વધુ ઉત્પાદન આપતી અને વહેલી પાકતી મકાઈની જાતો વાવેતર હેઠળ આવતા વર્ષમાં લગભગ બે થી ત્રણ પાક લેવામાં આવે છે. તેથી ઉત્પાદનની સાથે સાથે રોગોનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. મકાઈના પાકમાં મુખ્યત્વે ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે જયારે જીવાણુ, વિષાણુ અને કૃમિજન્ય રોગોનુ પ્રમાણ ઓછું જોવા મળે છે.
બીજનો કોહવારો અને ઉગતા છોડનો સુકારો
આ રોગ એક કરતાં વધારે પ્રકારની જમીનજન્ય તેમજ બીજજન્ય ફૂગથી થાય છે. આ રોગમાં બીજ ઉગતા પહેલા જ કોહવાઈ જાય છે જેથી ખાલાં પડે છે. ઘણી વખત બીજ ઉગે પણ ઉગ્યા પછી નાના છોડ પીળા પડી સુકાઈ જાય છે.
નિયંત્રણ
તંદુરસ્ત અને રોગમુકત બીજ વાવવા માટે ઉપયોગ લેવા જોઈએ અને ભલામણ કરેલ ખેતી પધ્ધતિઓનો સમયસર ઉપયોગ કરવો જોઈએ. આ રોગનું નિયંત્રણ કરવા માટે બીજને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમ (૨ થી ૩ ગ્રામ/ ૧ કિલો બીજ) ની બીજ માવજત આપીને વાવણી કરવી.
પાનનો સૂકારો (ટર્સીકમ લીફ બ્લાઈટ)
આ રોગ એક્ષોરહીલમ ટર્સીકમ (હેલ્મીથોસ્પોરીયમ ટર્સીકમ) નામની ફૂગથી થાય છે. ચોમાસું અને શિયાળુ ઋતુમાં આ રોગનું પ્રમાણ મકાઈ પકવતા બધા જ વિસ્તારમાં વધુ પ્રમાણમા જોવા મળે છે. મધ્યમ તાપમાન (૧૮° થી ૨૭° સેલ્શિયસ) અને વધારે ઝાકળ આ રોગના ફેલાવા માટે વધુ અનુકૂળ છે. ચમરી આવતાં પહેલા જો રોગની શરૂઆત થાય તો ૫૦% જેટલી ઉત્પાદનમાં ઘટ આવી શકે છે.
લક્ષણો
આ રોગમાં નીચેના પાન ઉપર હોડી આકારના ૪ થી ૧૫ સે.મી. લાંબા ભૂખરા બદામી રંગના ડાઘા દેખાય છે. સમય જતાં આ ડાઘા મોટા થઈ એકબીજામાં ભળી જઈ આખુ પાન સૂકાઈને જાણે બળી ગયું હોય તેવું થઈ જાય છે. આ ફૂગજન્ય રોગ પાકના રોગિષ્ટ અવશેષો અને પવન દ્વારા ફેલાય છે.
નિયંત્રણ
રોગિષ્ઠ છોડના અવશેષો એકઠા કરી બાળીને નાશ કરવો. રોગમુકત અને તંદુરસ્ત બિયારણ વાવણી માટે પસંદ કરવું. રોગ પ્રતિકારક જાતો જેવી કે ગુજરાત મકાઈ-૨, ૩, ૪, ૬, એચ.કયું.પી.એમ ૧, નર્મદામોતી અને જી.એ.વાય.એમ.એચ.૧ નો વાવણીના ઉપયોગમાં લેવી. બીજને વાવતાં પહેલા કાર્બેન્ડાઝીમ કે થાયરમ ફૂગનાશક દવાનો ૨ થી ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો. નાઈટ્રોજનયુકત ખાતરોનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો. રોગની શરૂઆત જણાય કે તરત જ મેક્નોઝેબ ૨૭ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી ૧૦-૧૫ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવા. કાર્બેન્ડાઝીમ ૧૨% + મેક્નોઝેબ ૬૩% (૦.૨%) ના ચાર છંટકાવ કરવાની ભલામણ છે. પ્રથમ વાવણીના ૪૦ દિવસ પછી અને બાકીના ત્રણ છંટકાવ ૧૫ દિવસના ગાળે કરવા.
