Saurce : Internet |
વાછરડી એ આવતી કાલની ગાય છે. તંદુરસ્તીની દ્રષ્ટિએ ગાય-ભેંસ વર્ગનો જીવન કાળ બે ભાગમાં વહેંચાયેલો છે. (૧) જન્મના પહેલા ૨૪ કલાક (૨) જન્મના 24 કલાક પછીનો સમય. વાછરડાના જીવનકાળના પહેલા ૨૪ કલાક એટલા મહત્વના છે કે જેની ખુબ જ અસર પાછળના જીવન કાળ પર પડે છે. પહેલા ૨૪ કલાકમાં જો વાછરડાની કાળજી લેવામાં ન આવે તો તે વિવિધ રોગનો ભોગ બને છે અથવા સારા વારસાગત ગુણો તથા સારું વાતાવરણ પાડવા છતાં તે કાયમી નબળું રહે છે અને સારો દેખાવ કરી શકતું નથી. વાછરડાના મૃત્યુનું બીજું કારણ ઝાડા છે, જેનું મેનેજમેન્ટ પણ તેટલું જ મહત્વનું છે. જેથી તેનું કારણ જાણી સારવાર આપી સાજું કરવું પડે. આ બાબતોને ધ્યાને રાખી આ વિભાગમાં નીચે મુજબના ભાગનો સમાવેશ કરેલ છે.
A. નવા જન્મેલા વાછરડાની સાર-સંભાળ
તાજા જન્મેલા વાછરડાની આખી જીંદગીમાં વિયાણ બાદનો પહેલો કલાક ખૂબ જ મહત્વનો છે તેથી વાછરડા/પાડાના જન્મ બાદ યાદ રાખવા જેવા મહત્વના મુદ્દા નીચે મુજબ છે.
- જન્મ બાદ વાછરડા/પાડાનું નાક અને મોઢું સાફ કરવું, જે વાછરડાના શ્વાસોશ્વાસમાં મદદરૂપ થાય છે તથા ભવિષ્યમાં શ્વાસોશ્વાસની મુશ્કેલીઓ અટકાવે છે.
- માતાને તેનું વાછરડું ચાટવા દો અને ચોખ્ખું કરવા દો. જે વાછરડાના શરીરમાં લોહીનું ભ્રમણ વધારે છે અને વાછરડાને ઉભા થવા તથા ચાલવા માટે તૈયાર કરે છે.
- વાછરડાના ડુટાની શરૂઆતથી ર ઈંચનું અંતર રાખીને ચોખ્ખા સાધન દ્વારા બાકીનો ભાગ કાપી નાખો.
- ડુટાને ટીંચર આયોડીનના ૩.૫% અથવા વધારે દ્રાવણ માં ડુબાડો (ફક્ત ટીચર આયોડિનનું રૂનું પૂમડું લગાવવાથી કામ પૂર્ણ થતું નથી.) ઓછામાં ઓછું ૩૦ સેકન્ડ સુધી ડુબાડી રાખો. ખુલ્લા રહેલા ભાગને સ્વચ્છ દોરીથી બાંધી દો. ૧૨ કલાક પછી ડુટાને ફરી ડૂબાડો. (આંચળની ડીપ તથા ઓછા ટીંચર આયોડિનવાળું દ્રાવણ વાપરવું નહીં.) ડુટાની અપૂરતી સંભાળને કારણે ચેપ લાગી શકે છે.
- તાજા જન્મેલા બચ્ચાને જન્મના બે કલાકની અંદર ૨ લીટર ખીરું/કોલોસ્ટ્રમ પીવડાવવું જોઈએ તથા ૧-૨ લીટર (સાઈઝ પ્રમાણે) ૧૨ કલાકની અંદર ફરીથી આપવું જોઈએ.
- ઘણા વાછરડાંઓને તેમની માતા તરફથી વિયાણના થોડા કલાકમાં પૂરતું ખીરું /કોલોસ્ટ્રમ મળતું નથી તેથી તેઓને રોગ પ્રતિકારક શક્તિ પૂરતા પ્રમાણમાં મળતી નથી.
- વિયાણના ૨૪ કલાક બાદ ખીરું પીવડાવાથી વાછરડા ચેપ મુક્ત બની શકતા નથી.
