આમ આદમી પાર્ટીએ તાઉતે વાવાઝોડાના કારણે ખાતરમાં ભાવ વધારાનો વિરોધ હાલ મુલત્વી રાખ્યો

તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં પારાવાર નુકશાન થયું છે. ખેતીમાં ઉનાળુ અને બગાયતી પાકોનું નિકંદન નીકળી ગયું છે. રાસાયણિક ખાતરના ભાવમાં થોડા સમય પહેલા જ અધધ 58% વધારો થયો હતો અને હવે આ કુદરતી આફત આવી પડી છે. જેના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે અને પડતા ઉપર પાટું જેવો ઘાટ ઘડાયો છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં 19 મેના રોજ પ્રતીક ઉપવાસનું આયોજન કરેલ હતું પરંતુ તાઉતે વાવાઝોડાએ કરેલી ભયંકર ખુવારીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ રાસાયણિક ખાતરના ભાવ વધારાના વિરોધમાં પ્રતીક ઉપવાસને હાલ પૂરતા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

ખેડૂત હેલ્પ સાથે થયેલી વાતચીતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત આગેવાન ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં વાવાઝોડાને કારણે અમરેલી ગીર સોમનાથ થી લઈને અરવલ્લી સુધી અને વલસાડથી લઈ બનાસકાંઠા સુધીના ખેડૂતોના ઉનાળુ પાક અને બાગાયતી પાકનું નિકંદન નીકળી ગયું છે. અનેક ખેડૂતો સંપર્ક વિહોણા થઈ ગયા છે, ઘણા ખેડૂતો ઘર વગરના થઈ ગયા છે. હજુ વાવાઝોડું યથાવત છે ત્યારે ખાતરના ભાવ વધારાના વિરોધમાં 19-5 નો પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ હતો જેમાં 5184 ખેડૂતોએ સ્વેચ્છાએ ફોર્મ ભરી પ્રતીક ઉપવાસમાં સહભાગી થવાની તૈયારી બતાવી હતી પણ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ 1 દિવસના પ્રતિક ઉપવાસ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરી નિર્ણય થશે તે મુજબ તારીખ જાહેર કરવામાં આવશે તેમ જ જ્યાં સુધી ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી લડાઈ બમણી તાકાતથી લડવામાં આવશે.

Post a Comment

0 Comments