ઉનાળાની ગરમીથી પશુઓ પર થતી વિપરીત અસરો

જયારે વાતાવરણની પરિસ્થિતિઓ પ્રાણીના શરીરને અનુકુળ તટસ્થ તાપમાન 37℃ થી 38℃ કરતાં વાતાવરણનું તાપમાન વધે છે ત્યારે પ્રાણીના શરીરમાં ઉષ્ણતાવહન, ઉષ્ણતાનયન કે પરસેવાથી થતો ગરમીનો વ્યય ન થાય ત્યારે શરીરનું તાપમાન વધે છે. શારિરીક તાપમાનમાં 1℃ નો વધારો થતાં શરીરમાં 410 કિલો કેલરી ગરમીનો સંચય થાય છે. પરિણામે પેટની ગતિ ઓછી થાય છે. પેટમાં ખોરાકનો ભરાવો થાય છે. પરિણામે પશુનું ખોરાક લેવાનું પ્રમાણ ઘટવા લાગે છે. ઉનાળામાં દિવસો લાંબા અને સૂર્યના તડકાની પ્રખરતા વધારે હોવાથી ખૂલ્લા વાતાવરણમાં રહેલા પશુઓના શારિરીક તાપમાનમાં ઝડપથી 3 થી 4℃ નો વધારો થતાં લૂ (હીટ સ્ટ્રોક, કે સનસ્ટ્રોક) લાગે છે. પ્રાણી બેભાન બની જઈ મરણ પામે છે.

Kankreji Cow
કાંકરેજી ગાય

ગરમીથી પેદા થતા તણાવની તીવ્રતાનો આધાર, વાતાવરણનું તાપમાન, ભેજની સાપેક્ષ સાંદ્રતા, હવામાનની ગતિ, સૂર્ય તાપની પ્રખરતા, પશુના શરીરનું કદ, ચામડીનો કલર અને પ્રકાર, ઠંડા પાણીની ઉપલબ્ધતા, શારિરીક ગરમી પેદા થવાનું પ્રમાણ તથા પશુની વર્તણુક ઉપર છે. 

પશુઓમાં ગરમીથી તણાવ પેદા થાય છે. જેને લીધે નીચે મુજબની અસરો જોવા મળે છે.

પશુના ખોરાક તથા પાચનશકિતમાં થતો ઘટાડો

પશુના ખોરાકમાં થતો ઘટાડો ગરમીના પ્રમાણમાં હોય છે. ગરમીની અસર ટાળવા માટે થતી શારિરિક ક્રિયાઓ ઝડપી થવાથી મોટા ભાગની શકિત તેમાં વપરાઈ જાય છે. તેના કારણે શરીરમાં પણ વધુ ગરમી ઉત્પન્ન થાય છે. તેને કારણે પશુની પાચનશકિતમાં ઘટાડો થાય છે. ગરમીને કારણે પાચનશકિતમાં 10-12 ટકાનો ઘટાડો માલુમ પડેલ છે.

પશુના દૂધ ઉત્પાદનમાં ઘટાડો

ઉનાળામાં પશુનું દૂધ ઉત્પાદન ઘટી જવાનું મુખ્ય કારણ હલકી ગુણવત્તાવાળો અને જરૂર કરતાં ઓછો મળતો ઘાસચારો છે. જેના કારણે જાનવરોને જરૂરિયાત કરતાં ઓછી શકિત મળવાથી દૂધ ઉત્પાદન સામાન્ય કરતાં નીચું જાય છે.


પશુના દૂધના બંધારણમાં ફેરફાર

પશુના દૂધ-બંધારણમાં ગરમીને કારણે અગત્યના ફેરફાર થાય છે. તેમાં ફેટના ટકા, ફેટ સિવાયના તત્વો (એસ.એન.એફ.) તથા કેસિન (પ્રોટીન) માં થતો મુખ્ય ઘટાડો છે. જો પશુને વાતાવરણના ઊંચા તાપમાને રાખવામાં આવે છે તેમના દૂધમાં લેકટોઝના ટકાનો પણ ઘટાડો થાય છે.

