ચોમાસુ મગફળીની વૈજ્ઞાનિક ખેતી કરો

ગુજરાતમાં રાજ્યમાં દર વર્ષે અંદાજે ૧૮ થી ૨૦ લાખ હેક્ટર વિસ્તારમાં ચોમાસુ મગફળીનું વાવેતર થાય છે. આ વાવેતર મુખ્યત્વે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૂકી ખેતી નીચે કે જ્યાં, વરસાદ ઓછો અને અનિયમિત રીતે પડે છે ત્યાં કરવામાં આવે છે. રાજ્યમાં અગાઉ ઉભડી અને વેલડી એમ બે પ્રકારની મગફળીનું વાવેતર થતુ હતુ. જેમા ઉભડી અને વહેલી પાકતી મગફળીનો વિસ્તાર ૩૫ ટકા જેટલો છે અને તેની વરસાદની જરૂરીયાત ઓછી હોય છે જ્યારે, બીજા પ્રકારની મોડી પાકતી વેલડી મગફળીનો વિસ્તાર ૬૫ ટકા જેટલો છે અને તેની વરસાદની જરૂરિયાત વધુ છે પરંતુ, તાજેતરમા ભલામણ કરવામાં આવેલ અર્ધવેલડી પ્રકારની મગફળીની જાતો ઓછા તેમજ વધુ એમ બંને પ્રકારની વરસાદની પરિસ્થિતિમાં અનુકૂળ જણાયેલ છે.

GroundNut Farming

સૌરાષ્ટ્રના મોટા ભાગના એટલે કે ૬૦ થી ૭૦ ટકા વિસ્તારમાં મગફળીનું એકલા પાક તરીકે વાવેતર થતું હોવાથી તેમજ વરસાદ ઓછો અને અનિયમિત રીતે પડવાથી મગફળીનું વાવેતર કરતા ખેડૂતો માટે મોટુ જોખમ રહેલુ હોય છે. જે ઘટાડવા માટે મગફળીના પાકનું એકલા પાક તરીકે વાવેતર નહીં કરતાં તુવેર, દિવેલા, તલ અને કપાસ જેવા પાકોને આંતરપાક તરીકે લેવા જોઈએ. આમ કરવાથી મગફળીના એકલા પાકનું જોખમ ઘટે છે એટલું જ નહીં પરંતુ, એકલા મગફળીના પાક કરતાં આંતરપાક લેવાથી વધુ નફો પણ મેળવી શકાય છે.

મગફળીની ખેતીમાં જમીનની પ્રાથમિક તૈયારી

મગફળીની સારી વૃદ્ધિ થાય અને ડોડવાનો સારો વિકાસ થાય તે માટે સારી ફળદ્રુપતા ધરાવતી પિયતની સગવડતાવાળી જમીન પસંદ કરવી જોઈએ તેમજ જમીનને ખેડી પોચી અને ભરભરી બનાવવી જોઈએ. આ માટે હળની ઉંડી ખેડ કરી અગાઉના પાકના જડીયા અને કચરો વીણી લીધા બાદ બે વખત કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ બનાવવી જોઈએ પછી જરૂરી અંતરે ચાસ કાઢી લેવા. જે જમીનમાં ધૈણ જેવી જીવાતનો ઉપદ્રવ થતો હોય ત્યાં ફોરેટ ૧૦ જી નામની દાણાદાર દવા હેક્ટર દીઠ ૨૦ કિલોગ્રામ મુજબ ચાસમા આપવી. આપનું ખેતર ઢાળવાળુ હોય તો ઢાળની વિરુદ્ધ દિશામા ચાસ કાઢી મગફળીનું વાવતેર કરવું. છીંછરી ખેડ કરવામાં અવાઈ તો વિવિધ રોગ જેવા કે કંઠનો સડો (કોલરરોટ), થડનો સડો (સૂકારો) તથા નિંદામણ પણ વધે છે. આની સામે ઉંડી ખેડ કરવાથી નીચે પ્રમાણેના ફાયદા થાય છે.

