ઉનાળામાં પશુઓને ગરમીથી બચાવવાના ઉપાયો

પશુઓને ગરમીથી બચાવવા માટેના વિવિધ ઉપાયો કરી શકાય છે. જેમ કે વાતાવરણમાં કૃત્રિમ ફેરફાર કરીને, પાણીનો છંટકાવ કરીને, પશુના ખોરાકમાં ફેરફાર કરીને આ ઉપરાંત અન્ય ઘણાં ઉપાયો છે. જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

Gir Cow
ગાય અને તેનું વાછરડું

વાતાવરણમાં કૃત્રિમ ફેરફાર

આ રીતમાં ભેંસોને સીધા સૂર્યપ્રકાશ સામે લાંબો સમય રક્ષણ આપવામાં આવે છે. ઉનાળામાં દિવસે ગરમીના સમયમાં પશુઓને છાણ-માટીના છાપરાથી બનેલા શેડમાં રાખવી જોઈએ. જે સીધા સૂર્યપ્રકાશને અટકાવશે. ગરમીના દિવસમાં શેડનો ખુલ્લો ભાગ છાણ-માટીથી થાબડેલી વાંસની રચના વડે કે તાટીયા વડે કે તાડપત્રી વડે ઢાંકવો. આ રીતમાં જાનવરોને ફાયદો થયેલ હોવાનું જણાયેલ છે. છાપરું બનાવવામાં વપરાતો સામાન અને રંગ સૂર્યપ્રકાશની સીધી ગરમીથી બચવામાં મહત્વનો ભાગ ભજવે છે. શેડની આજુબાજુ ઘાસ, નાના છોડ વગેરે પણ સૂર્યપ્રકાશની ગરમીથી અસર ઘટાડે છે. શેડમાં ઝાડ પણ સસ્તુ અને સારું રક્ષણ આપે છે. ઝડપી વધતાં ઝાડની 3 થી 8 લાઈન મકાનથી 25-45 મીટર દૂર રાખવાથી ગરમ પવનો રોકાઈ જાય છે. રાત્રિના સમયે ભેંસોને વાડામાં ખુલ્લી રાખવી જોઈએ. જેથી દિવસ દરમ્યાન શરીરમાં સંગ્રહાયેલ ગરમીનો વ્યય થઈ શકે.

પાણીનો છંટકાવ

ઉનાળામાં પશુઓના શરીરને પાણી દ્વારા ભીનું રાખવાથી અસરકારક રીતે શરીરનું તાપમાન ઘટાડી શકાય છે. નીચે પ્રમાણે જુદી જુદી રીતે પાણીનો છંટકાવ કરી શકાય છે.

1) પશુ ઉપર પાણીના છંટકાવ દ્વારા:

શેડમાં પશુઓ પર દિવસના 11 થી 3 વાગ્યા સુધીમાં ત્રણથી ચાર વાર પાણીનો 5 થી 10 મિનિટનો છંટકાવ ખૂબ જ સારી અસર કરે છે. આવા છંટકાવથી ભેંસોએ વધારે દૂધ આપ્યાનું પણ માલૂમ પડેલ છે.


2) ફૂવારા પદ્ધતિ દ્વારા પાણીનો છંટકાવ

મોટા ડેરી ફાર્મ ઉપર છત ઉપર ફુવારા ફીટ કરી પાણીનો છંટકાવ કરી શકાય છે. જે બપોરના સમયે ચાલુ કરવા જોઈએ. તેનાથી ભેસોમાં ખોરાક લેવાનું પ્રમાણ અને શરીરના વજનમાં વધારો થાય છે.

3) માટીનો લેપ (મડ પ્લાસ્ટરીંગ)

આ પદ્ધતિમાં પશુના આખા શરીર પર ભીની માટી (ગારો) નો લેપ કરવામાં આવે છે. જેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવાથી પશુને ગરમીથી રાહત મળે છે અને તેની અસર છીછરી તળાવડીમાં આળોટવા કરતાં વધારે અસરકર્તા માલૂમ પડેલ છે.

4) જલવિહાર / તળાવમાં નવડાવવું

ખાસ કરીને ગામડાઓમાં જલવિહાર માટે ભેંસોને તળાવમાં લઈ જવામાં આવે છે. પરંતુ જો ગરમીના કલાકોમાં ગામના તળાવમાં લઈ જવામાં અને પાછા લાવવામાં થતા સમયને લીધે તેની ઠંડકની અસર નાબૂદ થઈ જાય છે માટે બને તો ખેતર ઉપર જ નાનકડી ખેત તલાવડીની વ્યવસ્થા વધુ ઉપયોગી નીવડી શકે છે.


