આફરો એ મુખ્યત્વે ગાય ભેંસ અને ઘેટાં બકરામાં થતો રોગ છે. પશુના પેટમાં ખોરાકના પાચન દરમિયાન ગેસ ઉત્પન્ન થતો રહે છે. જે સામાન્ય રીતે મો વાટે બહાર આવતો હોય છે. પરંતુ જ્યારે આ ગેસ વધારે માત્રામાં ઉત્પન્ન થાય અથવા તેનો નિકાલ બહાર ન થાય તો તે પેટમાં ભરાયેલો રહે છે અને પેટ ફૂલવા માંડે છે જેને આપણે આફરો કહીએ છીએ. જો ઓફરો એકદમ થાય તો તેને તાત્કાલિક સારવાર આપવી જરૂરી છે નહીં તો તે જીવલેણ નીવડી શકે છે. આફરો મુખ્યત્વે તાજો નવો ફુટેલો ઘાસચારો વધારે માત્રામાં ખાવાથી થાય છે. આ ઉપરાંત પશુઓને વધુ પ્રમાણમાં પોલીથીન બેગ ખાવામાં આવે અથવા ધારદાર ધાતુ ખાઈ જવાથી તો ક્યારેક અન્નનળીમાં કોઈ અવરોધ થવાથી આફરો રહે છે. ચોમાસામાં કુણા લીલા ઘાસચારાનાં કારણે પશુઓમાં આફરાનું વધારે પ્રમાણમાં જોવા મળે છે.
SOURCE : INTERNET |
આ રોગના મુખ્ય લક્ષણમાં પશુનાં પેટમાં ડાબી બાજુનો ભાગ ફૂલી ઢોલકા જેવો બની જાય છે. આફરો જો ઓછી માત્રામાં હોય તો પશુને કોઈ તકલીફ થતી નથી અને કયારેક આપોઆપ મટી પણ જાય છે. જો આફરો વધતો જ જાય તો પશુનું પેટ ફુલવા લાગે છે અને તેના પર હાથ લગાવવાથી ઢોલ જેવો લાગે છે. પશુ ઉઠબેસ વધારે કરે છે અને પોતાના દાંત કચડે છે. જયારે આફરો ખૂબ જ વધી જાય તો પશુને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને મો ખુલ્લું રાખી શ્વાસ લે છે. કયારેક પશુ આડા પડી જાય છે અને શ્વાસ ન લઈ શકવાના કારણે મૃત્યુ પામે છે.
પશુઓમાં આફરાની તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે. જો આફરો સામાન્ય પ્રમાણમાં હોય તો પશુ હલનચલન કરી શકે છે. તેની પ્રાથમિક સારવાર માટે પશુ ને સીધુ ઉભુ રાખવું જોઈએ અને થોડું ચલાવવું જોઈએ. પેટના ભાગે હલાવવું જોઈએ તેમજ પશુને મો પાસે તેનું લાકડું બાંધવું જોઈએ જેથી પશુ તેને ચાટે અને તેની લાળનું પ્રમાણ વધે જેથી ગેસ બનવાનો ઓછો થાય. આ ઉપરાંત પશુનાં ગળાના ભાગમાં હાથ ફેરવવો જોઈએ જેથી તે ગેસને બહાર નીકળવામાં મદદરૂપ થાય. ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે પશુઓને જો આફરાના સામાન્ય ચિહ્નો જણાય તો ઘેટાં બકરાં જેવા પશુઓમાં 10 થી 20 ગ્રામ અને ગાયો ભેંસોમાં 40 થી 50 ગ્રામ ખાવાનો સોડા આપવાથી રાહત થાય છે. જો આફરો ખૂબ જ માત્રામાં હોય અને પશુને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો પશુનો જીવ બચાવવા તાત્કાલિક પશુ ડોકટરનો સંપર્ક કરી ઈલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે. આવા કિસ્સામાં પશુ ચિકિત્સક રબર પાઈપ મોં વાટે પેટમાં જવા દે છે અથવા તો પેટમાં સીધું કાણુ પાડે છે, જેથી પેટમાં ભરાયેલ ગેસ બહાર નીકળી જાય અને છાતી પર પેટનું દબાણ ઓછું થઈ જાય.
જો આફરો અન્નનળીમાં અવરોધને કારણે થયો હોય તો તે અવરોધને પશુની અન્નનળી પર હાથ ફેરવીને તેને મોં તરફ અથવા નાની રબરના પાઈપ વડે પેટમાં ધકેલવું જોઈએ. જો અન્નનળીનો અવરોધ ખસી શકે તેમ ન હોય તો તેને અન્નનળીની શસ્ત્રક્રિયા વડે કાઢવો પડે છે. આફરો જો લાંબા સમય સુધી રહે તો પશુના પેટની દિવાલને ખૂબ જ કાયમી નુકસાન થાય છે જેથી તેનો સમયસર ઈલાજ કરવો ખૂબ જ જરૂરી છે. આ આફરો પ્રાથમિક સારવારથી ના મટે તો ક્યારેક તેમાંથી પ્લાસ્ટિક અને ધાતુ પણ નીકળે છે. આ દરમિયાન પશુને બીજા સ્વસ્થ પશુના વાગોળ અસર પામેલા પશુના પેટમાં સીધો નાખી શકાય છે.
પશુમાં આફરો ના થાય તે માટે પશુના ખોરાક પર ધ્યાન રાખવું જરૂરી છે. પશુને વિવેકપૂર્વક લીલો સુકો ચારો ખોરાકમાં આપવો જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ. આ ઉપરાંત પશુને લીલો નવો ચારો આપવામાં પણ ખાસ કાળજી રાખવી જોઈએ. જાનવરના ખોરાકમાં ઘાસચારો અને ખાસ કરીને લીલા ચારાનું પ્રમાણ ધીરે ધીરે વધારવું જોઈએ. આફરો અટકાવવા માટે ઘાસચારો અને ખાણ દાણ કે જેને ટોટલ મિક્સર રાશન કહે છે એ ખોરાકની પદ્ધતિ અપનાવવી આજના સમયની જરૂરિયાત છે. ટોટલ મિક્સર રાશનના ઘણા ફાયદા છે જેમકે જાનવરની ઉત્પાદન ક્ષમતા અને પ્રજનન ક્ષમતા સારી એવી વધારી શકાય છે તેમજ આફરા જેવા જીવલેણ રોગો પણ નિવારી શકાય છે.
જાનવરના ખોરાકમાં ઘાસચારો અને ખાસ કરીને લીલા ચારાનું પ્રમાણ ધીરે ધીરે વધારવું જોઈએ આફરો અટકાવવા માટે ઘાસચારો અને ખાણદાણ કે જેને તો ધીરે ધીરે શરૂ કરવો જોઈએ અને તેની માત્રામાં ધીરે ધીરે વધારો કરવો જોઈએ. બને ત્યાં સુધી ફક્ત સૂકો ચારો આપવો ન જોઈએ પરંતુ સૂકા-લીલા ચારાનું મિશ્રણ આપવું જોઈએ. જાનવરને ભૂખ્યું ન રાખતા સમયાંતરે વિવેકપૂર્વક ઘાસચારો આપવો જોઈએ. ભૂખ્યા જાનવર ખૂબ જ ઝડપથી વધુ પ્રમાણમાં ચારો ખાઈ જવાથી આફરો થવાની શક્યતા વધી જાય છે.
0 Comments