તલએ સૌરાષ્ટ્ર વિસ્તારનો ખૂબ જ અગત્યનો નિકાસલક્ષી તેલીબિયા પાક છે. આ પાક ઓછા ખર્ચે વધારે વળતર આપવાની ક્ષમતા ધરાવે છે સાથો સાથ વધારે વરસાદ સહન કરવા અક્ષમ હોઈ એટલો જ જોખમી પણ છે. ચોમાસુ એ તલના પાકમાં રોગ અને ઉત્પાદન ઉપર માઠી અસર કરતું મુખ્ય ઘટક છે. તલના પાકમાં આવતા મુખ્ય રોગો, તેના લક્ષણો અને નિયંત્રણના પગલાંની વિગતે માહિતી મેળવીએ.
તલની ખેતીમાં પાન અને થડનો સૂકારો
તલના પાકમાં પાન અને થડનો સૂકારો રોગ વધુ વરસાદવાળા વર્ષોમાં વિશેષ જોવા મળે છે. આ રોગ ફાયટોપ્લોરા નામની ફૂગથી થાય છે. રોગની શરૂઆતમાં પાન ઉપર પાણીના પોચા ટપકાં થાય છે. રોગની તીવ્રતા વધતાં આખા પાનને અસર કરે છે. જેને લીધે પાન સૂકાઈ અને ખરવા માંડે છે. રોગની તીવ્રતા વધુ હોય તો દાંડી અને ફૂલના ભાગો પર પણ અસર જોવા મળે છે અને છોડ સૂકાઈ જાય છે.
તલની ખેતીમાં પાન અને થડના રોગનું નિયંત્રણ
તલના પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે તાંબાયુક્ત ફૂગનાશક દવા કોપર ઓક્સક્લોરાઈડ ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ પ્રમાણે ઓગાળીને પ્રથમ છંટકાવ કરવો બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો. અન્ય ફૂગ નાશકોમાં ઝાયનેબ ૮૦% વેપા અથવા મેન્કોઝેબ ૭૫% વેપા ૧૦ લિટર પાણીમાં ૨૬ ગામ ઓગાળીને ૧૫ દિવસનાં અંતરે બે છંટકાવ કરવા.
તલની ખેતીમાં ફૂગથી થતા પાનનાં ટપકાંનો રોગ
તલના પાકમાં ફૂગથી થતા પાનનાં ટપકાંનો રોગ સરકોસ્પોરા સીસેમી નામની ફૂગથી થાય છે. ખાસ કરીને હૂંફાળું ભેજજન્ય વાતાવરણ આ રોગને ખૂબ જ અનુકૂળ છે. મોટેભાગે તલમાં ફૂલ બેસવાના સમયે આ રોગ વધુ પ્રમાણમાં આવે છે. પાનની ઉપરની તથા નીચેની સપાટીને આછા બદામી ટપકાં, જેના મધ્યમાં સફેદ ટપકું હોય છે. જે આ રોગનું મહત્વનું લક્ષણ છે. ભેજવાળા વાતાવરણમાં ટપકાંઓ ધીમે ધીમે કાળા પડી જાય અને પાન ખરવા માંડે છે. તલનાં બૈઢા ઉપર પણ ભૂખરા નાના ટપકાં જોવા મળે છે. આ ઉપરાંત પાન ઉપર સરકોસેપટોરીયા સીસેમી નામની ફૂગથી ખૂણીયા આકારના આછા બદામી રંગનાં પથી ૧૫ સે.મી. કદના ટપકાં પડે છે. ટપકાંની આજુબાજુનો ભાગ પીળો હોય છે. વધારે પ્રમાણમાં ટપકાંઓનો ઉપદ્રવ થતાં પાન ખરી પડે છે.
તલની ખેતીમાં ફૂગથી થતા પાનનાં ટપકાં રોગનું નિયંત્રણ
બીજને વાવતા પહેલા પ્રતિ કિલોગ્રામ ૩ ગ્રામ થાયરમ ૭૫% દવાનો પટ આપવો. રોગની શરૂઆત થતા કાર્બેન્ડેઝીમ ૫૦% વે.પા. દવા ૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ પ્રમાણે મેળવી છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.
તલની ખેતીમાં થડ અને બૈઢા પરનાં ચાંઠાનો રોગ
તલની ખેતીમાં થડ અને બૈઢા પરનાં ચાંઠાનો રોગ થાય ત્યારે કોલેટોટ્રાયકમ નામની ફૂગથી થડના વચ્ચેનાં ભાગ પર શરૂઆતમાં પાણી પોચા ચાંઠા જોવા મળે છે અને તે તરત જ બંને બાજુ વૃદ્ધિ પામી ત્રાક આકારનાં બને છે અને તેનો રંગ બદામી થઈ જાય છે. ચાંઠાની વચ્ચેનો ભાગ પોચો પડી જવાથી થડ ભાંગી પડે છે તદઉપરાંત હેલ્મેન્થોસ્પોરીયમ તથા સ્ટેમફાઈલમ ફૂગથી શરૂઆતમાં થડની નીચેના ભાગ પર ટાંચણીનાં માથા જેવા લાલ રંગના અસંખ્ય ટપકાં જોવા મળે છે. બૈઢા પર પણ આવા અસંખ્ય ટપકાં જોવા મળે છે. સમય જતા તેનું કદ મોટું થાય છે અને ધીરે ધીરે થડ તેમજ આખો છોડ કાળો પડી સૂકાઈ જાય છે.
