટે વહેલી પાકતી અને ઠીંગણી જાત મોર્ડનનો ઉપયોગ કરવો ખેડૂતભાઈઓ માટે લાભકારક રહેશે.
સૂર્યમુખી પરંપરાગત પાક હોવાથી સતત જનરલ કક્ષાનું બીજ વાવવાથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. જેથી દર વર્ષે પ્રમાણિત કક્ષાના બીજનો વાવેતર માટે આગ્રહ રાખવો જરૂરી છે.
સૂર્યમુખીની ખેતીમાં બીજનો દર અને માવજત
એકલા પાક માટે હેકટરે 10 કિલો અને આંતર પાક માટે હેકટરે 5 કિલો બિયારણનું પ્રમાણ રાખી વાવતેર કરવું. બિયારણને વાવતાં પહેલાં એક કિલો બીજ દીઠ 3 ગ્રામ થાયરમ અથવા કેપ્ટન દવાનો પટ આપીને જ વાવેતર કરવું. બિનપિયત પરિસ્થિતિમાં ઝડપી અને સારા ઉંગાવા માટે સૂર્યમુખીનાં 1 કિગ્રા. બીજને 1 લીટર પાણીમાં 14 કલાક સુધી પલાળી રાખી છાંયડે સૂકાયા બાદ વાવતેર કરવા ભલામણ છે.
સૂર્યમુખીનો વાવેતરનો સમય
સૂર્યમુખીનું ગમે તે ઋતુમાં વાવેતર કરી શકાય છે. ચોમાસુ ઋતુમાં સૂર્યમુખીનું વાવેતર વાવણી લાયક વરસાદ થયે જૂન-જુલાઈ માસમાં કરવામાં આવે છે. શિયાળુ પાક માટે ઓક્ટોબરનાં બીજા અઠવાડીયાથી નવેમ્બરના અંત સુધીમાં વાવતેર કરી શકાય. ઉનાળુ પાક તરીકે 15મી ફેબ્રુઆરીથી માર્ચના પહેલા એઠવાડિયા સુધીમાં વાવેંતર કરી શકાય. શિયાળું અને ઉનાળુ ઋતુમાં જમીનમાં ઓરવીને વાવેતરની ભલામણ કરવામાં આવે છે. પૂરતાં ઉગવા માટે જમીનમાં ભેજને ધ્યાનમાં લઈને 5 સે.મી ઉંડાઇ એ વાવણી કરવાની ભલામણ છે.
સૂર્યમુખીના પાકનું બે હાર અને બે છોડ વચ્ચે અંતર
સૂર્યમુખીના પાકનું બે હાર વચ્ચે 60 સેમી.નું અંતર રાખી વાવેતર કરવું અને બે છોડ વચ્ચે 30 સેમી.નું અંતર રાખવું. ઉગાવા બાદ 12 થી ૧૫ દિવસેં પારવણી કરવી જરૂરી છે. મોર્ડન ઠીંગણી અને વહેલી પાક્તી જાત હોઈ તેનું વાવેતર બે હાર વચ્ચે 45 સેમી અને બે છોડ વચ્ચે 20 સેમી અંતર રાખીને વાવેતર કરવું.
સૂર્યમુખીના પાકમાં ખાતર વ્યવસ્થાપન
સૂર્યમુખી પાક માટે રાસાયણિક ખાતરનો દર 90 કિલો નાઈટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને 40 કિલો ગંધક તત્ત્વ પ્રતિ હેકટર પ્રમાણે આપવાની ભલામણ છે. નાઈટ્રોજન તત્ત્વ અડધું એટલે કે 45 કિલો (108 કિલો એમોનિયમ સલ્ફટ) તથા ફોસ્ફરસ તત્ત્વનો પૂરેપૂરો જથ્થો એટલે કે 60 કિલો (130 કિલો ડી.એ.પી.) એક હેકટર જમીનમાં વાવણી પહેલા પાયાના ખાતર તરીકે ચાસમાં ઓરીને આપવું.
