ૠતુ અનુસાર પાકે તો સૌ ખાય, પણ પાકની ઋતુ સિવાય વસ્તુ ખાઈ જાણે તે ખરો ગણાય. શાકભાજીની ખેતીમાં વધારે નફો મેળવવા ખેડૂતો હંમેશાં પ્રયત્નશીલ હોય છે. નફાનું ધોરણ બે રીતે વધે છે. એક વધુ ઉત્પાદન લઈ વધુ આવક મેળવીને અને બીજું ભાવ મળે તે સમયે શાકભાજીનું ઉત્પાદન લઈને, જેથી વધારે ભાવને કારણે ઓછા ઉત્પાદન છતાં નફો વધે. આપણે અહીં ત્રીજી રીતે નફો વધારાવાની વાત કરવાની છે.
ઓફ સીઝનમાં શાકભાજીની ખેતી એટલે શું?
સામાન્ય ૠતુમાં મળતા ભાવ કરતા વધારે ભાવ લઈને વધારે આવક લેવી હોય તો ઓફ સીઝનમાં શાકભાજી ઉગાડવા જોઈએ. એટલે સીઝન વગરના શાકભાજી જ્યારે માર્કેટમાં ભાવ વધુ મળે. આપણી પાસે સ્ટોરેજની સગવડ અને મૂલ્યવૃદ્ધિ શાકભાજીમાં ખૂબ જ ઓછું થાય છે. એવી પરિસ્થિતિમાં ઓફ સીઝનમાં શાકભાજી કરવાથી જ ખેડૂતનું મૂલ્ય વધી શકે.
છેલ્લા કેટલાક વર્ષોથી ટામેટાં, ભીંડા, કાકડી, તરબુચ, રીંગણ, કોબીજ, ફ્લાવર, પાપડી, તુવેર તેમજ લીલા પાનવાળા શાકભાજી આખા વર્ષ દરમ્યાન મળતા થયા છે. આ શાકભાજીના પાકોમાં સંશોધનને અંતે તૈયાર થયેલ સંકર જાતોને કારણે જ શક્ય બન્યું છે. ખાસ કરીને સંકર જાતોમાં વધુ પડતી ઠંડી ગરમી સહન કરવાની વધારે શક્તિ હોય, આખા વર્ષ દરમ્યાન દ્વિકલ્પ વિસ્તારમાં સારી રીતે ઉગાડી શકાય છે. આ ઉપરાંત આ જાતો જુદા જુદા હવામાનમાં અનુકૂળ થવાની શક્તિ ધરાવે છે. ઓફ સીઝનમાં શાકભાજી પાકોનું ઉત્પાદન લેવા વપરાતી તકનીકો બાબતે વિગતમાં સમજ લઈએ.
ઓફ સીઝનમાં શાકભાજીની ખેતી કઈ રીતે કરી શકાય?
- વધુ પડતી ઠંડી-ગરમી સહન કરવાની શક્તિ ધરાવતી સારી ગુણવત્તાવાળી જાતની પસંદગી
- વાવણી સમયમાં બદલાવ લાવીને
- પ્લાસ્ટિક / નોન-વુવન કાપડની ટનલનો ઉપયોગ
- પોલી હાઉસ | નેટ હાઉસના ઉપયોગ
- જુદા જુદા એગ્રો પરિસ્થિતિનો ઉપયોગ
- લો કોસ્ટ ગ્રીન હાઉસ કલાઈમેટ
પોલી હાઉસ / નેટ હાઉસમાં દરેક પ્રકારના શાકભાજી ઓફ સીઝનમાં મેળવી શકાય જેના માટે સૌપ્રથમ માર્કેટનો સર્વે કરી (કયા સમયે કઈ શાકભાજીના ભાવ વધુ મળે એ માહિતી મેળવીને) પછી પોલી હાઉસમાં શાકભાજીની ખેતીનું આયોજન કરવામાં આવે તો ઓફ સીઝનમાં શાકભાજીનું ઉત્પાદન લઈ વધુ નફો મેળવી શકાય. જેમાં ખેડૂત મિત્રો તરબુચ, શક્કરટેટી, કાકડી, કેપ્સીકમ મરચાં, ટામેટાં, પાતરા જેવા પાકોની ખેતી કરી વધુ નફો મેળવી શકાય છે. પરંતુ પોલી હાઉસ | નેટ હાઉસ સિવાય ખુલ્લા ખેતરમાં લો ટનેલનો ઉપયોગ ખાસ કરીને વેલાવાળા શાકભાજી, કેપ્સીકમ મરચાં, તરબુચ, શક્કરટેટી જેવા પાકોને ઠંડીથી બચાવી સારું ઉત્પાદન લેવા માટે લો ટર્નલનો ઉપયોગ કરી ઓફ સીઝનમાં શાકભાજી મેળવી શકાય, જેમાં પોલી પ્રોપલીન નોન વુવન ફેબ્રીક અને યુવી સ્ટેબીલાઈઝર પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાય. ટનેલનો ઉપયોગ કરી ઓફ સીઝનમાં શાકભાજી મેળવી શકાય છે. જેમાં કાકડી, કેપ્સીકમ, ટામેટાં, મરચાં, દુધી, તરબુચ, ટેટી, રીંગણનો પાક લઈ શકાય છે.