પાનનો સુકારો (મેઈડીસ લીફ બ્લાઇટ)
આ રોગ એક પ્રકારની હેલ્મીન્થોસ્પોરીયમ મેઈડીસ નામની ફૂગથી થાય છે. ચોમાસુ મકાઈ ઉગાડતા વિસ્તારમાં આ રોગ મહદ્અંશે બધે જ જોવા મળે છે.
લક્ષણો
આ રોગમાં છોડના નીચેના પાન ઉપર અનિયમિત આકારના તપખીરિયા રંગના ટપકાં પડે છે. સુકારો મુખ્યતવે પાનની કિનારીથી શરૂ થાય છે. રોગની તીવ્રતા વધતાં સંપૂર્ણપણે પાન સુકાઈ જાય છે. વધુ ભેજ અને ઉષ્ણતાપમાન (૨૦°-૩૨° સેલ્શિયસ) આ રોગને ફેલાવામાં વધુ અનુકુળ આવે છે. આ રોગ પણ પાકના રોગિષ્ટ અવશેષો અને પવન દ્વારા ફેલાય છે અને વધુ પડતા નાઈટ્રોજનયુકત ખાતરોના ઉપયોગથી રોગનું પ્રમાણ વધે છે.
નિયંત્રણ
સમયસર વાવણી એટલે કે પ્રથમ વાવણી લાયક વરસાદ થયેથી પાકની વાવણી કરવાથી આ રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. પાકના રોગિષ્ટ અવશેષોને ખેતર બહાર કાઢી બાળી નાશ કરવો. વાવણી માટે રોગમુકત અને તંદુરસ્ત બીજની પસંદગી કરવી. ચોમાસુ મકાઈ માટે ભલામણ કરેલ અને રોગ પ્રતિકારક શકિત ધરાવતી જાતો વાવેતર માટે પસંદ કરવી. રોગ પ્રતિકારક જાતો જેવી કે GAYMH-1, ગુજરાત મકાઈ-૧, ૨, ૪, ૬, નર્મદા મોતી અને JAWMH-1વાવણીના ઉપયોગમાં લેવી. કાર્બેન્ડાઝીમ અથવા થાયરામ ૨-૩ ગ્રામ/કિલોની બીજ માવજત આપી વાવણી કરવી અને પાક ઉગ્યા બાદ રોગની શરૂઆત જણાય કે તરત અથવા ૩૫ અને ૫૦ દિવસે ટેબુકોનાઝોલ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી દવા ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો.
પાનનાં ટપકાં (કરવુલેરીયા લીફ સ્પોટ)
મકાઈ ઉગાડતા ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં આ રોગ ઓછા વત્તા પ્રમાણમાં જોવા મળતો હોય છે. આ રોગમાં પાન ઉપર શરૂઆતમાં ૧-૨ મિ.મી. ના લાલ-બદામી રંગની અથવા ઘાટા બદામી રંગની કિનારીવાળાં તપખીરિયા રંગના ટપકાં જોવા મળે છે, જેમાં વચ્ચેનો ૧ મિ.મી નો ગોળ થી લંબગોળ ભાગ ભૂખરા રંગનો હોય છે. ટપકાંની ફરતે તપખીરીયા રંગની રીંગ જોવા મળે છે.
