કાજુ એ મૂળ પૂર્વિય બ્રાઝીલ વિસ્તારનું ઝાડ છે. અંદાજે પાંચસો વર્ષ પહેલા પોર્ટુગીઝો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યું હતું. કાજુનું વાવેતર પ્રથમ ગોવા ખાતે થયા બાદ દેશના અન્ય વિસ્તારોમાં તેનો ફેલાવો થયો છે. કાજુના વાવેતરનો પ્રાથમિક હેતુ જંગલી ઝાડ તરીકે જમીન ધોવાણ અટકાવવા માટેનો હતો પરંતુ કાજુ બીજ, કાજુ ફળ અને કાજુની અન્ય બનાવટોનું ઘણું વ્યાપારીક મહત્વ જોતા સને ૧૯૬૦ ના શરૂઆતના દશકામાં તેનું વ્યાપારીક ધોરણે ચલણ વધ્યું, પરંતુ ત્યારે માત્ર પડતર જમીનો અને જંગલોમાં જ તેનું વાવેતર કરવામાં આવતું હતું.
ભારતમાંથી નિકાસ થતાં કૃષિ-બાગાયતી ઉત્પાદનો પૈકી કાજુનો ક્રમાંક બીજો આવે છે અને વર્ષ ૨૦૧૪-૧૫ દરમ્યાન ૧,૧૮,૯૫ર મેટ્રીક ટન કાજુના નિકાસ દ્વારા ભારતે રૂા.૫,૪૩૨.૮૫ કરોડનું વિદેશી હુંડીયામણ મેળવેલ છે જેમાં વિશ્વના દેશો જેવા કે અમેરિકા, નેધરલેન્ડ, ઈગ્લેંડ, જાપાન, યુનાઈટેડ આરબ અમિરાત, ફ્રાંસ, રીપબ્લીક કોરીયા, સાઉદી અરેબીયા, જર્મની, બેલજીયમ અને સ્પેન એ ભારતના કાજુના આંતરરાષ્ટ્રીય મુખ્ય ખરીદદારો છે.
વિશ્વમાં કાજુના પાકનો સહુથી વધુ વિસ્તાર ધરાવતો દેશ ભારત છે. જયાં મુખ્યત્વે ડુંગરાળ વિસ્તારોમાં તેનું વાવેતર થાય છે. ભારત દેશમાં મુખ્યત્વે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં તેમજ તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના પૂર્વ ભાગોમાં તેનું વાવેતર થાય છે. છત્તિસગઢ, ગુજરાત, ઉત્તર પુર્વિય રાજયો અને અંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ મર્યાદિત વિસ્તારમાં તેનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં વલસાડ જીલ્લાના ધરમપુર, કપરાડા તાલુકા, ડાંગ જીલ્લો તેમજ સેલવાસ અને દમણમાં કાજુની ખેતી કરવામાં આવે છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો કાજુની વાડીઓ બનાવી આવક મેળવતા થયા છે. કાજુના પ્રોસેસીંગ યુનિટને સરકાર દ્વારા પ્રોત્સાહન આપતા દક્ષિણ ગુજરાતમાં કાજુ ઉછેરતા બધા તાલુકાઓમાં પ્રોસેસીંગ એકમો કાર્યરત છે.
કાજુનો પાક તેની લણણી પછીની માવજતોથી રોજગારીની તકો ઉભી કરી ગ્રામ્ય કક્ષાએ ત્રણ લાખ કરતાં વધુ વ્યકિતઓને રોજગારી આપે છે જેમાં લગભગ ૯૫ ટકા ગ્રામ્ય મહિલાઓનો સમાવેશ થાય છે. કાજુનો ઉપયોગ છુટા ખાવા ઉપરાંત બીસ્કીટ, નાનખટાઈ જેવી બનાવટોમાં પણ થાય છે. કાજુના ઉપરના કોચલા (શેલ)માં ઉચ્ચ ગુણવત્તાવાળું તેલ મળે છે જે કેશ્યનટ શેલ લીકવીડ (CNSL) તરીકે ઓળખાય છે, જેનો ઉધોગોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કાજુ ફળને કેશ્ય એપલ કહે છે, જેને એકલું ખાવા ઉપરાંત અથવા અન્ય ફળો સાથે પણ સલાડ બનાવીને ખાઈ શકાય છે અને તેના રસમાંથી જુદી જુદી બનાવટો પણ બનાવી શકાય છે.