જુદી જુદી ૠતુ અનુસાર ઓફ સીઝનમાં ઉગાડી વધારે ભાવ મેળવી શકાતા શાકભાજીઓ :
શિયાળુ શાકભાજી : ભીંડા, તરબુચ, કાકડી
ઉનાળુ શાકભાજી : ટામેટા, ધાણા, મેથી, પાલક
ચોમાસુ શાકભાજી : પાપડી, રીંગણ, કાકડી
શિયાળુ શાકભાજીની ખેતી :
ભીંડાની ખેતી :
સામાન્ય રીતે ભીંડા ચોમાસા અને ઉનાળાના ગરમ વાતાવરણમાં સારી રીતે થઈ શકે છે. જ્યારે શિયાળામાં ભીંડાનો પાક ઊગે ખરો પરંતુ ઠંડી અને ઓછા સૂર્યપ્રકાશને કારણે છોડનો વિકાસ બરાબર થતો નથી અને રોગનું પ્રમાણ ખૂબ વધારે આવવાથી ઉત્પાદન મળતું નથી. કૃષિ યુનિવર્સિટી આણંદની ભલામણ અનુસાર શિયાળા દરમ્યાન ભીંડાનું ઉત્પાદન મળે તે હેતુસર ભીંડાનું વાવેતર ઓક્ટોબર માસના પહેલા અઠવાડિયામાં કરવું. ઓક્ટોબરથી નવેમ્બર માસની ૧૫ તારીખ સુધી ગરમીનું વાતાવરણ હોય એ દરમ્યાન ભીંડાના પાકનો વાનસ્પતિક વિકાસ થઈ ફૂલ આવવાની શરૂઆત થઈ જાય છે. પછી ઠંડીની અસર ઓછી જોવા મળે છે અને ભીંડાનો ભાવ નવેમ્બરથી જાન્યુઆરી માસ સુધી સારો મળી રહે છે. નવેમ્બરથી લઈ જાન્યુઆરી માસ દરમ્યાન ઠંડીનું પ્રમાણ ખૂબ હોય અને એ સમયે જો ભીંડાનું ઉત્પાદન આપણા ખેતરમાંથી ચાલુ થાય તો વધારેમાં વધારે માર્કેટ ભાવનો લાભ મળે જેથી એકમ વિસ્તારમાંથી વધારે નફો મેળવી શકાય. હાલમાં દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારની પૂર્વ પટ્ટીમાં શિયાળામાં ભીંડાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. બીજું ચોમાસાની શરૂઆતમાં બે મહિનામાં ભીંડાનો ભાવ વધુ મળતો હોય છે. માટે ચોમાસાના માર્કેટના લાભ લેવા માટે માર્ચના આખર સુધીમાં ભીંડાનું વાવેતર કરી શકાય.
તરબુચની વહેલી વાવણી કરવા શું કરવું જોઈએ ?
