ભીંડા એ શાકભાજીનો ચોમાસુ તેમજ ઉનાળુ ઋતુમાં થતો અગત્યનો પાક છે. ભીંડાની લીલી કુમળી શિંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ભીંડામાંથી વિટામિન એ, બી અને સી તથા પ્રોટીન અને રેસાઓ સારા પ્રમાણમાં મળી રહે છે. આ ઉપરાંત તેમાંથી લોહ અને આયોડિન જેવા તત્વો પણ મળતા હોવાથી ભીંડા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી ગણાય છે.
SOURCE : INTERNET |
ગુજરાતમાં ભીંડાનું વાવેતર મુખ્યત્વે સુરત, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, નવસારી ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર અને આણંદ અમદાવાદ જિલ્લામાં વત્તા ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. ભીંડા એ સ્થાનિક બજાર અને નિકાસ માટે પણ અગત્યનો પાક હોવાથી તેનું વધુમાં વધુ ઉત્પાદન મળી શકે તે માટે તેની ખેતી પદ્ધતિ અને પાક સંરક્ષણ માટેની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે.
આબોહવા
ભીંડા એ ગરમ ઋતુનો પાક હોવાથી તેનું વાવેતર ચોમાસા તેમજ ઉનાળા દરમ્યાન કરવામાં આવે છે. આ પાકને ગરમ ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે પરંતુ વધારે પડતી ઠંડીમાં આ પાક થઈ શકતો નથી.
જમીન
ભીંડાનો પાક સામાન્ય રીતે બધા જ પ્રકારની જમીનમાં લઈ શકાય તેમ છતાં નિતારવાળી ભરભરી ગોરાડુ, બેસર તથા મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. વધારે પડતી કાળી જમીનમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં પાક લેવો હિતાવહ નથી પરંતુ આવી જમીનમાં ઉનાળા દરમિયાન આ પાક સારી રીતે લઈ શકાય છે.
જમીનની તૈયારી
અગાઉનો પાક પૂરો થયા બાદ સારી રીતે ખેડ કરી અગાઉના પાકના જડીયા વીણી ખેતરને બરાબર સાફ કરવું. જમીન કરબ અને સમાર મારી ભરભરી બનાવીને તૈયાર કરવી. આવી તૈયાર કરેલ જમીનમાં હળ દ્વારા ચાસ ખોલી છાણિયું ખાતર તેમજ પાયામાં આપવાના થતાં રાસાયણિક ખાતરો આપવા.
વાવણી સમય
ચોમાસામાં આ પાકની વાવણી જૂન-જુલાઈ માસમાં કરવામાં આવે છે જ્યારે ઉનાળામાં તેની વાવણી જાન્યુ-ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે.
ભીંડાની જાત
1) ગુજરાત સંકર ભીડા 1
આ જાતનું ઉત્પાદન અને ગુણવત્તા અન્ય જાતો કરતા સારી જણાયેલ છે. આ જાત પીળી નસના રોગ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાતની શીંગો કુમળી મધ્યમ લંબાઈની આકર્ષક ઘેરા લીલા રંગની હોય છે. પરભણી ક્રાંતિ કરતા આ જાત 30 થી 35 ટકા વધુ ઉત્પાન આપે છે.
2) ગુજરાત ભીંડા 2
આ જાત ચોમાસું અને ઉનાળુ બંને ઋતુમાં વાવેતર માટે અનુકૂળતા ધરાવે છે. આ જાતની શીંગો લાંબી, લીલી, કુમળી તેમજ આકર્ષક હોય છે. તેથી બજારભાવ સારો મળે છે. આ જાત પરભણી ક્રાંતિ કરતા 30 ટકા જેટલું વઘારે ઉત્પાદન આપે છે. આ જાત પીળી નસના રોગ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાત સુધારેલ પ્રકારની હોવાથી તેનું બીજ બીજા વર્ષે ઉપયોગ કરી શકાય છે.
3) પરભણી ક્રાંતિ
આ જાત ભીંડાની પીળી નસના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. ગુજરાતમાં આ જાત ઘણી જ લોકપ્રિય થયેલ છે. આ જાતની શીંગો મધ્ય લંબાઈની કુમળી અને આકર્ષક હોય છે.
4) આણંદ ભીંડા 5
શીંગો લાંબી, કુમળી આકર્ષક રંગની તંદુરસ્ત હોય છે. પીળી નસના રોગ સામે આ જાત પ્રતિકારકતા ધરાવે છે. અંદાજીત 12000 કિ.ગ્રા/હે. ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ખૂબજ ઊંચી ગુણવત્તા ધરાવે છે.
5) અન્ય
આ ઉપરાંત પ્રાઈવેટ કંપનીની આપણા ઝોન માટે ભલામણ કરેલ જાતોમાં માયકો-10, વર્ષા ઉપહાર, અર્ક અનામિકા વગેરે પ્રચલિત જાતોની વાવણી કરવામાં આવે છે.
વાવણી પદ્ધતિ અને બીજ દર
ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ સુધારેલી જાત કરતા વધારે મોંઘા હોવાથી તેનું વાવેતર હંમેશા જાણીને તેમજ દરેક થાણે બે થી ત્રણ બીજ મૂકીને કરવું જોઈએ. જેથી હેકટરે બીજનો ઉપયોગ ઓછામાં ઓછા કરીને બીજ પાછળનો ખર્ચ ઘટાડી શકાય છે.
