જામફળની ખેતીમાં સફળતા મેળવતા સુરેશભાઈ પટેલ

જામફળની ખેતીમાં સફળ થયેલા ખેડૂત
SOURCE : INTERNET

બાલાસિનોર તાલુકાના રાજપુર ગામના સુરેશભાઇ પુંજાભાઈ પટેલ અને ભાવેશભાઇ પુંજાભાઈ પટેલ તેમની થાઈલેન્ડ વેરાઇટીના સ્પે. મોટા, વજનદાર અને ટેસ્ટી જામફળ ઉપરાંત સફળ બાગાયતી ખેતી માટે સમગ્ર પંથકમાં જાણીતા બન્યા છે. થાઈલેન્ડ જામફળ, દેશી લાલ જામફળ, સિડલેસ લીંબુ, ડ્રેગનફ્રુટ અને ઓઈલપામની સફળ બાગાયતી ખેતીની સાથે સાથે જળસંચયની મહત્વતા સમજી સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરી પોતાની તમામ જમીનમાં ડ્રીપ ઇરિગેશન કરી કૃષિ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ અને માર્ગદર્શન મેળવી આધુનિક ખેતીનો નવીન ચીલો ચાતર્યો છે.


પ્રારંભમાં પોતાની જમીનમાં કયા ફળપાક અનુકૂળ આવે છે તે ચકાસવા ચીકુ, અમેરિકન મોસંબી, ખજૂર, જામફળ વિવિધ ફળ છોડ રોપ્યાં જેમાં જામફળની વિશેષ અનુકૂળતા જણાતા સુરેશભાઇ અને ભાવેશભાઈએ  પોતાની જમીનમાં થાઈલેન્ડ અને ભારતની મિશ્ર પ્રજાતિના જામફળની નવી વેરાઈટીના ચાર હજાર રોપાનું નવ એકરમાં વાવેતર કર્યુ હતુ આ ઉપરાંત તેમણે લલિત વેરાઇટીના લાલ જામફળ ચાર હજાર તેમજ ભાવનગર દેશી લાલ ૨૨૫૦ રોપા અને સિડલેસ લીંબુ  છ એકરમાં ૨૭૦૦ રોપાનું  તેમજ આ વર્ષ નવીન ડ્રેગનફ્રુટના એક એકરમાં ૨૨૦૦ જેટલા રોપા અને પામ ઓઇલના ૬૦૦ જેટલા રોપાનું વાવેતર કર્યું છે. વાવેતરમાં મહીસાગર જિલ્લાના બાગાયતી વિભાગના અધિકારી સલાહ સુચન અને માર્ગદર્શન મેળવી સરકારની યોજનાઓ અને કૃષિ  વૈજ્ઞાનિકોની  ભલામણોના આધારે આ નવતર ખેતી માટે સાહસ ખેડયું હતું.

જામફળની ખેતીમાં સફળ ખેડૂત

ઉપરાંત તેમણે બાગાયત વિભાગ તરફથી બે લાખ ઉપરાંતની સબસિડી સહાય પણ આપવામાં આવી હતી. જામફળમાં ત્રીજા વર્ષે તેના પર ફળ આવવાનું શરૂ થયું હતું. હાલમાં ત્રણે વેરાઇટીમાં ફળ આવવાનું શરૂ છે. હાલમાં તેઓ ખર્ચ કાઢતાં વાર્ષિક દસથી પંદર લાખ જેટલી આવક રળી લે છે.


જામફળની ખેતી અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, થાઈલેન્ડના આ જામફળની ખેતી સામાન્ય જામફળની ખેતી કરતા અલગ છે કારણ કે એક જામફળ અંદાજે ૧ કિલોગ્રામની આસપાસનું હોય છે. તેને તોડ્યા પછી દસ બાર દિવસ સુધી ક્વોલિટી જળવાઈ રહે છે અને  સફરજન જેટલી પૌષ્ટિકતા ધરાવે છે. તો દેશી વેરાયટીના લલિત જામફળ જે અંદર લાલ હોય છે તેની સાઇઝ નાની હોય છે થાઈલેન્ડ જામફળ કરતાં તેના ભાવ અડધા હોય છે અને તોડ્યા પછી ઓછા ટકાઉ હોય છે.