તરબુચ સામાન્ય રીતે જાન્યુઆરી માસમાં વાવવામાં આવે છે. પરંતુ તેને બદલે નવેમ્બર કે ડિસેમ્બર માસમાં તરબુચના બીજ પોલીથીલીન કોથળી અથવા પ્રો-ટ્રેમાં વાવી પોલીહાઉસ કે પોલીથીન શીટની ટનલ બનાવી તેમાં રાખી ૧૫-૨૦ દિવસ ત્યાં જ ઉછેરવા દઈને પછી જાન્યુઆરી માસમાં જ્યારે ઠંડી ઓછી થાય કે તરત જ જમીનમાં તૈયાર કરેલ છોડ રોપી દઈએ તો તરબુચનો પાક વહેલો લઈ શકાય છે. આ ઉપરાંત ચોમાસામાં ડાંગરનો પાક ઊભો હોય ત્યારે ડાંગર કાપણીના મહિનો અગાઉ ઉપર જણાવ્યા પ્રમાણે તરબુચના છોડને ઉગાડી ઓક્ટોબરના આખરમાં સીધા ખેતરમાં વાવણી કરવાથી શિયાળામાં તરબુચનું ઉત્પાદન મેળવી વધારે ભાવ મેળવી શકાય. આમ ખેતરમાં તરબુચનો પાક ૬૫ દિવસમાં તૈયાર કરી શકાય.
કોબીજ / ફ્લાવરની વહેલી રોપણી
કોબીજ અને ફ્લાવરનું ધરૂ ચોમાસા દરમ્યાન ઉછેરવાની ખૂબ જ મુશ્કેલી પડે છે. આ માટે પોલી હાઉસમાં ચોમાસા દરમ્યાન અને ત્યારબાદ ચીત્રા નક્ષત્રના તાપમાં નેટ હાઉસમાં ધરૂ ઉછેરી શકાય છે. ખુલ્લી નર્સરીમાં ધરૂ ઉછેરવાની ખૂબ જ મુશ્કેલી પડે છે. સપ્ટેમ્બર માસમાં પોલી હાઉસ કરતા નેટ હાઉસમાં ધરૂ સારી રીતે ઉછેરી શકાય છે. આવી રીતે કરેલ ધરૂ ઓક્ટોબર | નવેમ્બરમાં ઠંડી પડતા ખુલ્લા ખેતરમાં ફેરરોપણી કરીને એકથી દોઢ માસ વહેલા કોબીજ અને ફ્લાવર બજારમાં મૂકી વધારે ભાવ મેળવી શકાય છે. ફ્લાવરમાં ખૂબ જ વહેલી પાકતી જાતો ઓગસ્ટ માસમાં વાવણી કરવાથી ઓક્ટોબરમાં ઉત્પાદન મળે.
કોબીજ અને ફ્લાવર એ શિયાળુ ઋતુનો પાક છે. જેના કારણે આ શાકભાજીનો ઉનાળામાં ખૂબ જ સારા ભાવ મળતા હોય છે. જેનો શ્રેય હાઈબ્રીડ જાતોને જાય છે. જેના માટે મોડી પાકતી જાતો કોબીજમાં પુસા ડ્રમ હેડ, સ્યોર હેડ તેમજ હીસાર-૧ અને ફ્લાવરમાં પુસા સ્નોબોલ કે-૧, પુસા સ્નોબોલ-૧, ડાનીયા તેમજ માધી ગ્રૂપની પસંદગી કરવામાં આવે તો ખેડૂતમિત્રો ઉનાળામાં ડાંગરની પરાળ અથવા શેરડીની પતારીનું આવરણ કરી સારા ભાવ સાથે ઉત્પાદન મેળવી શકાય.
ઉનાળુ શાકભાજીની ખેતી :
ઉનાળાની ઋતુમાં લીલા પાનવાળા શાકભાજી જેમ કે કોથમીર, પાલક, તાંદળજો વગેરે લીલા પાંદડાવાળા શાકભાજીની માંગ બજારમાં બારેમાસ રહે છે. આ શાકભાજી શિયાળા દરમ્યાન ખુલ્લા ખેતરોમાં સારી રીતે થાય છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ખુલ્લા ખેતરોમાં સારી રીતે થઈ શકતા નથી. ખુલ્લા ખેતરો કરતાં મધ્યમ કક્ષાના ગ્રીનહાઉસમાં પાંદડાવાળા શાકભાજીની વૃદ્ધિ સારી થાય છે. ઝડપી અને વધારે ઉત્પાદન આપે છે. નવસારી અને આણંદ ખાતેના પ્રાથમિક સંશોધનના પરિણામ પરથી જાણવા મળેલ છે કે સાદા ગ્રીનહાઉસમાં ઉગાડેલ પાંદડાવાળા શાકભાજીની ગુણવત્તા સારી હોય છે તેમજ ઉત્પાદન વધારે આવે છે. ઉનાળામાં પાંદડાવાળા શાકભાજી નેટનો છાયાં તેમજ ઝાડ નીચે પણ ઊગાડી શકાય છે. જ્યારે ચોમાસા દરમ્યાન વધુ વરસાદવાળા વિસ્તારમાં પોલીહાઉસમાં સારી રીતે ઉછેરી શકાય છે. પોલી હાઉસ વધારે વરસાદથી પાકને બચાવશે તેમજ જમીન અને વાતાવરણ ગરમ રાખશે જેથી પાંદડાવાળા શાકભાજી સારી રીતે થઈ શકશે.
