પપૈયા વિદેશમાં સારી માંગ ધરાવતો ટૂંકા ગાળાનો પાક

ભારતમાં થતા ફળ પાકોમાં પપૈયાનો પાક ખૂબ જ અગત્યનો પાક છે. આપણા દેશમાં મૂળ ઉષ્ણ કટિબંધનો આ પાક સમશીતોષ્ણ કટિબંધના મોટાભાગના વિસ્તારોમાં થાય છે. આ પાકના ફળો ખાવામાં ખૂબ સારાં, મધુર અને મીઠાં તેમજ આરોગ્ય અને શક્તિવર્ધક હોવાથી વિદેશમાં પણ એની સારી માંગ રહે છે અને તેની નિકાસ થાય છે. આ ફળ પાક ટૂંકા ગાળામાં વધારે ઉત્પાદન આપી વધુ આર્થિક વળતર રળી આપતો હોવાથી ગુજરાતમાં પણ ઘણા વિસ્તારમાં આ પાકનું વાવેતર કરવામાં આવે છે.

પપૈયાની ખેતીની કેવી રીતે કરવી.
SOURCE : INTERNET

કેવી જમીનમાં રોપણી કરવી?

સામાન્ય રીતે પપૈયાનું વાવેતર ચોમાસામાં જુલાઈથી સપ્ટેમ્બર માસમાં કરવામાં આવે છે. પપૈયાને વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક ઘણું વધુ ઉત્પાદન આપતો હોવાથી તેને ફળદ્રુપ, સારા નિતારવાળી અને વધારે સેંદ્રિય તત્વ ધરાવતી જમીનની જરૂરિયાત રહે છે. ગોરાડુ, બેસર અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. પપૈયાનાં મૂળ પાણી ભરાઈ રહેવા સામે પ્રતિકારક ન હોવાથી ભારે કાળી, ચીકણી કે નબળા નિતારવાળી જમીનમાં થડના કોહવારાના રોગનો ભય રહે છે. તેથી આવી જમીન પપૈયાની ખેતી માટે પસંદ કરવી નહીં. સૌરાષ્ટ્ર જેવા ગરમ હવામાનવાળા વિસ્તારમાં ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચમાં ધરૂઉછેર કરીએ ત્યારે પિયતની સગવડ હોય ત્યાં મે-જૂનમાં ફેરરોપણી કરવામાં આવે છે, જેથી રોગ-જીવાત સામે રક્ષણ મળે અને વધુ ઉત્પાદન મળી શકે.


પપૈયાને કેવું હવામાન જોઈએ?

પપૈયાંને સૂકું હવામાન માફક આવે છે. આ પાક વધુ પડતી ઠંડી તેમજ ખૂબ વરસાદ સહન કરી શકતો નથી. પપૈયાનો પાક ઉષ્ણ તેમજ સમશિતોષ્ણ કટિબંધના ગરમ અને ભેજવાળા હવામાનમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. ભારે પવનથી છોડને નુકસાન થવાની શક્યતા રહે છે.


સંવર્ધન

પપૈયાંની ખેતી માટે બીજથી છોડ તૈયાર કરવામાં આવે છે. પાક પરંપરાગત હોવાના કારણે શુદ્ધ બીજ જાતે ઉત્પન્ન કરી લેવું જોઈએ. પસંદ કરેલા ફળોનું બીજ એકઠું કરી, રાખમાં ભેળવી સવારે સૂર્યના તાપમાં સૂકવવું. બીજને પારાયુક્ત દવાનો પટ આપવો અને હવાચુસ્ત ડબ્બામાં ભરી સંગ્રહ કરવો. એક જ માસમાં બીજનો વાવેતરમાં ઉપયોગ કરી લેવો. બીજની સ્ફુરણશક્તિ લાંબો સમય જાળવી રાખવી હોય તો 10℃ ઉષ્ણતામાને સંગ્રહ કરવો.


ધરૂ તૈયાર કરવાની રીત

એક હેકટર માટે 300 થી 400 ગ્રામ બીજ પૂરતું છે. ધરૂ ઉછેર 10/15 સેમી 150 ગેજની પ્લાસ્ટિક બેગમાં કરી શકાય. ધરું ઉછે૨ માટે 3 મીટર લાંબા અને 1.2 મીટર પહોળા, 15 સેમી ઊંચા ગાદી ક્યારા તૈયાર કરવા. આ ક્યારામાં ચોમાસાની શરૂઆતમાં બે હાર વચ્ચે 15 સેમીના અંતરે બીજ વાવી દેવા. ત્યારબાદ માટી અને છાણીયા ખાતરના મિશ્રણ વડે પૂરી દઈ ઝારા વડે પાણી આપવું. બીજ 15 થી 20 દિવસ બાદ ઊગી જાય છે. વાવવા માટે તાજાં બીજ વાપરવા. પ્લાસ્ટિકની કોથળીમાં બીજ ઉગાડવાથી દૂરના અંતરે છોડ લઈ જવા માટે ઘણી સરળતા રહે છે.