નિયંત્રણ
રોગમુકત અને પ્રમાણિત બિયારણ વાવણી માટે પસંદ કરવું. રોગની શરૂઆત જણાય કે તરત જ મેક્નોઝેબ ૨૭ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં દ્વાવણ બનાવી ૧૦ થી ૧૫ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવા. પાકના રોગિષ્ટ અવશેષોને બાળી દેવા. પાકની ફેરબદલી કરવી. મકાઈમાં મેઈડીસ લીફ બ્લાઈટ અને ટર્સીકમ લીફ બ્લાઈટ પાનના સુકારા તથા ક૨વુલેરીયા ફ્રાન્સના ટપકાંના નિયંત્રણ માટે વાવણીના સમયે ટાલ્ક આધારિત ટ્રાઈકોડરમા વીરીડી (૧૦૮ બીજાણુ/ ગ્રામ) ૭ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.ત્યારબાદ ૧૦% ગૌમૂત્ર ૧લિટર/૧૦લિટર પાણી અથવા લીમડાના પાનનો ૧૦% રસ (અર્ક)નો વાવણી બાદ ૩૦,૪૦,૫૦ અને ૬૦ દિવસે છંટકાવ કરવાની ભલામણ છે. જૈવિક ખાતર એઝેટોબેકટર ૨૦ મિલી પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી. જમીનમા પાણી ભરાઈના રહે તેની કાળજી રાખવી.
પાનના બદામી ટપકાં
આ રોગ ફુગથી થાય છે. મકાઈનો પાક જયારે ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે આ ફૂગજન્ય રોગના લક્ષણો છોડ ઉપર જોવા મળે છે. વધુ પડતુ ભેજવાળુ હવામાન તથા ૨૫° થી ૩૦° સેલ્શિયસ ઉષ્ણતામાન આ રોગના ફેલાવા માટે વધુ અનુકૂળ છે. રોગનો ફેલાવો પાકના રોગિષ્ટ અવશેષો અને જમીન મારફ્તે થાય છે.
લક્ષણો
આ રોગથી છોડના પાન, થડ અને ડોડા ઉપરના છોતરા ઉપર અંડાકાર અથવા ગોળપીળાશ પડતા રંગના નાના-નાના ટપકાં જોવા મળે છે. આ ટપકાં સમય જતાં બદામી રંગના થઈ જાય છે. પાનની મધ્ય નસો ઉપર ગોળાકાર બદામી રતાશ પડતા રંગના ટપકાં ઝુમખામાં જોવા મળે છે. થડ ઉપર પણ આવા ડાઘા જોવા મળે છે જેના કારણે ઘણીવાર છોડ ભાંગી જાય છે.
અસરયુકત નિયંત્રણ
પાકના રોગિષ્ટ અવશેષોને એકઠા કરી બાળીને નાશ કરવો. રોગમુકત અને તંદુરસ્ત બીજ વાવવા માટે પસંદ કરવું. વાવતાં પહેલાં બીજને કાર્બેન્ડાઝીમ દવાનો ૨-૩ ગ્રામ/કિલો બીજ પ્રમાણે પટ આપવો. પાકની ફેરબદલી કરવી. રોગની શરૂઆત જણાય કે તરત જ મેક્નોઝેબ દવા ૨૭ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી ૧૦-૧૫ દિવસના અંતરે ૨ થી ૩ છંટકાવ કરવા.
પાછોતરો સુકારો (લેઈટ વિલ્ટ)
આ રોગ એક પ્રકારની જમીનજન્ય ફ્યુઝેરીયમ વર્ટીસીલોઇડ નામની ફૂગથી થાય છે. મકાઈ વાવતા દરેક વિસ્તારમાં વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. રોગ તેના નામ મુજબ પાકની પાછળની અવસ્થાએ એટલે કે ચમરી નીકળ્યા પછી આવે છે.
લક્ષણો
આ રોગમાં રોગિષ્ટ છોડના ટોચના પાન એકાએક ચીમળાવા લાગે છે અને છોડ સુકાવા લાગે છે. છોડ ૨ થી ૩ દિવસમાં સંપૂર્ણ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડનું થડ બદામી રંગનું થઈ પોલુ પડી ચીમળાઈ જાય છે. છોડના થડને ચીરીને જોતાં તે બદામી રંગનું થયેલુ જોવા મળે છે. રોગિષ્ટ છોડના ડોડામાં દાણા બેસતા નથી અને જે થોડા દાણા બેસે તો તે અર્ધવિકસિત અને ચીમળાયેલા હોય છે. એક વખત રોગની શરૂઆત થયા પછી રોગનો ફેલાવો ખુબ જ ઝડપથી કુંડાળાના રૂપમાં જોવા મળે છે.