તલની ખેતીમાં થડ અને બૈઢા પરનાં ચાંઠાના રોગનું નિયંત્રણ
સતત વરસાદી વાતાવરણમાં ફૂલ અવસ્થાએ આ રોગ જોવા મળતો હોઈ, પાક અંદાજે ૫૦ દિવસનો થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. ૨૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી થડ, પાન અને બૈઢા ઉપર વ્યવસ્થિત છંટકાવ કરવો. બીજા બે છંટકાવ ૧૨ દિવસનાં અંતરે કરવા.
તલની ખેતીમાં છોડનો સૂકારો
તલનાં છોડનો સૂકારો જમીનમાં રહેલી ફયુઝેરીયમ નામની ફૂગથી થાય છે. ફૂગ છોડનાં મૂળ દ્વારા જલ વાહીનીમાં દાખલ થઈને પાણી અને ખોરાકનો રસ્તો બંધ કરી દે છે જેના કારણે પર્ણદંડ અને થડ પર ભૂખરા ધાબા દેખાય છે છેવટે છોડ સૂકાઈ જાય છે.
તલની ખેતીમાં છોડના સૂકારાનું નિયંત્રણ
તલની ખેતીમાં છોડનો સૂકારો રોગ જમીનજન્ય હોવાથી જે ખેતરમાં રોગ જોવા મળેલ હોય ત્યાં તલનું વાવેતર કરવું નહીં. વાવેતર કરતાં પહેલાં ૧ કિલો બીજને ૩ ગ્રામના હિસાબે ફૂગનાશક થાયરમ દવાનો પટ આપવો અને ઉનાળામાં ઉડી ખેડ કરવી.
તલની ખેતીમાં જીવાણુથી થતો પાનનાં ટપકાંનો રોગ
તલની ખેતીમાં પાનનાં ટપકાંનો રોગ ઝેન્થોમોનાસ સીસેમી નામના સૂક્ષ્મ જીવાણુથી થાય છે. હૂંફાળા અને ભેજવાળા વાતાવરણમાં આ રોગ વધુ પ્રમાણમાં આવે છે. રોગની શરૂઆત પાન ઉપર પાણી પોચા ટપકાંઓથી થાય છે. ધીમે ધીમે આ ટપકાંઓ ઘેરા બદામી ચાંઠામાં ફેરવાય જાય છે. અને છેવટે પાન સૂકાઈને ખરી પડે છે. આ રોગ પાકની કોઈપણ અવસ્થાએ અનુકૂળ વાતાવરણમાં જોવા મળે છે.
તલની ખેતીમાં જીવાણુથી થતો પાનનાં ટપકાંનો રોગનું નિયંત્રણ
પાનનાં ટપકાંનો રોગનું નિયંત્રણ કરવા માટે સ્ટ્રેપ્ટોસાઈકલીન દવા ૧૦૦ લીટર પાણીમાં ૫ ગ્રામ મુજબ ઓગાળી રોગની શરૂઆત થયે પ્રથમ છંટકાવ કરવો ત્યારબાદ બીજો છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.
તલની ખેતીમાં થડ અને મૂળનો કોહવારો
તલની ખેતીમાં થડ અને મૂળનો કોહવારો ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે જોવા મળે છે. આ રોગ મેક્રોફોમીના ફેઈઝીઓલી નામની ફૂગથી થાય છે. આ રોગ થડનાં જમીન પાસેના ભાગ પર બહારની સપાટીએ લાગે છે. થડ ઉપરની છાલ બદામી કે કથ્થાઈ રંગની થઈ જાય છે. રોગ વિશેષ પ્રમાણમાં હોય તો ડાળી, બૈઢા અને મૂળ પર કાળા ધાબા જોવા મળે છે અને તેની અંદર કાળા ટાંકણીનાં માથા જેવી બીજાણુધાનીઓ જોવા મળે છે તથા આવો ભાગ ચાંદી જેવો ચળકતો દેખાય છે. છેલ્લે આખો છોડ સૂકાય જાય છે.
તલની ખેતીમાં થડ અને મૂળના કોહવારાનું નિયંત્રણ
તલની ખેતીમાં થડ અને મૂળના કોહવારાનું નિયંત્રણ કરવા માટે રોગમુક્ત બીજની પસંદગી કરવી જોઈએ. બીજને થાયરમ દવા ૩ ગ્રામ પ્રતિ કિલો મુજબ પટ આપી વાવેતર કરવું. ઉભા પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે મેન્કોઝેબ દવા ૭૫% વેપા ૨૦ ગ્રામ તેમજ કાર્બેન્ડાઝીમ ૫૦% વેપા ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છોડના દરેક ભાગ ઉપર વ્યવસ્થિત છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦ દિવસ પછી બીજો છંટકાવ કરવો.
શ્રી બી.વી.રાદડિયા- ડો.બી.એ.મોણપરા કૃષિ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી
0 Comments