છોડ પાપડીની ચોમાસામાં ખેતી
છોડ પાપડી, કપાસી પાપડીનું વાવેતર સામાન્ય રીતે શિયાળામાં વાવેતર થાય પરંતુ એ પાપડીને જો માર્કેટમાં ચોમાસામાં અથવા દિવાળીના સમયે જો માર્કેટમાં મોકલાવીએ તો શિયાળાની ઋતુ કરતાં ત્રણથી ચાર ગણા ભાવ મેળવી શકાય. ચોમાસામાં વાવેતર કરવામાં ઘણું જોખમ છે તેમ છતાં વધુ નફો મેળવવા જોખમ તો ખેડવું જ રહ્યું. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જી.એન. આઈ.બી.-૨૧ પાપડીનું વાવેતર માટે ચોમાસામાં મોટી પાળી બનાવી તેની ઉપર વાવેતર કરવું જેથી વધુ વરસાદ પડે તોપણ આપણે આપણા પાકને પાણીના ભરાવાથી બચાવી શકીએ. અને પાપડીનું ઉત્પાદન મેળવી સારી આવક મેળવી શકીએ.
શાકભાજી તુવેરનું વહેલું વાવેતર
તુવેરના પાક માટે ફૂલ અને શિંગો આવવાના સમયે ઠંડુ હવામાન માફક આવે છે. જેથી ઉનાળાની ઊંચી ગરમી (૪૦-૪૦° સે.) દરમ્યાન તુવેરના છોડ ઉપર ફૂલ અને શિંગો આવવી શક્ય નથી. તેમ છતાં આ વધારે ગરમીના સમયગાળા દરમ્યાન વાનસ્પતિક વૃદ્ધિ થાય તે રીતે વાવણી સમયનું આયોજન કરી, મે-જૂન સિવાય વર્ષ દરમ્યાન તુવેરની આંતરપાક તરીકે વાવણી કરવામાં આવે છે. શરૂઆતના સમયગાળામાં આ પાકની સાથે અન્ય શાકભાજી પાકોનું ઉત્પાદન મળે છે અને આ સમયગાળા દરમ્યાન તુવેરની વાનસ્પતિક વૃદ્ધિ થાય છે. અને ચોમાસામાં વરસાદ પડવાની સાથે તાપમાન નીચું જતાં તુવેર ઉપર ફૂલ આવવાની શરૂઆત થાય છે. અને લીલી શિંગોનું ઉત્પાદન મળવાની શરૂઆત થાય છે. આ વખતે શિંગોના બજારમાં ખૂબ જ ઊંચા ભાવ મળતા હોય છે. તુવેરના પાક માટે વૈશાલી તથા જીટી-૧૦૨ જાતની રોપણી કરી ડાંગરની પરાળ અથવા શેરડીની પતારીનું આવરણ ગરમીના સમયગાળામાં છોડ માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
સુરણ કંદની વહેલી લણણી
સામાન્ય રીતે સુરણ કંદની લણણી રોપણીના ૭-૮ મહિના બાદ કરવામાં આવે છે પરંતુ બજાર ભાવને ધ્યાનમાં રાખીને, રોપણીના ૪-૫ મહિના બાદ કંદની વહેલી લણણી કરવાથી ટૂંકા સમયગાળામાં ઓછા ઉત્પાદન છતાં વધુ નફો મળી રહે છે. ખેડૂતમિત્રો, આમ કોઈ પાકના બજારભાવ ધ્યાનમાં લઈ બજારમાં મોકલવાથી કે ઓફ સીઝનના પાક કરવાથી ખેતીમાં મહેનતની સાથે સારો નફો મળી શકશે.
ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો
આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.
0 Comments