દેશી કરિયાતુ, પાન કરિયાતુ કે જેને કાલમેઘ પણ કહે છે તે ગુજરાત રાજયમાં સર્વત્ર ઉગાડી શકાય તેમ છે. કરિયાતુ સામાન્ય રીતે સર્વ પ્રકારના તાવમાં ખૂબ ઉપયોગી છે. નળવિકાર, ગરમીના રોગો, કૃમિ, દાહ અને કંપારામાં, વાત, લોહીના ઉંચા દબાણ, મધુપ્રમેહ, પેટશૂળ, અતિસાર વગેરેમાં ઉપયોગી છે.
કરિયાતુની ખેતીને અનુકૂળ આબોહવા અને જમીન
કરિયાતુના છોડના સારા વિકાસ માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ માફક આવે છે. પૂરતાં વરસાદથી છોડનો વિકાસ સારો થાય છે. ઠંડા વાતાવરણમાં છોડનો વિકાસ થતો નથી અને ફૂટ પણ અટકી જાય છે. સામાન્ય રીતે આ છોડ કોઈપણ પ્રકારની જમીનમાં થઈ શકે છે. પરંતુ પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં છોડ ઉછેરી શકાતા નથી. કરિયાતુની વધુ સેન્દ્રિય તત્વોવાળી જમીનમાં વાવેતર કરવા ભલામણ છે. છાયામાં છોડનો વિકાસ બરાબર થતો નથી અને છાયાવાળા છોડ જયારે સૂકાઈ જાય ત્યારે તે સહેજ કાળાશ પડતો દેખાય છે. કાળાશ પડતા છોડ માલની ગુણવત્તા બગાડે છે. આણંદ કાલમેઘ-૧ કરિયાતુની ભલામણ કરેલ જાત છે.
કરિયાતુની ખેતીમાં ધરૂવાડીયુ તૈયાર કરવું.
કરિયાતાના બીજ ખૂબ જ નાના (૧ ગ્રામમાં આશરે ૬૦ બીજ) હોવાથી ધરૂવાડીયા માટે જમીન ખૂબ જ સારી રીતે તૈયાર કરવી જરૂરી છે. હળ અથવા કરબની બે-ત્રણ ખેડ કરી સમાર મારી જમીન બરાબર સમતળ કરવી જોઈએ. કરિયાતુની એક હેકટર જમીનમાં રોપણી કરવા માટે આશરે ૪૦૦ થી ૫૦૦ ગ્રામ બિયારણની જરૂર પડે છે. જૂન માસના પ્રથમ પખવાડિયામાં ધરૂ નાખવું જોઈએ. એક ચો.મી. દીઠ ૫-૬ ગ્રામ બીજ પૂંખવું જોઈએ.
આ પણ વાંચો : ઔષધીય પાક અશ્વગંધાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી
કરિયાતાના આખા છોડનો (એટલે કે પંચાગ- મૂળ, થડ, પાન, ફળ અને ફૂલ) ઉપયોગ ઔષધ તરીકે થાય છે. સામાન્ય રીતે હેકટરે ૧૦ ટન છાણીયું ખાતર તેમજ ર ટન દિવેલીનો ખોળ વાપરવાથી સારૂ ઉત્પાદન મળે છે.
કરિયાતુની ખેતીમાં વાવણી યોગ્ય અંતર
કરિયાતુના છોડની વાનસ્પતિક વૃધ્ધિ જોતા ૩૦×૩૦ સે.મી. અંત્તર વધુ અનુકૂળ આવે તેમ જણાય છે, છતાં જમીનની ફળદ્રુપતા, પાણીની સગવડતા વગેરે જોઈ અંતરમાં ફેરફાર કરી શકાય છે.
કરિયાતુની ખેતીમાં ફેરરોપણી
કરિયાતુની ખેતીમાં જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં ફેરરોપણી કરવી જોઈએ. આનાથી મોડી રોપણી કરવાથી ઉત્પાદન ઘટે છે. દરેક ખામણે એક તંદુરસ્ત છોડ રોપવો. શકય હોય ત્યાં સુધી રોપણી સાંજે ૪:૦૦ વાગ્યા પછીથી કરવી.
કરિયાતુની ખેતીમાં પિયત વ્યવસ્થાપન
સામાન્ય રીતે કરિયાતુનો પાક ચોમાસામાં થતો હોવાથી પિયત આપવાની જરૂરિયાત રહેતી નથી, પરંતુ ચોમાસામાં સંતોષકારક વરસાદ ન હોય તો ર થી ૩ પિયત પૂરતાં છે.
કરિયાતુની ખેતીમાં નિંદામણ તથા આંતરખેડ
કરિયાતુની ખેતીમાં નિદામણ જરૂરિયાત મુજબ ૨ થી ૩ વખત અને હાથ કરબડીથી બે વખત આંતરખેડ કરવી.
કરિયાતુની ખેતીમાં પાક સંરક્ષણ
કરિયાતુના પાકમાં સામાન્ય રીતે કોઈ રોગ જણાતો નથી, પરંતુ શિંગો અને પાન કોરી ખાનાર ઇંયળ થોડા પ્રમાણમાં જોવા મળે છે. વળી દવા છાંટેલા છોડનો ઔષધીય રીતે ઉપયોગ કરતાં વાપરનારને શારીરિક નુકસાન થઈ શકે છે. આથી પાક સંરક્ષણ માટે કોઈ રાસાયણિક જંતુનાશક દવાનો છંટકાવ કરવો હિતાવહ નથી. આમ છતાં દવાનો ઉપયોગ કરવો જરૂરી જ હોય તો કોઈ વનસ્પતિજન્ય દવા જેવી કે લીંબોળીના મીંજમાંથી બનાવેલી દવાનો જ ઉપયોગ કરવો.
આ પણ વાંચો : સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી
કારીયાતુની ખેતીમાં કાપણી યોગ્ય સમય
કરિયાતુની ખેતીમાં આશરે ૧૦૦ થી ૧૧૦ દિવસે કાપણી કરવી જોઈએ. પાકની કાપણી નવેમ્બર માસના પ્રથમ પખવાડીયામાં કરવી જોઈએ. છોડને કાપ્યા પછી જમીન પર પાથરીને સૂકવવા જોઈએ. રાત્રે સૂકવેલા છોડને ઢાંકી રાખવા કે જેથી ઝાકળથી છોડ કાળા ન પડી જાય. છોડ લગભગ એકાદ અઠવાડીયામાં સૂકાઈ જાય છે.
કરિયાતુની ખેતીમાં સરેરાશ ઉત્પાદન
કરિયાતુની ખેતીમાં આશરે ૩૦૦૦-૪૦૦૦ કિ.ગ્રા./ હેકટર સૂકું પંચાગ મળે છે.
ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો
આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.
0 Comments