બિહારના ઓરંગાબાદ જિલ્લાના નવીનગરમાં આવેલા ખેડૂત અમરેશસિંહે દાવો કર્યો હતો કે નવીનગરમાં આશરે 85 હજાર રૂપિયા કિલોના ભાવે વેચાતી શાકભાજી હોપ શુટ્સની ખેતી કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારે નવભારત ટાઈમ્સે સ્થળ પર જઈને આની તપાસ કરી ત્યારે ખેડૂત અમરેશસિંહનો દાવો ખોટો સાબિત થયો.
હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી દેશની તમામ મીડિયા ચેનલોમાં હોપ શુટ્સની ખેતીના વાયુ વેગે છપાઈ રહ્યા છે જેના કારણે ખેડૂત અમરેશ સિંહ ચર્ચામાં આવ્યા છે પરંતુ જ્યારે નવભારત ટાઈમ્સના પ્રતિનિધિ હોપ શુટ્સની ખેતીની પૂછપરછ માટે તેના ગામ કરમડિહ ગયા ત્યારે તેમના પુત્ર શુભમસિંહે કહ્યું કે આ ગામમાં હોપ શુટ્સની ખેતી થતી જ નથી અને આ વિસ્તારના ચોમાસા મુજબ અહીં તેની ખેતી શક્ય જ નથી.
આખા ઓરંગાબાદ જિલ્લામાં ક્યાંય પણ હોપ શુટ્સની ખેતી થતી નથી : ખેડૂતનો પુત્ર
જ્યારે ખેડૂત અમરેશસિંહના પુત્ર શુભમને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે આવી (હોપ શુટ્સની) ખેતી અહીં થઈ જ નથી. આ સમાચાર ખોટા છે. આખા ઓરંગાબાદ જિલ્લામાં ક્યાંય પણ હોપ શુટ્સની ખેતી થતી નથી. આ જ સમયે અમરેશના પિતાએ કહ્યું કે તેમણે આ છોડને ક્યારેય જોયો જ નથી અને ન તો અહીં ક્યારેય ઉગાડવામાં આવ્યો છે.
ખેડૂત જેને હોપ શુટ્સ કહેતો એ મેન્થાનો છોડ નીકળ્યો
એક ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખેડૂત અમરેશસિંહ ખેતરમાં બેઠો છે. ખેડૂત અમરેશસિંહ દાવો કરે છે કે તે હોપ શુટ્સની ખેતી છે. જ્યારે વાયરલ ફોટોની નજીકથી તપાસ કરવામાં આવી ત્યારે ફોટો પણ ખોટો સાબિત થયો. ખેડૂત અમરેશસિંહ જેને હોપ શુટ્સની ખેતી કહેતો હતો તે ખરેખર મેન્થાનું વાવેતર છે.
બિહારમાં હોપ શુટ્સની ખેતી શક્ય નથી : કૃષિ વૈજ્ઞાનિક
જ્યારે કૃષિ વૈજ્ઞાનિક નિત્યાનંદ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટપણે તેને ખોટું ગણાવ્યું અને કહ્યું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. બિહારમાં હોપ શુટ્સની ખેતી શક્ય નથી. તે ઠંડા પ્રદેશનો છોડ છે જ્યાં તાપમાન 10-12 ડિગ્રીથી નીચે હોય છે. ઓરંગાબાદમાં તાપમાન હોપ શુટ્સની ખેતીને અનુકૂળ નથી. આવી સ્થિતિમાં અહીં તેની ખેતીની વાત સંપૂર્ણ ખોટી છે.
0 Comments