5) ઠંડક આપવાના સાધનો

ઉનાળામાં મોટા ડેરી ફાર્મ ઉપર ઠંડક આપવાના સાધનો જેમ કે પંખા, પડદા, કોથળા, ખાસ ટીનનો ઉપયોગ તેમજ બંધ મકાનમાં એર કુલર અથવા એર કંડીશન પધ્ધતિથી ગરમીનો તણાવ ઘટાડી શકાય છે.

6) ઠંડુ પાણી આપવું

ગામડાની પરિસ્થિતિમાં માટલામાં રાખેલ ઠંડું પાણી જો ભેંસોને આપવામાં આવે તો પણ થોડાક અંશે ગરમીનો બોજો ઓછો કરી શકાય છે. પાણીના સાધનોને પાણીના હવાડાને ઠંડી જગ્યાએ જાનવરની પહોંચમાં પુરતી સંખ્યામાં રાખવા જોઈએ જેથી જાનવર જયારે ઈચ્છા થાય ત્યારે પાણી પી શકે.

ખોરાકમાં ફેરફાર કરીને

ઘાસચારા નિરણની ફ્રિકવન્સી 6 થી 8 ગણી વધારવી, ઠંડા કલાકોમાં ખોરાક આપવો. તે ખોરાક ઉતમ કક્ષાનો હોવો જોઈએ. જેમાં રેસાનું પ્રમાણ ઓછું હોય. ગરમીના દિવસોમાં ખોરાકમાં રેસાનું પ્રમાણ ઘટાડવાથી ફાયદો થાય છે. દાણ કરતાં ઘાસચારો શરીરમાં ગરમી વધુ પેદા કરે છે. રેસાનું પ્રમાણ ઘટાડવાથી શરીરમાં ગરમી ઓછી ઉત્પન્ન થશે. વધુમાં હલકી કક્ષાનો ચારો આપવાથી પેટમાં ખોરાકની ગતિ વધવાથી જલ્દીથી પેટ ખાલી થવાથી વધુ ખોરાક લેવાની ઈચ્છા ઉતેજિત થાય છે.


સૂકા દ્રવ્યોનું પ્રમાણ ઘટવાથી શરીરમાં ઊર્જાનું પ્રમાણ જળવાતું નથી. આહારમાં શકિતનું પ્રમાણ વધારવા માટે લીલા ઘાસચારાનું અને દાણાનું પ્રમાણ જાળવવું જોઈએ. આહારમાં ચરબીનું પ્રમાણ વધારવું જોઈએ. આમ કરવાથી ગરમીના વાતાવરણમાં શકિતનું પ્રમાણ વધશે. જો આહારમાં ચરબીનું પ્રમાણ 3.5 ટકા રાખવામાં આવે તો પેટના જીવાણુઓ ઉપર પ્રતિકૂળ અસરો થતી નથી.

લીલા ઘાસચારાનું પ્રમાણ વધારવું જેમાં પાણીનો ભાગ વધારે (70 ટકા જેટલો) હોય છે. ગરમીના સમયમાં પ્રોટીનનું પ્રમાણ વધારવાથી વધુ વળતર મળે છે. ભેંસને જો 21 ટકા પ્રોટીન આપવામાં આવે તો સુકા તત્વનું પ્રમાણ વધુ લે છે અને દૂધ ઉત્પાદન પણ વધે છે.

આહારમાં ખનીજતત્વોનું પ્રમાણ વધારવું. કારણકે ગરમીમાં જાનવર ખોરાક ઓછો ખાય છે તદ્ઉપરાંત ખનીજ તત્વોનો નિકાલ વધી જાય છે. ખાસ કરીને પોટેશિયમ પરસેવા દ્વારા અને સોડિયમ પેશાબ દ્વારા વધુ નીકળે છે. જો સોડિયમ અને પોટેશિયમ વધુ આપવામાં આવે તો ગરમીના સમયમાં દૂધ ઉત્પાદન વધે છે.


ગરમીના સમયમાં પશુના ખોરાકમાં બીજા પૂરક તત્વોનો પણ ઉમેરો કરી શકાય છે. જેનાથી પશુના શરીરનું તાપમાન અને શ્વસન પ્રક્રિયાઓ ઘટાડી દૂધ ઉત્પાદન જાળવી/વધારી શકાય છે. આ પૂરક તત્વો પેટમાં (રૂમેનમાં) જીવાણુઓનું કામકાજ ઉત્તેજિત કરી ઉપરોકત જણાવેલ ફાયદો કરે છે.

