દાંતીવાડા તાલુકાના લોડપા ગામના ખેડૂત ચૌધરી જામાભાઈ દ્વારા પોતાના ખેતરમાં રોજીંદી ખેતીથી અલગ ખેતી અપનાવવાની પહેલ 2019માં કરી હતી. ત્યારબાદ બાગાયતી ખેતીમાં ફાવટ આવતા તેમણે ફરીવાર પહેલા કરતા ડબલ જમીન ઉપર પપૈયાની ખેતી કરી છે અને આવકને આગળના વર્ષો કરતા વધુ મેળવવા મક્કમતા સાથે યોગ્ય ટ્રીટમેન્ટ શરૂ કરી છે અને સાથે ખેતરને નિંદામણ મુક્ત રાખવા મિની ટ્રેકટર પણ વસાવી લીધું છે. તેમની ખેતી હાલમાં તાલુકાના અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપી છે અને કેટલાક ખેડૂતો દ્વારા તેમની ખેતી જોયા બાદ નાના મોટી શરૂઆત પણ કરવામાં આવી છે.
દાંતીવાડા તાલુકામાં મોટા ભાગે મગફળી, બટાકા તેમજ બાજરી મુખ્ય ખેતીના પાકો છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો બટાકાની પણ મોટી ખેતી કરે છે ત્યારે દાંતીવાડા તાલુકાના લોડપા ગામના ચૌધરી જામાભાઈ દ્વારા ખેતરમાં સૌ પ્રથમ 2019ની સાલમાં ચાર વીઘા જમીનમાં પપૈયાના 3 હજાર છોડ લગાવી ખેતીની શરૂઆત કરાઈ હતી, જેમાં તેમણે સોળ મહિનાના સમય દરમિયાન ચાર વીઘા જમીનમાંથી 10 લાખ રૂપિયાની કમાણી કરી છે. પપૈયાંની ખેતીમાં ઘણા ફાયદા રહેલા છે જેમ કે દર ચાર મહિને પાકની ફેર બદલી, પાકોની વાવણી અને ખેડ, દવા ખર્ચ તેમજ ટ્રેકટર અને લેબર જેવા અનેક ખર્ચમાંથી મુક્તિ મળી જાય છે.
જામાભાઈ ચૌધરીને બાગાયતી ખેતીમાં ફાવટ આવી જતાં વાવેતર વિસ્તાર વધારીને ચાલુ વર્ષે 6 હજાર છોડ પોતાની આઠ વીઘા જમીનમાં લગાવ્યા છે અને ગત વર્ષોની સરખામણીએ ડબલ વાવેતર કર્યું છે. અને પપૈયાના પ્લોટને આંતર ખેડ થકી નિંદામણ મુક્ત રાખવા મિની ટ્રેકટર પણ વસાવી લીધું છે જેઓ હાલમાં તેનો જરૂરી ઉપયોગ પણ કરી રહ્યા છે. પપૈયાના છોડ 5×7 ફૂટના અંતરે વવાય છે. જેથી આંતર ખેડ માટે મિની ટ્રેકટરનો સહારો લઈ શકાય. તેમાં પાણી ટપક પદ્ધતિ મારફતે આપવામાં આવે છે. તેમજ નિંદામણ નિયંત્રણ રાખવું એ અહેમ કાળજી વાળો મુદ્દો રહે છે. પપૈયાની ખેતીમાં ખેડૂત એક વીઘા જમીનમાં સવા બે લાખ રૂપિયા કરતાં પણ વધારે આવક મેળવી શકે છે.
0 Comments