વાવણી બાદ સૂર્યમુખીનો પાક એક માસનો થાય ત્યારે બાકીનાં નાઈટ્રોજનનો જથ્થો એટલે કે 45 કિલો (98 કિલો યુરીયા) પૂર્તિ ખાતર તરીકે નીંદામણ કર્યા બાદ ચાસની બાજુમાં જમીનમાં ભેજ પૂરતા પ્રમાણમાં હોય ત્યારે આપવો.
સૂર્યમુખીની ખેતીમાં આંતરખેડ અને નિંદામણ
સૂર્યમુખીના પાકમાં નીંદામણ કરવા તેમજ જમીનમાં હવાની હેરફેર માટે જરૂરિયાત મુજબ બે થી ત્રણ વખત આંતરખેડ કરવી. બે થી ત્રણ વખત હાથથી નીંદામણ કરવું.
સૂર્યમુખીના પાકને જરૂરી પિયત
ચોમાસું પાકમાં ક્રાંતિક અવસ્થા જેવી કે, ફૂલ આવવા અને દાણાનાં વિકાસની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો પિયત આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
સૂર્યમુખીના પાકમાં પાછલી માવજત
સૂર્યમુખીના છોડમાં દાણા વધારે પ્રમાણમાં બંધાય તે માટે ખાસ પ્રકારની માવજત આપવાની થાય છે. સૂર્યમુખીના પાકમાં બીજ બંધાવા માટે મોટી સંખ્યામાં મધમાખીની ખેતરમાં હાજરી હોવી ખૂબ જ અગત્યની છે. ખેતરમાં મધમાખીની સંખ્યા જળવાઈ રહે તે માટે હેકટર દીઠ 5 મધમાખીનાં કૃત્રિમ પુડાની જાળવણી કરવી. જો મધમાખીની સૂર્યમુખીનાં ખેતરમાં આવનજાવન નહિવત જોવા મળે તો હાથથી એકાંતર દિવસે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી પરાગનયનની કામગીરી કરવી પડે. તેના માટે હાથમાં મલમલનું કપડું રાખી હળવા હાથે કૂલ પર ફેરવવું અથવા તો બાજુ બાજુમાં બે છોડનાં ફૂલ એકબીજાને હળવા હાથે ઘસવાથી કૂલમાં વધારે દાણા બંધાશે.
જો મધમાખીની ખેતરમાં સંખ્યા પૂરતા પ્રમાણમાં હોય તો સુર્યમુખીનાં પાકમાં આવતી નુકસાન કારક જીવાતના નિયંત્રણ માટે ગમે તે દવા ન છાંટતા સલામત દવાનો છંટકાવ કરવો. ખેતરમાં મધમાખીની આવન જાવન સવારનાં સમયે વધુ રહેતી હોઈ જંતુનાશક દવા હંમેશા સાંજનાં સમયે છાંટવી.
સૂર્યમુખીના પાકનું સંરક્ષણ
સૂર્યમુખીનાં પાકમાં ઘણા પ્રકારની જીવાતો જેવી કે, છોડ કાપી ખાનાર કીડા, કાતરા, ઘોડીયા ઈયળ, સફેદમાખી, થ્રિપ્સ, લીલી ઈયળ વગેરે આવે છે પરંતુ આપણા વિસ્તારમાં લીલી ઈયળ મુખ્ય જીવાત છે. તેના નિયંત્રણ માટે બેસીલસ થુરીન્ઝીનેસીસ 2 લીટર પ્રતિ હેકટર અથવા લીલી ઈયળનું NPV 250 લીટર પ્રતિ હેકટર અથવા ક્વીનાલફોસ 0.09% અથવા ફેનવાલરેટ 0.005 %નો છંટકાવ કરવો.