કાજુની ખેતીને અનુકૂળ આબોહવા
કાજુ મુખ્યત્વે ઉષ્ણકટીબંધનો પાક હોઈ તે હુંફાળા તેમજ ભેજવાળા વાતાવરણમાં સારી રીતે ઉછરી શકે છે. તે મજબુત અને ભેજની અછત સામે ટકી રહે છે પરંતુ ઝાકળ, ધુમ્મસ તથા હિમથી તેને નુકશાન થાય છે. કાજુ એ સૂર્ય પ્રકાશને પસંદ કરતો પાક હોઈ તેના ઉછેર દરમ્યાન વધુ પડતો છાંયો અનુકુળ નથી. ટૂંકાગાળાનું ૩૬° સે. સુધીનું તાપમાન સહન કરી શકે છે પરંતુ તેના સારા ઉછેર માટે ૨૪℃ થી ૨૮℃ સુધીનું તાપમાન ખુબ જ ફાયદાકારક છે. ફુલ આવવાના સમયે અને ફળ ધારણ સમયે સુકું વાતાવરણ વધુ ઉત્પાદન આપે છે. ફુલ ધારણ અને વિકાસ સમયે ઉચુ તાપમાન (૩૯℃ - 42℃) ફળનું ખરણ વધારે છે. વાર્ષિક ૬૦૦ થી ૪૫૦૦ મી.મી. વરસાદવાળો વિસ્તાર કાજુના વાવેતર માટે અનુકુળ છે.
કાજુની ખેતીને અનુકૂળ જમીન
કાજુના પાકને સારી નિતારવાળી બેસર ગોરાડુ, ફળદ્રુપ જમીન અને લાલ ડુંગરાળ જમીન માફક આવે છે. કાજુ એક મજબુત ઝાડ હોઈ તે ભારે કાળી, પાણી ભરાતી અને ક્ષારીય જમીન સિવાય લગભગ દરેક પ્રકારની જમીનમાં ઉછરી શકે છે. સારી નિતાર શકિતવાળી લાલ, રેતાળ અને મોરમ વાળી જમીન કાજુના વિકાસ અને સારા ઉત્પાદન માટે સાનુકુળ છે.
કાજુની ખેતીમાં યોગ્ય જાતો
કાજુની ખેતીમાં જે તે વિસ્તાર માટે કાજુની યોગ્ય જાતો અને તેની તાંત્રીકતાની જાણ એ કાજુના ઉત્પાદનમાં ખુબ જ મહત્વ ધરાવે છે. ભારતમાં જેના કાજુની નિકાસ યોગ્ય મળે છે તેવી ત્રીસ કરતાં વધુ જાતો બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત રાજય માટે હાલમાં મહારાષ્ટ્રમાંથી બહાર પાડવામાં આવેલ વેન્ગર્લા-૪ અને વેન્ગર્લા-૭ જાતો કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, પરીયા દ્વારા ભલામણ થયેલ છે. તેની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા બીજી જાતો કરતાં સારી છે. આ જાતોમાં કાજુ નટસનું કદ મધ્યમ અને ર૫ ટકા જેટલી રીકવરી મળે છે અને કાજુના નટસ એકસપોર્ટ કવોલીટીનાં મળી રહે છે.
કાજુના છોડની પ્રસર્જનની રીત
કાજુમાં ખુબ જ સરસ એવી વાનસ્પતિક પ્રસર્જનની વિવિધ રીતો જેમ કે ગુટી કલમ, કટકા કલમ, આંખ કલમ અને નૂતન કલમ કરવામાં આવે છે, જે પૈકી નૂતન કલમ પધ્ધતિ વ્યાપારીક દ્રષ્ટિએ સૈાથી અનુકુળ માલુમ પડેલ છે.