ભીંડાની વાવણી ચોમાસુ પાક તરીકે 60 સે.મી. x 30 સે.મી.ના અંતરે કરવામાં આવે છે અને ઉનાળુ ઋતુ માટે 45 સે.મી. x 30 સે.મી.ના અંતરે કરવામાં આવે છે. સંશોઘનના પરિણામો ઉપરથી જણાયેલ છે કે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 45 સે.મી. x 20 સે.મી. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 30 સે.મી. x 25 સે.મી.નું અંતર રાખીને વાવણી કરવાથી વઘુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
બિયારણના દરનો આધાર વાવેતર અંતર અને પદ્ધતિ ઉપર રહેલો છે. સામાન્ય રીતે થાણીને 4-6 કિ.ગ્રા. તેમજ ઓરીને 8-10 કિ.ગ્રા. બિયારણની હેકટરે જરૂરિયાત રહેતી હોય છે.
ખાતર
જમીન કરતી વખતે 10 થી 12 ટન છાણિયું ખાતર હેકટરે આપવું. ત્યારબાદ પાયાના ખાતર તરીકે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતર દરેક 50 કિ.ગ્રા. પ્રમાણે હેકટરે ચાસમાં આપવા. પૂર્તિ ખાતર તરીકે હેકટરે 50 કિ.ગ્રા. નાઈટ્રોજન ભીંડામાં ફૂલ આવે ત્યારે આપવું. સંશોધનના પરિણામો પરથી જાણવા મળેલ છે કે દક્ષિણ ગુજરાતમાં ભીંડાના પાકને પાયાના ખાતર તરીકે 75 કિ.ગ્રા. નાઈટ્રોજન, 50 કિ.ગ્રા. ફોસ્ફરસ અને 50 કિ.ગ્રા. પોટાશ ખાતરો હેકટરે આપવા. પૂર્તિ ખાતર તરીકે 75 કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેકટરે વાવણી કર્યા બાદ 45 દિવસે આપવું. તે જ પ્રમાણે મધ્ય ગુજરાત વિસ્તારમાં ગુજરાત સંકર ભીંડા 1નું વાવેતર કરવામાં આવે તો તેમાં 150 કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેકટરે આપવાથી વધુમાં વધુ ઉત્પાદન મળે છે.
પિયત
ચોમાસામાં વરસાદની પરિસ્થિતિ અને જમીનની જાતને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબના પિયત આપવા. ઉનાળામાં ભીંડાની જાત જમીનની પ્રત અને પાકની અવસ્થાને ધ્યાનમાં રાખીને 8-10 દિવસના અંતરે પિયત આપવા. ભીંડામાં શીંગની વીણી ચાલુ હોય ત્યારે પિયતની ખેંચ ન વર્તાય તેનું ખાસ ધ્યાન રાખવું. વધુમાં આ પાકને ઉનાળા દરમ્યાન ટપક પદ્ધતિથી પિયત આપવામાં આવે તો પાણીનો બચાવ કરી શકાય છે અને ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે.
નીંદણ નિયંત્રણ
પાકની શરૂઆતની અવસ્થાએ કરબથી 2 થી 3 આંતરખેડ કરવી. જરૂરિયાત મુજબ હાથથી દૂર કરીને પાક નીંદણ મુક્ત રાખવો. જે વિસ્તારમાં મજૂરોની અછત હોય ત્યાં નીંદણનાશક દવાનો ઉપયોગ કરી શકાય છે. મધ્ય ગુજરાત વિસ્તારમાં ભીંડાનું પાકને નીંદણ મુક્ત રાખવા માટે વાવણી કર્યા બાદ ત્રીજા અને છઠ્ઠા અઠવાડિયે પાકને નીંદણ મુક્ત રાખવાથી વધુમાં વધુ ફાયદો થાય છે જો મજૂરોની અછત હોય તો પેન્ડીમિથાલીન અથવા ફલુકલોરાલિન 1 કિ.ગ્રા. નીંદણનાશક દવા પ્રતિ હેકટરે વાવણી બાદ તરત જ છંટકાવ કરવો અને 45 દિવસ બાદ હાથ વડે નીંદામણ કરવાથી સારો ફાયદો મેળવી શકાય છે.
ભીંડાની વીણી
વાવણી બાદ દોઢ બે માસે ભીંડા ઉતારવાની શરૂઆત થાય છે. પ્રથમ વીણી કર્યા પછી બે થી ત્રણ દિવસના અંતરે લીલી કુમળી શીંગો નિયમિત રીતે ઉતારતા રહેવું. મોડું વીણી કરવાથી શીંગોમાં રેસાનું પ્રમાણ વધે છે અને બજાર ભાવ ઓછા મળે છે. બે માસ સુધી વીણી ચાલુ રહે તો અંદાજે 20 થી 25 વીણી મળે છે. કીટનાશક દવાનો છંટકાવ બાદ ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસ બાદ જ વણી કરવી જોઈએ નહીં તો મનુષ્યના સ્વાસ્થ્યને હાનિકારક નીવડે છે એટલે વીણી કર્યા બાદ તુરંત જંતુનાશક દવાનો છંટકાવ આ વાતને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. બજારમાં લઈ જતા પહેલા રોગ વાળી તેમજ જીવાતની નુકસાન પામેલ શીંગો દૂર કરવા ત્યારબાદ ગ્રેડિંગ કરીને બજારમાં વ્યવસ્થિત પેકિંગ કરીને વેચાણ માટે લઈ જવી જોઈએ.
0 Comments