પશુના વૃધ્ધિ દર / શારિરીક વિકાસમાં ઘટાડો

ઉનાળાના ગરમ વાતાવરણથી ભેંસોના ખોરાક અને ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવોમાં ઘટાડો થાય છે તથા ગરમી દૂર કરવા શરીરની વધારે શકિત વપરાય છે. જેને કારણે વૃધ્ધિદરમાં ઘટાડો થાય છે. 

પશુની પાણીની જરૂરીયાતમાં વધારો

વાતાવરણના તાપમાનમાં 2℃ નો વધારો થતાં પશુની પાણીની જરૂરીયાતમાં 40 ટકા જેટલો વધારો જોવા મળે છે. જેનું મુખ્ય કારણ ગરમીને લીધે પશુના શરીરમાંથી ચામડી અને ફેફસા દ્વારા પરસેવા રૂપે વધારે પાણીનો નિકાલ થાય છે.


જાનવરની પ્રજનન શક્તિમાં ફેરફાર

ગરમીથી જાનવરની પ્રજનન શકિતમાં ઘટાડો થાય છે. ગાભણ થવાનો દર પણ ઠંડા મહિના કરતાં ગરમ મહિનામાં ઘટી જાય છે. અંતઃસ્ત્રાવોમાં થતા ફેરફારથી ભેંસો પ્રછન્ન ગરમી (Silent Heat) માં આવે છે. જેથી તેવી ભેંસોને ઓળખવી મુશ્કેલ પડે છે અને તેથી ગરમી ચૂકી જવાથી અથવા ખોટા સમયે બીજદાન કરવાથી પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે.

પશુની શારીરિક વર્તણૂંકમાં થતા ફેરફાર

ગરમીના તણાવથી જાનવરોની વર્તણૂંકમાં ફેરફાર થાય છે. તે જાણી તેના યોગ્ય ઉપાય કરી શકાય છે. જે ફેરફારો નીચે મુજબ છે.

1) ઊંચો શ્વસન દર

જાનવરનો શ્વસન દર પંદરથી વીસ ગણો વધી જાય છે. જે શરીરના ડાબી બાજુના ખાડાની ચામડી દ્વારા થતી હલનચલન વડે જાણી શકાય છે. જાનવરનું વધારે હાંફવાના કારણે ઘણી વખત આ સ્થિતિ ભયજનક બની જાય છે.

2) શરીરનું ઊંચું તાપમાન

જાનવરના શરીરનું તાપમાન સામાન્ય 37℃ કરતાં વધી જાય છે. જે 41℃ જેટલું થાય અને વધુ સમય રહે તો તાત્કાલિક સારવાર કરવાની ફરજ પડે છે.


3) મોં ખુલ્લુ રાખી શ્વસન કરવું

આ એક છેલ્લી કક્ષાના તણાવની નિશાની છે. જેમાં પશુ મોં આગળની તરફ લઇ લે છે અને જીભ બહાર નીકળી જાય છે અને ખૂબ જ પ્રમાણમાં લાળ ઝરે છે તથા આગળના પગ પહોળા રાખી જાનવર ઊભું રહે છે.

4) શરીર ભીનું રાખવાનો પ્રયાસ

પશુ દ્વારા તેમના શરીર પર પાણી નાંખવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમાં ઘણીવાર પગ વડે પાણી નાંખવાનો પ્રયાસ કરે છે અથવા તો પોતાનું માથું કે શરીર પાણીના વાસણમાં (હવાડામાં) ડૂબાડવાનો પ્રયત્ન કરે છે. કાદવમાં કે ગંદા પાણીમાં આળોટવું એ ભેંસો માટેની સામાન્ય આદત છે.

ઉનાળાની ગરમથી પશુઓને બચાવવાના ઉપાયો જાણવા : અહીંયા ક્લિક કરો

Post a Comment

0 Comments