સિડલેસ લીંબુ પણ એક ડાળી પર દસ-પંદર લાગતાં હોય છે તેનો પણ સારો ઉતારો આવે છે તેમાં સિઝન પ્રમાણે ભાવ બદલાતા રહેતા હોય છે. સૌથી મોટી ખાસિયત એ છે કે હાલ સિઝનમાં તેને વેચવા અમારે ક્યાય જવું પડતું નથી વાડી બેઠા જ વેપારીઓ લઈ જાય છે. વધુમાં ખેતીમાં માવજત અંગે જણાવ્યું હતું કે દરેક છોડને ખાતર, પાણી, ફેન્સીંગ અને ડ્રીપ ઇરિગેશન કરવા પાછળ અંદાજે લાખ રૂપિયા જેટલો ખર્ચો કરવામાં આવ્યો છે અને પાકની સાચવણી માટે પ્લાસ્ટિક, કાગળ અને ફોંગ (જાળી) દરેક ફળને પહેરાવવામાં આવે છે. જેને કારણે આ જામફળ લગભગ બે અઠવાડિયા સુધી જાળવી શકાય છે. વળી આ જામફળમાં બીયાનું પ્રમાણ પણ ઓછું હોવાથી ખાવામાં પણ સરળતા રહે છે. આ ઉપરાંત આ તમામ ખેતીમાં આંતરપાક કરી ખર્ચના નાણાં તો તેમાંથી જ મેળવી શકાય છે.

જામફળની ખેતીમાં સફળ ખેડૂત
SOURCE : INTERNET


આ વર્ષે ડ્રેગનફ્રૂટ અને ઓઈલપામનું વાવેતર કર્યું છે ભાવેશભાઈ જણાવે છે કે બે હેક્ટરમાં ઓઇલ પામના વાવેતરમાં સરકાર દ્વારા સબસિડી પણ મળી છે અને તેનો પ્રતિ કિલોગ્રામ ભાવનું બાંધણું પણ કરવામાં આવ્યું છે. દિવેલા સુંઢિયું જેવો આંતરપાક પણ લઈ શકાય છે.


વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતાં સફળ ખેડૂત સુરેશભાઈનું કહેવુ છે કે, આગામી સમયમાં જ્યારે ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે તેથી ખેડૂતો હવે હાઈટેક પદ્ધતિથી ખેતી કરતા શરૂ થાય તો સારી એવી આવક મેળવી ગુજરાન ચલાવા સાથે સારી એવી કમાણી પણ સારી થઈ શકે છે. જ્યારે આપણા પ્રધાનમંત્રી ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સેવી રહ્યા છે અને કૃષિ વિભાગ વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન સાથે સબસીડી આપી સહાયરૂપ બને છે.


બાગયતી ખેતીનું શ્રેષ્ઠ ઉદાહરણ 

બાલાસિનોરમાં સુરેશભાઇ પટેલે વિવિધ ફળોની બાગયતી ખેતી કરી વર્ષે લાખોની કમાણી ઉભી કરી છે ત્યારે મહિસાગર જિલ્લાના ખેડૂતોમાં નફાકારક ખેતી કરવા પ્રેરણાદાયક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.


કયા કયા ફળોની ખેતી કરવામાં આવે છે?

જે ફળોની ખેતી કરવામાં આવે છે. તેમાં થાઇલેન્ડ જામફળ, દેશી લાલ જામફળ, સીડલેશ લીંબુ,  ડ્રેગનફ્રૂટ, ઓઇલપામનો સમાવેશ થાય છે.


ખેતી અને પશુપાલનની માહિતી કોઈપણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા વગર પર્સનલ મેસેજથી મેળવવા માટે 7990263411 પર તમારું અને જિલ્લાનું નામ લખીને વોટ્સએપ પર મેસેજ કરો.

Post a Comment

0 Comments