કાજુની ખેતીમાં વાવેતર અંતર
કાજુની ખેતીમાં વાવેતર અંતર માટે સામાન્ય ભલામણ ૭ મીટર × ૭ મીટર થી ૮ મીટર × ૮ મીટર ની છે. પરંતુ જમીનની પ્રત તેમજ માજવતકીય આવડત ધ્યાને લઈ ૪ મીટર × ૪ મીટરનું ઘનિષ્ઠ વાવેતર અંતર પણ રાખી શકાય છે. વાવેતરના શરૂઆતના વર્ષોમાં ઉપલબ્ધ જમીનનો મહત્તમ ઉપયોગ કરવા માટે પ્રતિ હેકટર ૬૨૫ છોડ ૪ મીટર × ૪ મીટરના ઘનિષ્ઠ વાવેતર અંતરે રોપવા જોઈએ. અન્ય ઘનિષ્ઠ વાવેતર અંતરોમાં પ મીટર × ૫ મીટર અથવા ૬ મીટર × ૪ મીટરનો પણ ઉપયોગ કરી શકાય છે. ઘનિષ્ઠ વાવેતરમાં છંટણી અને કેળવણી દ્વારા વધુ ઉત્પાદન લાંબા સમય સુધી લઈ શકાય છે.
કાજુની ખેતીમાં સેન્દ્રિય અને રાસાયણીક ખાતરની જરૂરીયાત
કાજુના ઝાડને જરૂરી પોષણ મળી રહે તથા ઝાડની વૃધ્ધિ, વિકાસ તેમજ ગુણવત્તા સભર ઉત્પાદન મેળવવા માટે સેન્દ્રિય (છાણિયું) ખાતર ખુબ જ જરૂરી છે અને પ્રમાણસર રાસાયણીક ખાતરની પૂર્તિ કરવાથી કાજુના છોડનો વિકાસ સારો થાય છે અને નવા વાવેતરના શરૂઆતના વર્ષમાં ફુલ આવવાની શરૂઆત વહેલી થાય છે. આ માટે છોડ દીઠ ૧૦ થી ૧૫ કિલો ગ્રામ સારી જાતનું કોહવાયેલું છાણીયું ખાતર આપવું જોઈએ. તદ્દઉપરાંત પ્રતિ હેકટરે ભલામણ કરેલ રાસાયણીક ખાતર નીચે કોષ્ટકમાં જણાવ્યા મુજબ આપવું. પાંચ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના ઝાડને પ્રતિ ઝાડ ૭૫૦ ગ્રામ નાઈટ્રોજન, ૧૫૦ ગ્રામ ફોસ્ફરસ અને ૧૫૦ ગ્રામ પોટાશ આપવાની જરૂરીયાત રહે છે. રાસાયણીક ખાતર આપવાનો યોગ્ય સમય ચોમાસું પૂર્ણ થયા બાદ તુરંતનો છે. નાઈટ્રોજન યુકત ખાતરનો જથ્થો બે સરખા હપ્તામાં જુન તથા ઓકટોબર માસમાં આપવો હિતાવહ છે.
કાજુની ખેતીમાં નિંદામણ
કાજુના ઝાડના યોગ્ય વિકાસ માટે થડની આજુબાજુ બે મીટર સુધીનો વિસ્તાર હાથથી નિંદામણ મુકત રાખવો જરૂરી છે. રાસાયણીક રીતે નિંદામણ દૂર કરવા માટે ગ્લાયફોસેટ ૬ થી ૭ મી.લી. પ્રતિ લીટર પાણી એટલે કે ૦.૮ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેકટર નો છંટકાવ કરી શકાય છે.
કાજુના છોડની કેળવણી અને છંટણી
કાજુમાં લાંબા સમય સુધી વ્યવસ્થિત ઉત્પાદન લેવા તથા નિયંત્રીત વિકાસ તેમજ ખેત કાર્યો સારી રીતે કરવા કેળવણી અને છંટણી ઘણી જ અગત્યની છે. પ્રથમ વર્ષ દરમ્યાન કાજુના મુળકાંડ ઉપરથી એટલે કે કલમના સાંધાની નીચેના ભાગથી નીકળતી નવી ફુટ સમયાંતરે દુર કરતા રહેવું ખુબજ જરૂરી છે. શરૂઆતની ડાળીઓ જમીનની સપાટીથી ૨ ફુટ ઉંચાઈ પછી દરેક દિશામાં ફેલાય તેવું સમતોલ માળખું વિકસાવવું. કાજુના છોડના વિકાસના જુદા જુદા તબક્કા જરૂરીયાત મુજબ યોગ્ય પ્રમાણમાં છટણી કરવી જરૂરી છે. પુખ્ત વયના ઝાડમાં ફળની લણણી બાદ નબળી, સુકાઈ ગયેલી, રોગીષ્ઠ, ખેતકાર્યોમાં નડતરરૂપ તથા એકબીજા ઝાડને અડતી ડાળીઓ દુર કરવી. છટણી કર્યા બાદ કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ લગાવવું હિતાવહ છે.