પપૈયાની ખેતીની સંપૂર્ણ માહિતી
SOURCE : INTERNET

રોપણી અને રોપણી વચ્ચેનું અંતર

રોપણી માટે જમીન અગાઉથી ખેડી સમતલ કર્યા બાદ 2 મીટરના અંતરે 30 સેમીના ખાડા તૈયાર કરી 7 થી 10 દિવસ ખુલ્લા રાખી તેમાંથી નીકળેલી માટી સાથે 10 કિલો છાણિયું ખાતર ભેળવી ખાડા પૂરી દેવા. ઘનિષ્ટ વાવેતર માટે ઓછા અંતરે 2/1.8 મીટરે અથવા 2.4/1.5 મીટરે અથવા 1.5/1.5 મીટરે વાવેતર કરવાથી હેકટરે છોડની સંખ્યા વધારી શકાય. 22 સેમી ઊંચાઈના વધુ તંતુમૂળવાળા રોપા પસંદ કરવા, રોપણી કરતી વખતે અથવા છોડને વહન કરતી વખતે તેના થડ ઉપર બિલકુલ દબાણ ન આવે તે અંગે ખાસ કાળજી લેવી. જો છોડ ક્યારામાં ઉછરેલી હોય તો છોડ હાથથી ખેંચીને નહી ઉપાડતા ખૂરપાથી સાવચેતીપૂર્વક ઉપાડવા તેમજ ઉપર ટોચનાં 2-3 પાન રહેવા દઈ બાકીનાં પાનનું ડીંટું રહેવા દઈ કાતરથી કાઢી નાખવા. પપૈયાનો પાક ખૂબ જ સંવેદનશીલ છે તેથી એ ખૂબ જ કાળજી માંગી લે છે. આ પાકમાં જો ગાદી ક્યારા પર મલ્ચિંગ પ્લાસ્ટિકનો આવરણ તરીકે ઉપયોગ કરી વાવેતર કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળે છે. મલ્ચિંગનું આવરણ કરતા પહેલા ડ્રીપ સિસ્ટમ ફીટ કરી લેવી. જેથી પાણી આપવામાં સરળતા રહે.


પપૈયાના છોડની રોપણી કરતા પહેલા ખાડામાં છાણિયું ખાતર અથવા કોઈપણ સેન્દ્રિય ખાતર નાખવું. પપૈયાના છોડમાં ખાતર એક મહિના પછી આપવાનું થાય છે માટે શરૂઆતમાં છોડને પોષણ આપવા માટે જૈવિક ખાતર (એઝેટોબેક્ટર, ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેક્ટરિયા, પોટાશ. સોલ્યુબીલાઈઝીંગ બેકટેરિયા)નો ઉપયોગ કરવો. તેનું પ્રમાણ છોડ દીઠ 10 ગ્રામ અથવા ભલામણ પ્રમાણે ઉપયોગ કરવાથી શરૂઆતમાં છોડને પોષણ મળી શકે.


ગુણવત્તાયુક્ત ખાતર આપો

પપૈયાનાં ફળો સેન્દ્રીય ખાતરના અપૂરતા વપરાશ તેમજ પોટાશ ખાતરના અભાવના લીધે સ્વાદમાં ફિકાશવાળા રહે છે. તેથી ભલામણ મુજબ સેન્દ્રિય તથા રાસાયણિક ખાતરો અને નિયમિત પિયત આપવાથી ફળોની મીઠાશ અને ગુણવત્તા જળવાઈ રહે છે. 


પિયતમાં ખાસ ધ્યાન રાખવું

પપૈયાની ખેતીમાં પિયત વ્યવસ્થા ખાસ ધ્યાને લેવી. પપૈયાના છોડને વધારે પડતું પાણી આપવું નહીં. પાણીની ખેંચને લીધે ફળ ખરી પડવાની શક્યતા રહે છે. જેથી સ્થાનિક હવામાન અને જમીનના પ્રકાર પ્રમાણે શિયાળામાં 10 થી 12 દિવસે અને ઉનાળામાં 6-8 દિવસે પાણી આપવું.


આંતરખેડ અને નિંદામણ

પાક નીંદણમુક્ત રાખવા માટે જરૂર પ્રમાણે આંતરખેડ, ગોડને નિંદામણ નિયમિત કરતા રહેવું. થડની નજીક સાધારણ માટી ચઢાવવી. મુખ્ય થડ ખુલ્લું રહે તેવી રીતે માટી ચઢાવવી, જેથી પાણી સીધું થડના સંપર્કમાં ન આવે અને થડના કોહવારો રોગ આવવાની શક્યતા ઘટાડી શકાય.


ટૂંકાગાળાનો આંતરપાક લઈ શકાય

પાકની શરૂઆતની અવસ્થામાં પપૈયાંની બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચે જમીન ફાજલ જ પડી હોય છે. આ જમીનમાં ટૂંકાગાળામાં શાકભાજી, રીંગણા, મરચાં, ટામેટા જેવા પાકો વાવીને વધારાની આવક મેળવી શકાય અને જમીન, પાણી તથા સૂર્યપ્રકાશનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય છે. પપૈયા વિકાસ પામે એ પછી આંતરપાક શક્ય નથી.


નર છોડ દૂર

ફૂલ આવવાની શરૂઆત થયેલી વાડીમાં 8-10 ટકા નર છોડ રાખી બીજા નર છોડ કાઢી નાખવા.


ફળ ઉતારવા

ફેરરોપણી પછી 9-10 મહિના પછી પપૈયાંનાં ફળ
પાકવાની શરૂઆત થાય છે અને ફળો પર નખ મારવાથી દૂધને બદલે પાણી જેવું પ્રવાહી નીકળે તેમજ ફળ ઉપર સહેજ પીળો પટ્ટો દેખાવાની શરૂઆત થાય ત્યારે ફળ ઉતારવા.


ઉત્પાદન

સામાન્ય રીતે પપૈયાંના દરેક છોડ દીઠ 40-50 કિલો ફળનો ઉતાર મળે છે.


પપૈયાની ખેતી

Post a Comment

0 Comments