  • જમીનની ભેજ સંગ્રહશક્તિ તથા નિતારશક્તિ વધે છે.
  • જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
  • જમીનમાં રહેલા પોષક તત્વો છોડ સહેલાઈથી લઈ શકે છે.
  • વિવિધ જીવાતના કોશેટા, ઈયળો તેમજ ફૂગના બિજાણુઓનો સૂર્યતાપમાં તપવાથી કે જમીનમાં ઉંડે સુધી દબાઈ જવાથી નાશ પામે છે.

રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ દ્વારા વર્ષ ૨૦૦૦થી ૨૦૦૨ દરમિયાન લીધેલ ઉંડી ખેડના અખતરાના પરીણામો ઉપરથી સાબિત થયેલ છે કે છીછરી ગોડ કરતા ઉડી ખેડ કરવાથી મગફળીના ઉત્પાદનમાં ૧૫ ટકા અને કુલ આવકમાં ૨૪ ટકા જેટલો વધારો નોંધાયેલો હતો તેમજ થડના સડાના રોગમાં ૪૯ ટકા અને કંઠના સડાના રોગમાં ૭૧ ટકા જેટલો ઘટાડો જોવા મળેલ હતો.

જમીનની તૈયારી કરતી વખતે આપવાના પાયાના ખાતર

     1. સેન્દ્રિય ખાતર

મગફળીનું સારૂ ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલુ ગળતીયુ ખાતર આપવું જોઈએ. જો સેન્દ્રિય ખાતર ન મળે તો હેક્ટરે ૫૦૦ કિલોગ્રામ દિવેલી ખોળ જમીન તૈયાર કરતી વખતે આપવો જોઈએ. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ ખાતે દિવેલાના ખોળનો અખતરો સતત બે વર્ષ સુધી ૫૦ ખેડૂતોના ખેતર ઉપર લીધેલ હતો. જેના પરીણામે માલૂમ પડેલ છે કે કંઠના સડાના રોગમાં ૬૪ ટકા અને થડના સડાના રોગમાં ૫૫ ટકા જેટલો ઘટાડો થયેલ હતો અને ૩૨ ટકા જેટલુ વધારે ઉત્પાદન અને કુલ આવકમાં ૩૦ ટકા વધારો જોવા મળેલ હતો. 

     2. રાસાયણિક ખાતર

મગફળીના પાકને હેકટરે ૧૨.૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ છે. પરંતુ જમીનના નમૂનાનું પૃથ્થકરણ કરી ભલામણ મુજબ રાસાયણિક ખાતર જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવા જોઈએ. આ માટે એમોનીયમ સલ્ફેટ ૬૨.૫ કિલોગ્રામ અને સીંગલ સુપર ફોસ્ફેટ ૧૫૬ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું જોઈએ. આ ઉપરાંત મગફળીનું વધારે ઉત્પાદન લેવા માટે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટીંગ રાઈઝોબેક્ટરીયા (પીજીપીઆર) કે જે એક પ્રકારનું જૈવિક ખાતર છે તેનો ઉપયોગ કરવો જોઈએ.

આ ખાતર મગફળીના છોડને મુખ્ય અને ગૌણ પોષક તત્વો જરૂરી પ્રમાણમાં લેવા માટે મદદ કરે છે. સતત ત્રણ વર્ષ સુધી લેવામાં આવેલા અખતરાના પરીણામો ઉપરથી માલૂમ પડેલ છે કે, ભલામણ કરેલ રાસાયણિક ખાતરો સાથે પીજીપીઆર ૫૦૦ ગ્રામ પ્રતિ હેકટરે આપવાથી ઉત્પાદનમાં ४४ ટકા વધારો જોવા મળેલ હતો.

