ભારત કૃષિ પ્રધાન દેશ છે અને એટલે જ કોરોના જેવી મહામારી અને કટોકટીના સમયમાં પણ આપણા દેશના ખેડૂતો દેશના દરેક નાગરિકની અનાજ, દૂધ, શાકભાજી અને ખોરાકની જરૂરિયાતો પહોંચી વળવામાં સક્ષમ બન્યા છે. દેશના ખેડૂતોને સક્ષમ બનાવવામાં કૃષિ સંસ્થાઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ સંલગ્ન કર્મચારીઓનો ફાળો ખૂબ જ મહત્વનો છે. કૃષિ યુનિવર્સિટીઓની મહેનતના કારણે જ આજે આપણે ગર્વથી કૃષિ ક્રાંતિ અને કૃષિ સિદ્ધિઓના સાક્ષી બન્યા છીએ.
રાજ્યમાં હાલની તારીખે રાજ્ય સરકાર હસ્તકની કુલ ચાર કૃષિ યુનિવર્સીટીઓ કાર્યરત છે. જે અંતર્ગત અગિયાર કોલેજો કૃષિ સંલગ્ન સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમાનું શિક્ષણ આપી રહી છે. જેમનું કાર્ય ખુબ જ સરાહનીય છે. કૃષિ શિક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જ ગયા વર્ષે દેશની ટોપ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી રેન્કિંગમાં અને દેશની ટોપ કૃષિ કોલેજોમાં પણ આ કોલેજોને સ્થાન મળેલ છે. આ ચાર કૃષિ યુનિવર્સિટીઓમાંથી દર વર્ષે 900-1000 કૃષિ સ્નાતકો, 350-400 અનુસ્નાતકો, 200-250 કૃષિ ડિપ્લોમા અને કૃષિ સંલગ્ન અભ્યાસના બીજા 1000 થી વધુ સ્નાતકો દર વર્ષે બહાર પડે છે અથવા અભ્યાસ પૂરો કરે છે. આ સંખ્યા રાજ્યની કૃષિ તજજ્ઞોની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી જ નહીં પરંતુ જરૂરિયાતથી પણ વધારે માત્રામાં છે. આ સંજોગોમાં ખાનગી યુનિવર્સિટી હસ્તક કૃષિ શિક્ષણને મંજૂરી આપવાની જરૂરિયાત જ શુ છે? તે પ્રશ્ન ઉભો થયો છે.
SOURCE : INTERNET |
સોશ્યલ મીડિયામાં રાજ્યના ખેડૂતો અને કૃષિ વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર સામે ખાનગી કૃષિ યુનિવર્સિટીનો વિરોધ કરી રહ્યા છે. જેમાં ગઈકાલે ટ્વીટર પર #कृषि_निजीकरण_रोको હેશટેગ ગુજરાતમાં ટોપ ટ્રેન્ડ કરી રહ્યું હતું. જેનો ઘણા નેતાઓએ સ્પોર્ટ કર્યો હતો.
ખાનગી ક્ષેત્રે કૃષિ શિક્ષણ લઈ જવાથી એક પછી એક રોજ નવી નવી કોલેજો અને યુનિવર્સિટીઓ ખોલવા માટે સરકારશ્રી પાસે કાનૂની અને ગેરકાનૂની બને રીતે મંજૂરી મેળવવા પ્રયત્નો થશે. ખાનગી કૃષિ યુનિવર્સિટી/કોલેજોને મંજૂરી મળવાથી વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઈ અંકુશના રહેતા કૃષિ ક્ષેત્રે પણ બેકારી તથા ગુણવત્તા વિનાના શિક્ષણની ડિગ્રી મેળવેલ સ્નાતકોની ભરમાર ઊભી થવાની શકયતા રહેલી છે. જો આવું થશે તો રાજ્યની કૃષિ અને કૃષિના વિકાસ દરને કેટલી હદે અસર થશે તે બાબત વિચારવા જેવી છે.
ગુજરાતમાં ખાનગી કૃષિ યુનિવર્સિટીઓનો વિવાદ
રાજ્યમાં આવેલી રાય યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, આર. કે યુનિવર્સિટી તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા બી.એસસી(એગ્રી), બી.ટેક (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટિકલ્ચર) અને કૃષિ ઈજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલ હતા. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોઈ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2016ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યું હતું.
આ સંદર્ભે વર્ષ 2016થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇ કોર્ટમાં એસસીએ/ એલપીએ તેમ જ સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2018માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં ICAR દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણો અમલ કરવામાં આવ્યા ન હોય અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવી ન હોઈ, આ અભ્યાસક્રમો ગેરકાયદેસર અને અમાન્ય ઠર્યા હતા. ઉક્ત કારણોસર રાજ્યની રાય, પારુલ, આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં લેવા સરકારે તથા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓએ જાહેરાત કરી હતી.
પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા 2018માં આ કેસ નં SLA (Special Leave to Appeal) 31813/2018 સુપ્રીમમાં લઈ જવામાં આવ્યો જેનો જાન્યુઆરી 2019 ચુકાદો આવ્યો કે ખાનગી કોલેજો એ સરકાર પાસેથી મંજૂરીની દરખાસ્ત કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવે અને તેના પરથી નક્કી કરવામાં આવે કે આ ખાનગી યુનિવર્સિટીઓમાં કૃષિ અભ્યાસ ચલાવવા દેવામાં આવે કે નહિ. જે ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી એમના ભવિષ્યનું વિચારીને ગુજરાત સરકારને 6 અઠવાડિયા (6 weeks) માં નિર્ણય લેવાનું સૂચન કરવામાં આવ્યું.
પારુલ યુનિવર્સિટી દ્વારા તા.07/02/2019 ના રોજ કૃષિ અભ્યાસ ચલાવવા માટે દરખાસ્ત કરવામાં આવી. જેની ચકાસણી માટે જે તે કૃષિ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં ખાનગી કોલેજ આવતી હોય તે યુનિવર્સિટીમાંથી રાજ્ય સરકાર દ્વારા 14/11/2019 ના રોજ એક ટીમ તૈયાર કરી અને રિપોર્ટ જમાં કરાવવામાં આવ્યો. તારીખ 01/10/2019 ના રોજ મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને મીટીંગ યોજી ચર્ચા કરાઇ અને નિયમો હળવા કરવામાં આવ્યા. ત્યારબાદ ફરી એક ત્રણ સભ્યોની કમિટી બનાવી બીજો એક રિપોર્ટ 07/02/2020 ના રોજ જમાં કરવામાં આવ્યો. ફેબ્રુઆરીથી જુલાઈ સુધીના સમયગાળામાં નાયબ સચિવ (કૃષિ યુનિર્વિસટી) દ્વારા ચારેય સરકારી કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિ યુનિવર્સિટીની જરૂરિયાતો પૂરી કરવા માટેના સૂચનો મંગાવ્યા હતા અને તારીખ 24/07/2020 ના રોજ પારુલ યુનિવર્સિટીને ખાનગી યુનિવર્સિટી તરીકે અભ્યાસ ચલાવવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.
ખાનગી યુનિવર્સિટીના વિરોધના કારણો
-
જો ત્રણ સભ્યોની કમિટીએ સંપૂર્ણ અહેવાલ જમાં કરાવી દીધો હોય તો ICAR ની ગાઇડલાઈન પૂર્ણ કરવા માટે પારુલ યુનિવર્સિટીને શા માટે વધુ 3 મહિનાનો સમય આપવામાં આવ્યો?
- ત્રણ મહિના પછી પણ પારુલ યુનિવર્સિટી ICAR ની ગાઇડલાઈન પૂર્ણ ન કરી શકે તો પ્રવેશ પામી ચૂકેલા વિદ્યાર્થીઓની જવાબદારી કોણ લેશે??
- શુ પારુલ યુનિવર્સિટી વિધાર્થીઓને કૃષિનું ગુણવત્તાવાળું શિક્ષણ પુરી પાડી શકશે?
- ખાનગી યુનિવર્સિટીમાં લેવાતી પરિક્ષા અને તેને નિયંત્રણમાં રાખવાનુ કાર્ય કોનું રહેશે?? ખાનગી યુનિવર્સિટી પોતે જ પરીક્ષાનું નિયંત્રણ કરશે તો ફી ભરતા તેમના બધા વિદ્યાર્થીઓને ઊંચું મેરીટ નહિ આપે તેની ખાતરી શુ?
- ખાનગી યુનિવર્સિટી બારોબાર ડીગ્રી સર્ટિફિકેટ નહિ આપે તેની ખાતરી શુ?
- અત્યાર સુધી પારુલ, રાય અને આર.કે. યુનિવર્સિટી માન્યતા વગર ગેરકાયદેસર રીતે ચાલતી રહી અને 300 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપ્યા તો પણ સરકારે કોઈ પગલાં કેમ ના લીધા?
- સરકારી 4 કૃષિ યુનિવર્સિટીની 11 કોલેજ પાસે સીટોની કુલ કેપેસિટી એક વર્ષમાં સ્નાતક 900-1000, અનુસ્નાતકમાં 350-400 ની આસપાસ છે. જેની સામે છેલ્લા કેટલાય વર્ષોથી ખુબ જ ઓછી માત્રામાં ભરતી થઈ રહી છે. પ્રાઇવેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ વધશે તો બધાને રોજગારી કોણ આપશે?? PTC, ફાર્મસી અને એન્જિનિયરિંગની માફક કૃષિ અભ્યાસનો ફુગાવો નહિ થાય?
- ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ RTI હેઠળ આવશે?
- ગુજરાતને જરૂરી તમામ કૃષિ સુવિધાઓ પૂરી કરવા સરકારી કૃષિ યુનિવર્સિટીઓ સક્ષમ છે તો ખાનગી કોલેજોની જરૂરિયાત શું છે?
0 Comments