- વાછરડાને તેના જન્મ બાદ ૩ માસ સુધી ચેપ મુક્ત રાખવા માટે પૂરતા પ્રમાણમાં ખીરૂ મળવું જોઈએ. ખીરું એ વાછરડા માટે જિંદગીનો પાસપોર્ટ છે.
- તાજા જન્મેલા વાછરડાને હાથ દ્વારા ખીરું પીવડાવાની ભલામણ કરવામાં આવે છે. જેથી ખેડૂતને ખાતરી થાય છે કે દરેક વાછરડાએ કેટલું ખીરું પીધું.
- વાછરડાને ૧૦-૧૪ દિવસની ઉંમરે કરમિયાની દવા પીવડાવવી જોઈએ તથા ત્યારબાદ છ મહિના સુધી દરેક માસે ચાલુ રાખવી જોઈએ.
- વાછરડાની ઉંમર ત્રણ માસની થાય ત્યારે રસીકરણ માટે પશુ ચિકિત્સકની સલાહ લેવી જોઈએ.
- જન્મના ૨-૮ આઠવાડિયા દરમિયાન વાછરડાના સારા વિકાસ અને ઝડપથી પુખ્તતા આવે તે માટે કાફ સ્ટાર્ટર આપવું જોઈએ.
સરળ કાફ સ્ટાર્ટરનું ઉદાહરણ (અંદાજિત ટકાવારી)
એક ઉત્તમ પ્રકારના કાફ સ્ટાર્ટરમાં મકાઈ - ૫૨%, જવ - ૨૦%, સોયાબીન મીલ - ૨૦%, મોલાસીસ - ૫%, મીઠું - ૦.૫%, ખનીજ તત્વો (મેક્રો તથા માઈક્રો )- ૧.૫%, વિટામિન - ૧% જેવા તત્વો હોય છે
B. વાછરડાના ઝાડા
નવજાત વાછરડામાં ઘણા કારણથી ઝાડા થાય છે. નવજાત વાછરડાને ઝાડા થવાથી ઘણા પ્રમાણમાં પાણી તથા ઇલેકટ્રોલાઇટ વાછરડાના શરીરમાંથી વહી જાય છે. ઝાડા તથા ઝડપથી પ્રવાહી તથા આયન ગુમાવવાથી ખુબ ઝડપથી વાછરડાનું મૃત્યુ થાય છે.
આ પણ વાંચો : ગાય ભેંસ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
વાછરડાના ઝાડાની સારવાર
વાછરડાને ઝાડા થતાં ગુમાવેલ પાણી તથા ઇલેકટ્રોલાઇટનું પ્રમાણ ફરીથી પરત જળવાવવું જોઈએ, આ માટે દરરોજ રોજિંદા ખોરાક ઉપરાંત ૨-૪ લીટર ઇલેકટ્રોલાઇટનું દ્રાવણ આપવું જોઈએ. ઝાડાનું કારણ જાણીને તેની યોગ્ય સારવાર માટે શક્ય તેટલા વહેલા પશુચિકીત્સકને બોલાવવા જોઈએ.
વાછરડું ઉચ્ચકક્ષાનું સુગર (સુકોઝ) સારી રીતે પચાવી શકે તેમ ન હોવાથી તે ઉમેરવાથી ઝાડા વધારે થાય છે. જેને કારણે શરીર માંથી પ્રવાહી તથા ઇલેક્ટ્રોલાઇટ વધારે વહી જાય છે. તેથી ગ્લુકોઝ આપવામાં આવે છે.
ઘરે ઇલેક્ટ્રોલાઈટનું દ્રાવણ બનાવવાની રીત
1 લીટર ગરમ પાણીમાં 5 ચમચી ગ્લુકોઝ, 1 ચમચી સોડિયમ બાય કાર્બોનેટ (ખાવાનો સોડા) અને 1 ચમચી મીઠું નાખીને દ્રાવણને બરાબર મિક્સ કરી લેવું. તમારું ઇલેક્ટ્રોલાઈટનું દ્રાવણ તૈયાર છે.
ડીહાઈડ્રેશન એટલે શું?