કાજુની ખેતીમાં પિયત
ભારતમાં કાજુ મુખ્યત્વે વરસાદ આધારીત ખેતીમાં ઉગાડવામાંઆવે છે તેમ છતાં પાક બચાવવા માટે ખાસ કરીને જાન્યુઆરી થી માર્ચ માસ દરમ્યાન ઉનાળામાં પંદર દિવસના અંતરે ૨૦૦ લીટર ઝાડ દીઠ પાણી આપવાથી ફળ બેસાણ, ફળ ધારણ અને અંતે ફળ ઉત્પાદનમાં વધારો મળી શકે છે.
કાજુની ખેતીમાં આંતરપાકો
કાજુની ખેતીમાં આંતરપાકોનું ઘણું ઓછું મહત્વ અંકાયેલ છે. પરંતુ જમીનની પ્રત અને સ્થાનિક વાતાવરણ ધ્યાનમાં રાખી શરૂઆતના વર્ષોમાં કાજુની બે હાર વચ્ચે રહેલી ખાલી જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ૩ થી ૪ વર્ષ સુધી આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાકો જેવા કે ચોળી, તુવર, અડદ અને તેલીબીયાના પાકો જેવા કે મગફળી, ખરસાણી વિગેરે લઈ શકાય છે. ફળપાકોમાં કેળ અને પાઈનેપલ જેવા ટુંકાગાળાના પાકો પણ લઈ શકાય છે. આ સિવાય શાકભાજીના પાકો, અન્ય ટુંકાગાળાના પાકો સહિત આદુ કે હળદર વિગેરે પણ લઈ શકાય છે. એકવાર જયારે ઝાડ પુખ્ત અને મોટું થઈ જાય ત્યારે મરી જેવો છાંયાનો પાક પણ આંતરપાક તરીકે લઈ શકાય છે. આમ કાજુમાં આંતરપાક લેવાથી વધારાની આવક મેળવી શકાય છે.
કાજુની ખેતીમાં પાક સંરક્ષણ
કાજુનું ખેતીમાં નુકશાન કરતી જીવાત
1. ટીમોસ્કીટોબગ
કાજુના ઝાડમાં ઓકટોબર નવેમ્બર માસમાં ફુલ આવવાના સમયે લાલ રંગની મચ્છર જેવી જીવાત જોવા મળે છે. જે પુષ્પવિન્યાસની દાંડી, કુમળા ફુલ તેમજ કુમળા કાજુમાંથી રસ ચૂસે છે જેથી ઝાંખા કાળા ડાધ પડે છે. વધુ ઉપદ્રવ હોય તો ડાળી સુકાય જાય છે, જેથી ઉત્પાદન પર માઠી અસર પડે છે. આ જીવાતના નિયંત્રણ માટે પ્રથમ છંટકાવ નવી ફુટ આવે ત્યારે (નવેમ્બર-ડીસેમ્બર ) લેમડા સાયહેલોથ્રીન ૫ ઈ.સી. ૬ મી.લી./૧૦ લી. પાણી મુજબ, જયારે બીજો છંટકાવ એસીટામીપ્રીડ ૨૦ એ.સ.પી. ગ્રામ/૧૦ લી.પાણી મુજબ ફુલ આવવાના સમયે (ડીસેમ્બર– જાન્યુઆરી) અને જો જરૂર જણાય તો ત્રીજો છંટકાવ ફળ બેસવાના સમયે (ફેબ્રુઆરી-માર્ચ) લેમડા સાયહેલોથ્રીન ૫ ઈ.સી. ૬ મી.લી./પ્રતિ ૧૦ લીટર પાણી મુજબ અથવા પ્રોફેનોફોસ ૨૦ ઈ.સી. ૧૦ મી.લી./૧ લીટર પાણી મુજબ છંટકાવ કરવો.