પાણીની ઉપલબ્ધિ

પાણી એક અગત્યનું ઘટક અને પોષક તત્વ છે. જે ખાસ કરીને ઉનાળામાં અગત્યનો ભાગ ભજવે છે. ઉનાળામાં સતત ૨૪ કલાક પાણી ઉપલબ્ધ હોવું જરૂરી છે. જે જાનવરની બને તેટલી નજીક ઉપલબ્ધ કરવું. પાણી સ્વચ્છ, સારી કક્ષાનું તથા ખરાબ વાસ અને સ્વાદ વગરનું હોવું જોઈએ.

ચરિયાણ

ચરિયાણની વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો જાનવરને સવારના 10 વાગ્યા પહેલા અથવા સાંજે 5 વાગ્યા પછી ચરાવવા લઈ જવું. જે ઉનાળામાં ઉપયોગી નીવડી શકે. બની શકે તો રાત્રે પણ ચરાવી શકીએ. રાત્રિ ચરાણથી બે ફાયદા થઈ શકે. એક તો દિવસની ગરમીની અસર નહીં નડે અને બીજું દિવસ દરમ્યાન સૂર્ય પ્રકાશની ગરમી જે શરીરમાં શોષાઈ હોય તેનું રાત્રિ સમયે વિસર્જન થઈ શકે.

અન્ય વ્યવસ્થા

ઉનાળામાં પ્રાણી આવાસની સ્વચ્છતા જાળવવાનો ખાસ પ્રયાસ કરવો જોઈએ. પ્રાણીના આવાસમાં નિયમિત સફાઈ, છાણ, મુત્રના ઉકરડાઓ દુર કરવા તથા ગોબરગેસ કે કોમ્પોસ્ટ પધ્ધતિથી ખાતર બનાવવાથી માખી-મચ્છરોનો ઉપદ્રવ દુર કરી શકાય છે. શંકર ગાયોમાં ઈતરડીઓ દૂર કરવા દર પંદર દિવસે ‛બ્યુટોકસ' જેવી દવાનો છંટકાવ કરવો જોઈએ. નાનાં બચ્ચાઓને કૃમિનાશક દવા પાવી જોઈએ. કાન તેમજ પુંછડાની સ્વચ્છતા જાળવવી જોઈએ. માખી, મચ્છરના નાશ માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.


ગરમી સહન કરે તેવી ઓલાદોનો વિકાસ

આપણે ત્યાં દેશી જાનવરો વધુ ગરમી સહન કરી શકે છે. દેશી ગોવર્ગનાં પશુઓમાં પ્રતિ ચો.સે.મી. ચામડીમાં 850 થી 900 જેટલી પ્રસ્વેદન ગ્રંથીઓ હોય છે. જયારે પરદેશી ઓલાદોમાં તેનું પ્રમાણ શારિરીક વજન દીઠ બહાર પડતી ગરમીનો જથ્થો, પ્રતિદીન શરીરમાં થતી પાણીની હેરાફેરીનું પ્રમાણ પરદેશી જાનવરો કરતાં ઓછું હોવાથી ગરમી સહન કરવાની શકિત વધારે છે. વધુમાં દેશી ઓલાદોનાં દૂધાળ-પશુઓમાં ગળા નીચે લટકતી ચામડી તથા તેના સળ વધારે હોવાથી પ્રસ્વેદન ગ્રંથિઓની માત્રા વધવાથી ગરમીનું નિયમન સારી રીતે થાય છે. સંકર જાનવરોમાં દેશી ઓલાદોના પશુઓના ગુણ આવવાથી તથા ગરમ વાતાવરણમાં ટેવાઈ જવાથી તેમનામાં ગરમી સહન કરવાનો ગુણ વિકસિત થયેલો છે. ભેંસો પરસેવાથી તથા શારિરિક સપાટી પરથી થતા બાષ્પીભવનથી ઠંડક પ્રાપ્ત કરે છે. તેથી ઉનાળામાં પ્રસ્વેદન છિન્દ્રો ખૂલ્લા કરવા ભેંસ સંવર્ગના પ્રાણીઓના વાળ બોડાવવા જોઈએ.

ઉનાળાની ગરમીથી પશુઓને થતી વિપરીત અસર જાણવા : અહીંયા ક્લિક કરો

Post a Comment

0 Comments