વાછરડા/પશુને થતાં ઝાડામાં માત્ર પાણી જ નહીં પરંતુ સોડિયમ, પોટેશિયમ જેવા શરીરના અગત્યના ક્ષારો પણ વહી જાય છે, તેથી વાછરડા/પશુ શોષાઈ જાય છે. આવી પરિસ્થિતિને અંગ્રેજી ભાષામાં ડીહાઈડ્રેશન અને ગુજરાતી ભાષામાં નિર્જલીયતા કહેવામાં આવે છે. ડીહાઈડ્રેશનનો ભોગ બનેલ વાછરડા/પશુની હાલત, લીલીછમ શેરડીના સાંઠાના, સંચામાં નિચોવાયેલ છોતરા જેવી થાય છે.
આ પણ વાંચો : તુરિયાની આધુનિક ખેતી
વાછરડામાં ઝાડાના કારણે થયેલ ડીહાઈડ્રેશનના પ્રમાણની માપણી
- ડીહાઈડ્રેશન લેવલ ૫% સુધી હોય તો કોઈ ચિન્હો હોતા નથી અને વાછરડું સામાન્ય હોય છે.
- ડીહાઈડ્રેશન લેવલ ૫ થી ૬ ટકા સુધી હોય તો વાછરડાને ઝાડા થાય છે અને અન્ય રોગના કોઈ ચિન્હ હોતા નથી પરંતુ ધાવવાના રિફ્લેક્સ વધી જાય છે.
- ડીહાઈડ્રેશન લેવલ ૬ થી ૮ ટકા સુધી હોય તો વાછરડું સામાન્ય ડિપ્રેશનમાં આવે છે પરંતુ ધાવવાનું ચાલુ રાખે છે. તેની આંખો ઊંડી જાય છે તથા નબળું પડી જાય છે. સ્કિન ટેન્ટીગ ૨-૬ સેકન્ડ સુધી થાય છે.
- ડીહાઈડ્રેશન લેવલ ૮ થી ૧૦ ટકા સુધી હોય તો વાછરડું ડિપ્રેશનમાં આવી જાય છે અને નીચે ગબડી પડે છે, આંખો ખુબ ઊંડી ઉતરી જાય છે અને હોઠ સુકાઈ જાય છે, સ્કિન ટેન્ટીગ છ સેકન્ડ થી વધારે થાય છે.
- ડીહાઈડ્રેશન લેવલ ૧૦ થી ૧૪ ટકા સુધી હોય તો વાછરડું ખાઈ શકાતું નથી અને શરીર ઠંડુ પડતું જાય છે. ચામડી ટેન્ટેડ જ રહે છે. વાછરડું સતત ઘેનમાં રહે છે.
- ડીહાઈડ્રેશન લેવલ ૧૪ ટકાથી વધારે હોય તો વાછરડું
- મૃત્યુ પામે છે.
જે વાછરડા ૮ ટકાથી વધારે ડીહાઈડ્રેશનના ચિન્હો બતાવે છે તેઓને તાત્કાલિક નસમાં દ્રાવણ ચઢાવવામાં આવે છે તથા તાત્કાલિક પશુ ચિકિત્સકને બોલાવવા જોઈએ.
સ્કિન ટેન્ટીગ એટલે શું?
વાછરડાની આંખની ઉપર તથા ગળા અને છાતીની આસપાસની ચામડી ખેંચીને છોડવાથી તુરંત ફરીથી નોર્મલ થઇ જાય છે. જો ચામડી ઉંચી/ખેંચાયેલી રહે તો તેને ટેન્ટેડ ગણવામાં આવે છે. ચામડીને અસલ સ્થિતિમાં પાછા ફરવાનો સમય ડીહાઈડ્રેશનનું પ્રમાણ નક્કી કરે છે.
વાછરડાના ઝાડા અટકાવવાના ઉપાય
- વાછરડામાં રોગ પ્રતિકારક શકિત વધારવા માટે વિયાણના ૬ કલાકમાં ખીરું પીવડાવેલ છે તેની ખાતરી કરો.
- વાછરડું જંતુમુક્ત તથા સૂકા વાતાવરણમાં રાખેલ છે તેની ખાતરી કરવી જોઈએ.
- વાછરડાને ધાવવા માટે લઈ જતા પહેલા બાવલું ચોખ્ખુ છે તેની ખાતરી કરવી.
ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો
આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.
0 Comments