પક્ષી સંરક્ષણ
પક્ષી, ખાસ કરીને પોપટ સૂર્યમુખીનાં પાકને દાણા બેસવાથી લઈને કાપણી સુધીની અવસ્થામાં ખૂબ નુકસાન કરે છે. જેથી દાણા બેસવાથી લઈને કાપણી સુધીની અવસ્થામાં ખાસ કરીને સવાર અને સાંજના સમયે પાકનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. પાકની ફરતે જળહળતી પ્રકાશ પરાવર્તીત ફીટ બાંધી જે પક્ષીઓને પાકથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે.
સૂર્યમુખીના પાકની સમયસર કાપણી
ગુજરાત રાજ્યમાં ચોમાસુ પાક 80 થી 90 દિવસે તથા શિયાળુ અને ઉનાળુ પાક 98 થી 108 દિવસે તૈયાર થાય છે. સૂર્યમુખીના ફૂલના દડાનો પાછળનો ભાગ લીંબુ જેવા પીળા રંગનો તથા ફૂલની પાંખડી સૂકાવા લાગે ત્યારે પાકની કાપણી કરવી. પીળા થયેલ ફૂલના દડા છોડથી કાપ્યા બાદ સારી રીતે તડકામાં સુકાવા દેવા ત્યારબાદ થ્રેસરથી કે લાકડીથી ધોકાવીને દાણા છૂટાં પાડી સાફ કરવા.
સૂર્યમુખીનું સરેરાશ પાક ઉત્પાદન
સૂર્યમુખીનું પિયત વિસ્તારમાં હેકટરે 1500 થી 2000 કિ.ગ્રા. અને બીન પિયત વિસ્તારમાં હેકટરે 800 થી 1000 કિ.ગ્રા. જેટલું ઉત્પાદન મળે છે.
ગુજરાતમાં સૂર્યમુખીના પાકની શક્યતાઓ
સમગ્ર ગુજરાતમાં સૂર્યમુખી પાક સફળતા પૂર્વક લઈ શકાય તેમ છે. આમ છતાં જે વિસ્તારોમાં ચોમાસું અનિયમિત હોય અને વરસાદનું પ્રમાણ ઓછુ હોય તેવા વિસ્તારોમાં આ પાક લેવો આર્થિક રીતે ફાયદાકારક છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોળે પાટલે વવાતી મગફળીમાં વાવણી બાદ ચાર અઠવાડિયે એટલે કે આંતરખેડ અને નીંદામણ કાર્ય પૂરા થઈ ગયા બાદ મગફળીની બે હાર વચ્ચે સૂર્યમુખીની ઠીંગણી અને વહેલી પાકતી મોર્ડન જાતની એક હાર વાવવામાં આવે તો મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયા સિવાય સૂર્યમુખીનું વધારાનું ઉત્પાદન મેળવી આવક વધારી શકાય છે. આ પાકની ક્ષાર સહન કરવાના ગુણને લીધે ભાલ તેમજ ખારાપાટ વિસ્તારમાં તેને સફળતાપૂર્વક લઈ શકવાની શક્યતાઓ રહેલી છે.
સૂર્યમુખી પાકના અન્ય ફાયદાઓ
- સૂર્યમુખી પાક ઋતુ અમર્યાદિત હોવાથી વર્ષ દરમિયાન ગમે ત્યારે વાવી શકાય છે.
- સૂર્યમુખીનો પાક ટૂંકાગાળાનો પાક હોવાથી આંતરપાક કે મિશ્રપાક પદ્ધતિમાં સારી રીતે ફીટ થઈ શકે છે.
- મોડા વાવેતરનાં હિસાબે ઉત્પાદનમાં થતો ઘટાડો સૂર્યમુખીનો પાક લેવાથી નિવારી શકાય છે.
- સૂર્યમુખીનો પાક ગમે તે પ્રકારની જમીનમાં થઈ શકે છે.
- સૂર્યમુખીનો પાક પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોય, ઓછા વરસાદમાં પણ નિષ્ફળ જતો નથી.
- સૂર્યમુખીનો પાક લીલાઘાસ ચારા તરીકે પણ લઈ શકાય.
ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો
0 Comments