2. થડ અને મૂળ કોરી ખાનાર કીડો
આ જીવાતનો પૂર્નો કીડો કાળા રંગનો હોય છે. તે કાજુના ઝાડની તીરાડોમાં ઈંડા મુકે છે અને ઈંડામાંથી નિકળેલી ઈયળો કાજુના ઝાડના થડને ઉડે સુધી કોરી ખોરાક મેળવે છે. આ રીતે લાંબા સમય સુધી થડ કોરવાથી જે જગ્યાએ આ જીવાત ઝાડના અંદરના ભાગે હોય ત્યાંથી ગુંદર જેવો ચીકણો પદાર્થ બહાર નીકળે છે અને આખું ઝાડ સુકાઈ જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે થડમાંથી કીડાને શોધી બહાર કાઢી તેનો નાશ કરવો. અસર વાળા ભાગની છાલ કાઢી જીવાતે બનાવેલ બોગદામાં ઝાડ દિઠ ૧૦ ગ્રામ દાણાદાર ફોરેટ દવા મુકવી. ઉપદ્રવથી નાશ પામેલ સુકા ઝાડ અથવા ડાળીઓ તુરંત જ કાપી નાંખવી. જો કીટક વધારે કોરાણ કરી ઉંડે ઉતરી ગયેલ હોય તો પ્રકાંડ ના કાંણા માં ડી.ડી.વી.પી. દવામાં બોળેલ રૂ નું પુમડું અથવા એલ્યુમીનીયમ ફોસફાઈડની એકટીકડી દાખલ કરી ભીની માટીથી કાણું બંધ કરી દેવું.
કાજુની ખેતીમાં આવતા રોગો
કુલનો સુકારો, ડાળીનો સુકારો અને એક્વેકનોઝ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં કાજુના પાકમાં આ રોગો જોવા મળતા નથી પરંતુ જો ઉપરોકત રોગ જોવા મળે તો તેના નિયંત્રણ માટે સમયસર કોપર ઓકઝીકલોરાઈડ, બોર્ડોકસ મીક્ષર ૧%, ડાયેથાન–એમ-૪૫ ૦.૨% જેવી દવાનો છંટકાવ કરવો.
કાજુની ખેતીમાં લણણી અને ઉત્પાદન :
છોડના વ્યવસ્થિત વાનસ્પતિક વિકાસ અને ઘાટ મેળવવા માટે વાવેતરના પ્રથમ અને બીજા વર્ષ દરમ્યાન છોડ પર આવતા ફુલો દુર કરવા જરૂરી છે. આર્થિક ઉત્પાદન ત્રીજા કે ચોથા વર્ષથી મેળવી શકાય છે. પાકા ફળો આપ મેળે જ ઝાડ પરથી જમીન પર ખરી પડે ત્યારબાદ કાજુના ફળમાંથી કાજુના બીજ દૂર કરીને બે-ત્રણ દિવસ સુર્યપ્રકાશમાં સુકવવા. સુકવણી બાદ કાજુના બીજને સંગ્રહ માટે શણના કોથળા/બારદાનમાં ભરવા. ત્રીજા કે ચોથા વર્ષથી પ્રતિ ઝાડ ૧ કિ.ગ્રા. કાજુના બીજનું ઉત્પાદન મળી શકે છે. ત્યારબાદ માવજતને આધારીત ૮ થી ૧૦ વર્ષના ઝાડ પરથી ૧૦ થી ૨૦ કિ.ગ્રા. જેટલા કાજુના બીજ મળી રહે છે. જો કાજુના ફળનું મુલ્ય વર્ધન કરવાનું હોય તો પાકા ફળોને ઝાડ પરથી જ ઉતારી લેવા હિતાવહ છે જેથી જમીન પર પટકાઈને ખરાબ ન થતાં સારી ગુણવત્તાવાળુ મુલ્ય વર્ધન થઈ શકે.
0 Comments