આ ઉપરાંત જમીનમાં પોટાશની ઉણપ હોય તો ભારે જમીનમાં હેકટરે ૮૦ કિલોગ્રામ અને હલકી જમીનમાં ૧૨૦ કિલોગ્રામ પોટાશ આપવાની ભલામણ છે તેમજ જો જમીન ભાસ્મીક હોય તો જમીનમાં ૫ ટન પ્રતિ હેક્ટરે જીપ્સમ ઉમેરવું જોઈએ. સૌરાષ્ટ્રની અમુક જમીનમાં ગંધક, લોહ કે ઝીંક જેવા સૂક્ષ્મ તત્વોની ખામી જોવા મળેલ છે. આવી જમીનમાં જો ગંધકની ઉણપ જોવા મળે તો હેકટરે ૨૦ કિલોગ્રામ સલ્ફર, લોહ તત્ત્વની ઉણપ હોય તો હેકટરે ૧૦ કિલોગ્રામ ફેરસ સલ્ફેટ અને ઝીંક તત્વની ઉણપ વરતાય તો હેકટરે ૨૦ કિલોગ્રામ ઝીંક સલ્ફેટ પાયાના ખાતર તરીકે જમીન તૈયાર કરતી વખતે આપવું જોઇએ.

મગફળીની ખેતીમાં વાવેતર યોગ્ય સમય

ચોમાસુ વાવેતર માટે વાવેતર સમયના ત્રણ તબક્કામાં વાવેતર થાય છે.
  1. મગફળીનું ખૂબ સારુ ઉત્પાદન મેળવવા ચોમાસામાં વરસાદ થાય તે પહેલા એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડીયા સુધીમાં પિયત આપીને મગફળીનું આગોતરુ વાવેતર કરવુ હોય તો જીએયુજી-૧ અથવા જીજી-૧૧ અથવા જીજી-૧૩ અથવા જીજી-૧૭ જેવી મોડી પાક્તી વેલડી મગફળીનું વાવેતર કરવું.
  2. ૧૫-જૂનથી ૩૦ જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી અથવા અર્ધવેલડી અથવા વેલડી એમ કોઈપણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય. જેમા અર્ધવેલડી, જીજી-૨૦ અને જીજેજી-૨૨ને પ્રાધાન્ય આપવું.
  3. જુલાઈ માસમા મોડો વરસાદ થાય તો વહેલી પાકતી જીજી-૨ અથવા જીજી-૫ અથવા જીજી-૭ અથવા જીજેજી-૯ જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય. આમ આગોતરું, સમયસરનું અને મોડું એમ ત્રણ પ્રકારનું વાવેતર મગફળીમાં થાય છે.

મગફળીની ખેતીમાં બીજ માવજત

ઘણા વર્ષોથી એક જ જમીનમાં દર વર્ષે મગફળીનું વાવેતર કરવાથી જમીન જન્ય રોગો જેવા કે, ઉગસુક (કોલર), થડનો કોહવારો (સ્ટેમરોટ) વગેરેનું પ્રમાણ વધતુ જાય છે. જેના પરીણામો વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટી જવાથી ઉત્પાદન ઓછુ મળે છે એટલા માટે આવા રોગોથી કુમળા છોડનું રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલા ૧ કીલોગ્રામ બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે થાયરમ અથવા કાર્બેન્ડાઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું. બીજ માવજત કરવા સીડ ડ્રેસીંગ ડ્રમ વાપરવું.

ધૈણ અથવા સફેદ મુંડા (વ્હાઈટગ્રબ) અને ઉધઈ હોય તો, જમીન માવજત કરી ન હોય તો ક્વીનાલફોસ ૨૫ ટકા ઈસી અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી, આ બેમાંથી કોઈપણ એક દવા પસંદ કરી ૧ કીલોગ્રામ બીજ દીઠ ૨૫ મી.લી. દવા બીજને વાવતાં પહેલાં ૩-૪ કલાક અગાઉ પટ આપી પછી છાયડામાં સૂક્વી વાવેતર કરવું. બીજને પ્રથમ જંતુનાશક દવાનો પટ આપવો ત્યાર પછી ફૂગનાશક દવાનો પટ આપવો.

સૌજન્ય :

ડો.કે.એલ.ડોબરીયા, ડો.જે.એચ.વાછાણી,
ડો.એમ.વી.નળીયાધરા, ડો.વી.એચ.કાછડીયા
સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર - જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ
એગ્રો સંદેશ

Post a Comment

0 Comments