મોરબી પંથકમાં છેલ્લા બે ચોમાસામાં ઓછો અને ખૂબ વધુ વરસાદ પડતાં બંને વર્ષ ખેડૂતો માટે નકામા ગયા છે. એક તરફ ખેડૂતોનો બિયારણ, દવા, ખાતર અને મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે. તો બીજી તરફ પાકના પૂરતા ભાવ ન મળતાં જગતના તાતની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે મોરબી પંથકના એક યુવાન ખેડૂત ઘરગથ્થું સિસ્ટમ વિકસાવી ખૂબ સસ્તામાં પાકને પાણી મળે તેવી ગોઠવણ કરી છે. મોરબીના પીપળી ગામના મીન્ટુભાઇ અંબારામભાઈ જેઠલોજાને ગામ નજીક માત્ર 13 વિઘા જમીન છે. આટલી ટૂંકી જમીનમાં માત્ર ખેતી આધારિત પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ હતું. જેથી ઉનાળામાં ખૂબ ઓછા પાણીની પિયતથી પાક સારો મળે તે માટે તેમણે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ માટેનો વિચાર કર્યો. પણ આ બંને સિંચાઈ પદ્ધતિ થોડી મોંઘી પડતી હતી.
SOURCE : INTERNET |
મીન્ટુભાઈએ એક-બે રૂપિયામાં ગામડામાં મળતી સરબતના પેકિંગ માટે વપરાતા પ્લાસ્ટિક સ્ટ્રોની મદદથી બે વિઘા જમીનમાં ફુવારા પદ્ધતિ ગોઠવી. આ પ્લાસ્ટીક સ્ટ્રો માત્ર 120 રૂપિયામાં કિલોગ્રામ મળે છે અને બે વિઘામાં માત્ર સાત કિલો જ વપરાય છે. આ ઉપરાંત પીવીસી પાઇપ અને હાર્ડવેર મળીને એક વિઘામાં માત્ર 900 રૂપિયાના ખર્ચે ફુવારા પદ્ધતિ ઉભી કરી દીધી. ટપક પદ્ધતિની પાઈપ સળંગ 300 ફૂટ લાંબી મળે છે. જ્યારે આ પ્લાસ્ટિકની પાઇપ 500 ફૂટ લંબાઈની હોય છે. આ અંગે મીન્ટુભાઈ જણાવે છે કે, હાલમાં 2 વિઘામાં ટ્રાયલ લેવા માટે આ સિંચાઈ પદ્ધતિ બેસાડી હતી. પરંતુ મને આમાં સફળતા મળી છે. અને પાકની વૃદ્ધિ પણ ખૂબ સારી થાય છે. તેથી ચોમાસા પછી બાકીના 11 વિઘામાં પણ આ પદ્ધતિ ગોઠવી ખેતી કરવાનું આયોજન છે.
0 Comments