રાસાયણિક ખાતરમાં ભાવ વધારા અંગેનો પરિપત્ર જાહેર થતા જ સમગ્ર ગુજરાતના ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે રાસાયણિક ખાતરના ભાવ વધારા મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન કોંગ્રેસ પ્રમુખ રામકુભાઈ કરપડા પણ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સરકારની નીતિઓ સામે સવાલ કર્યા હતા.
રામકુભાઈ કરપડાએ ખેડૂત હેલ્પને તેમનું મંતવ્ય રજૂ કરતાં કહ્યું કે ગુજરાતનાં ખેડૂતોને જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ ભાવ વધારો કંપનીઓ દ્વારા ઝીંકવામાં આવ્યો છે.
આ બાબતે અગાઉ પણ કંપનીઓએ ભાવ વધારો માટે તૈયારી કરી લીધી હતી ત્યારે ગુજરાત સરકારનાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને કેન્દ્ર સરકારનાં મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ખેડૂતો ને જણાવ્યું હતું કે હાલ કોઈ ભાવ વધારો ખાતરમાં કરવામાં આવશે નહીં તેમ છતાં મંત્રીઓની જીભાનની કોઈ કીંમત ન હોય તેમ ફરીથી ભાવ વધારો થોપી દેવામાં આવેલ છે.
ગુજરાતના ખેડૂતોને 2018નું વર્ષ દુષ્કાળ અને 2019-20માં અતિવૃષ્ટિ 2020-21માં કોરાનાના કારણે માર્કેટિંગ યાર્ડ બંધ રહેતાં પાક જણસનાં ભાવોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. એક બાજુ કોરાનાનો કહેર ખેડૂતોનાં ઘરે ઘરે છે હોસ્પિટલ ખર્ચાઓ પણ વધું છે ત્યારે આ ભાવ વધારો ખેડૂતો માટે "પડ્યા ઉપર પાટું સમાન છે" હાલ ખેડૂતો બેંકોમાં કે.સી.સી. લોન ભરવા માટે પણ સક્ષમ નથી ત્યારે આ ખાતરનો ભાવ વધારો ખેડૂતોને વધારે પાયમાલ કરશે. રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતો માટે હવે કપરા સંજોગો ઉભા થયા છે તેમ સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન કોંગ્રેસના પ્રમુખ રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું.
0 Comments