નિયંત્રણ
વાવણી માટે સારા નિતારવાળી જમીન પસંદ કરવી. સેન્દ્રિય ખાતરનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરવો. તંદુરસ્ત અને રોગમુકત બીજનો વાવવા માટે ઉપયોગ કરવો. એક કિલો બીજ દીઠ ૩૦ ગ્રામ કાર્બોસલ્ફાન ૨૫ એસડીની માવજત આપવી. જમીનનું તાપમાન નીચું રહે તે માટે પિયતનો ગાળો ટૂંકો રાખવાથી રોગમાં ઘટાડો થાય છે. વાવતાં પહેલા ચાસમાં કાર્બોફ્યુરાન 3G ૧૨ કિ.ગ્રા. પ્રતિ હેકટર અથવા લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેકટરે નાખવાથી આ રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
તળછારો (ડાઉની મિલ્હયુ)
આ રોગ પેરાનોસ્કલેરોસ્પોરા સોરઘી નામની ફૂગથી થાય છે. ચોમાસુ મકાઈમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. જમીનમાં વધારે પડતો ભેજ અને જમીનનુ તાપમાન ૨૮° થી ૩૨° સેલ્શિયસ હોય ત્યારે આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે.
લક્ષણો
આ રોગની શરૂઆતમાં નીચેના પાન ઉપરથી નસો સાંકડી પીળાશ પડતી બદામી રંગની અને પાનને સમાંતર પટ્ટીઓના રૂપમાં દેખાય છે. જે પાછળથી ભૂખરા લીલાશ પડતા રંગની થઈ જાય છે. રોગ નીચેના પાનથી છોડના ટોચ તરફ આગળ વધે છે. રોગની તીવ્રતા વધતાં રોગિષ્ટ છોડના બધા જ પાન સુકાઈ જાય છે. અને આખો છોડ બળી ગયેલો હોય તેવો દેખાય છે. રોગિષ્ટ છોડ ઉપર ડોડા બેસતા નથી જેથી ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.
નિયંત્રણ
પાકની વાવણી પ્રથમ વાવણી લાયક વરસાદ થયે કરવી. રોગિષ્ટ છોડના અવશેષો એકઠા કરી બાળીને નાશ કરવો. રોગમુકત અને તંદુરસ્ત બીજ વાવણી માટે પસંદ કરવુ. રોગ પ્રતિકારક જાતો જેવી કે GAWMH-2, ગુજરાત મકાઈ-૨, ૩, ૪, ૬, નર્મદા મોતી, GAYMH-1, 3 અને HQPM-1 વાવવી. વાવતાં પહેલા બીજને એપ્રોન ૩૫ એસડી (૭ ગ્રામ/કિલો બીજ) દવાનો પટ આપવો. રોગની શરૂઆત જણાય કે તરત જ મેટાલેશીલ (૪૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) દવાનો ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૨ થી ૩ વખત છંટકાવ કરવો. જૈવિક ખાતર એઝેટોબેકટર ૨૦ મિલી પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી. જમીનમા પાણી ભરાઈ ના રહે તેની કાળજી રાખવી.
સૌજન્ય :
અલ્પેશકુમાર બારડ, લાલજી ગેડિયા, એચ.બી. સોડાવાડિયા, આણંદ કૃષિ યુનીવર્સીટી, આણંદ
ડૉ એસ. કે. સિંઘ,અને ડૉ. એમ. બી. પટેલ
મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, ગોધરા
એગ્રો સંદેશ
0 Comments