“ખટાશમાં પણ મીઠાશ” કાચી કેરીમાંથી બનતા મહીસાગર જિલ્લાના આંબોળીયા દિલ્લીના બજારોમાં પ્રખ્યાત

રસમધુર આંબોળિયા એ મહીસાગર જિલ્લાનો પરંપરાગત જળવાયેલો મહેનતકશ ખેડૂતોને પૂરક આજીવિકા પૂરો પાડતો વ્યવસાય.

Raw Mango Product

મહીસાગર જિલ્લો ભોજનને રસદાર બનાવતા ચટાકેદાર આંબોળિયાના વેપારમાં અગ્રેસર.

Raw Mango Product Making Process

મહીસાગર જિલ્લાના આંબોળિયાની ખ્યાતિ દૂર દેશાવર સુધી પ્રસરેલી છે.

Raw Mango Product

આદિવાસી વસ્તી ધરાવતો મનમોહક મહીસાગર જિલ્લો કુદરતી સંપદા અને સૌંદર્યથી ભરપૂર છે ત્યારે તે તેની વધુ એક આગવી ઓળખથી જાણીતો થયો છે અને તે છે કાચી કેરીમાંથી બનાવેલ રસમધુર આંબોળિયા. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત ખાનપુર, સંતરામપુર, વિરપુર, બાલાશિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સુકવેલા અંબોળિયા ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા ગામે ગામે બનાવી તૈયાર કરવામાં આવે છે. દૂર દેશાવર સુધી મહીસાગર જિલ્લાના આંબોળિયાની ખ્યાતિ પ્રસરેલી છે.

Lady Sell Raw Mango Process

કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ દાળ-શાક તેમજ અન્ય વાનગીમાં ખટાશ તરીકે વાપરી વાનગીને રસ મધુર બનાવવા માટે થાય છે. મહીસાગર પંથકના આંબોળિયા વખણાવાનું મુખ્ય કારણ એ પણ છે કે આ પંથકમાં દેશી સુધાર્યા વગરની જાતોના આંબા વધુ પ્રમાણમાં છે તેમાં ખટાશ વધુ હોય છે તેમાંથી સૂકવી તૈયાર કરાયેલા આંબોળિયાની દેશભરમાં માંગ રહે છે.

Raw Mango Product Sell

લુણાવાડાના વર્ષો અગાઉના મુખ્ય બજાર ગણાતા માંડવી તેમજ મધવાસ દરવાજા વિસ્તારની વ્યાપારી પેઢીઓ દ્વારા આંબોળિયાનો વહેપાર દેશભરમાં ફેલાયો હતો. અહીંના સ્થાનિક વેપારીઓ સિઝનમાં મોટાપાયે આંબોળિયાની ખરીદી કરી દિલ્હી, કલકત્તા,અમૃતસર, અમદાવાદ, જયપુર, જોધપુર સહિતના દેશભરના વિવિધ બજારોમાં પહોંચાડે છે. નવાઈની વાત એ છે કે દિલ્હીના કરિયાણાના બજાર ગડોરીયા અને ખારીબાવલી માર્કેટમાં લુણાવાડાના આંબોળિયાના રાજધાની, ડબલ ગોલ્ડન, સિંગલ ગોલ્ડન બ્રાન્ડના બોર્ડ લાગે છે. આમ મહીસાગર જિલ્લાના કેરીના આંબોળીયા દેશભરમાં વખણાય છે. તેમ ઇબ્રાહિમ સુરતીની પેઢીના ઇકબાલ ભાઈ સુરતીએ જણાવ્યું હતું.

Raw Mango Process

આંબોળિયાના વ્યવસાય સાથે જોડાયેલા ગોધર(પ)ના ખેડૂત સાલમભાઇ બારીયા જણાવે છે કે આ વ્યવસાય અમારાં બાપ દાદા વખતથી અમે કરીએ છીએ. ગ્રામ્ય વિસ્તારોમાંથી કાચી કેરીની ખરીદી કરી અમે આંબોળિયા બનાવીએ છીએ આ સિઝન એક માસ ચાલે છે. જેમા સફેદ અને લાલ રંગના આંબોળિયા બને છે. આ સાલ ભાવ પણ સારો મળ્યો છે. આમ આ આંબોળિયાના વ્યવસાય થકી ખેતી સાથે પુરક રોજગારીનું સર્જન અમે કરીએ છીએ.

Raw Mango Product Making

મહીસાગર જિલ્લામાં કાચી કેરીમાંથી આંબોળિયા બનાવવામાં મુખ્યત્વે નાના ખેડૂતો દ્વારા ગામે ગામે આ વ્યવસાયને કરવામાં આવે છે. આંબોળિયાનો વહેપાર  પહાડીયા, સરાડીયા, ગોધર, આંજણવા, ગંધારી સહિતના અનેક ગામોમાં કેરીને કાપીને તેની ચીરીયા કરી તેને સૂકવીને બનાવાય છે. આંબોળિયા બનાવવા એક વિશેષ કળા છે. કેરીમાંથી સફેદ આંબોળિયા અને લાલ આંબોળિયા બને છે. આંબોળીયા લાલ બનશે કે સફેદ તે કેરી ઉપર આધાર રાખે છે. નાના ખેડૂતો અને ગ્રામજનોને તેમાંથી પુરક રોજી રોટી મળે છે.

Raw Mango Product Making Process

મહીસાગર જિલ્લો ખેતી આધારીત હોઇ લસણ, આદું અને આંબોળિયા જેવા રોકડીયા પાકનો વહેપાર ગૃહ ઉદ્યોગ સમાન છે તેથી જ આ જિલ્લામાં ગૃહ ઉધોગ માટે ઉજળી તકો રહેલી છે આંબોળિયા નાના ખેડૂતો ઘરમાં બનાવે છે અને તેને ઘર ઉપર સુકવે છે, જેમ તેનો રંગ સફેદ હોય તેમ ભાવ વધારે આવે છે અંદાજીત એક કિલો આંબોળિયાનો ભાવ રૂપિયા ૧૦૦ થી ૧૭૦ જેટલો હોય છે. રસમધુર આંબોળિયા એ જિલ્લાનો પરંપરાગત જળવાયેલો મહેનતકશ ખેડૂતોને પૂરક આજીવિકા પૂરો પાડતો વ્યવસાય છે.

Raw Mango Product

આ સુંદર માહિતીનું સંપૂર્ણ સંકલન અને તેના સુંદર ફોટા મોકલવા બદલ અશ્વિનભાઈ પંડ્યાનો ખેડૂત હેલ્પ આભાર માને છે. તમે પણ તમારા વિસ્તારમાં ખેતી અને તેની સાથે સંકળાયેલી પ્રખ્યાત અથવા રોમાંચક માહિતી અમને મોકલી શકો છો. તમે અમારા ઇમેઇલ પર તમારી માહિતી મોકલી શકો છો.

Post a Comment

0 Comments