સરકાર ખાતરમાં ભાવ વધારો રોકે અને સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરે તો જ આ જગતનો તાત બચી શકશે - ભેમાભાઈ ચૌધરી, આપ ગુજરાત ઉપાધ્યક્ષ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ ખેડૂત હેલ્પ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઇફકો કંપનીએ રાસાયણિક ખાતરના ભાવ વધારતા ગુજરાતના ખેડૂતો માટે પડ્યા પર પાટું મારવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ઇફકો કંપનીએ રાસાયણિક ખાતરના ભાવમાં 1લી એપ્રિલથી વધારો જાહેર કર્યો છે. રાસાયણિક ખાતરના ભાવ વધારા સામે ખેડૂતોનો આક્રોશ વ્યાજબી છે. બિયારણ, ખાતર અને દવાઓમાં સતત બેફામ ભાવ વધતા રહ્યા છે. જેની સામે ખેડૂતોને ઉપજના યોગ્ય ભાવ મળી રહ્યા નથી.

Bhemabhai Chaudhari

ગુજરાતના ખેડૂતોને હવે ઇફકો કંપનીનું રાસાયણિક ખાતર ખરીદવું ખૂબ જ મોંઘું પડી રહ્યું છે. DAP ખાતરમાં રૂ.700, અને ASP ખાતરમાં રૂ. 375  વધારો નોંધાયો છે.

DAP ખાતરનો ભાવ રૂપિયા 1200ની જગ્યાએ રૂપિયા 1900 થયો છે.
NPK 12:32:16 ખાતરમાં રૂપિયા 1185ની જગ્યાએ રૂપિયા 1800 અને NPK 12:32:26 ખાતરમાં રૂપિયા 1175 ની જગ્યાએ રૂપિયા 1775 થયા છે.
ASP ખાતરમાં રૂપિયા 975ની જગ્યાએ રૂપિયા 1350 નો  વધારો કરવામાં આવ્યો છે.

રાસાયણિક ખાતરમાં થયેલો આ તોતીગ ભાવ વધારો ખેડુતોની કમર તોડી નાખશે. દેશ એક બાજુ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યો છે જેના કારણે હાલમાં માર્કેટ યાર્ડો પણ બંધ છે અને ખેડૂતને પોતાના પાકના પૂરતા ભાવ નથી મળી રહ્યા. રાત દિવસ કાળી મજૂરી કરવા છતાં ખેડૂતોને આજે પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. એક બાજુ નિતનવા કાયદોઓ કેન્દ્રની ભાજપની સરકાર લાવી રહી છે. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે સરકાર કામ કરી રહી છે. ખેડૂત દિન પ્રતિદિન લાચાર બનતો જાય છે. તેથી બે હાથ જોડી મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક કેન્દ્ર સરકાર સ્વામીનાથન ભલામણ રિપોર્ટ લાગુ કરે તો જ આ જગતનો તાત બચી શકશે. કેન્દ્રની સરકારે અહંકાર છોડી કિસાનોના હિત માટે ખેડૂતની આવક બમણી થાય તે માટે  કંઈક તાત્કાલિક પગલાં લેવામાં આવે અને બેફામ તોતિગ ખાતર બિયારણના ભાવ વધારો કરેલ છે તેને રોકવામાં આવે તેવી માંગ છે.

Post a Comment

0 Comments