ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં 26 માર્ચે સમગ્ર ભારતમાં બંધની જાહેરાત કરવામાં આવી હતી. આ જ સમયે અમદાવાદમાં એપ્રિલમાં ખેડુતોના મોટા આંદોલનનું આયોજન યોજવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી અને છ ખેડૂત નેતાઓની ધરપકડ કરી હતી.
ગુજરાતના અમદાવાદમાં ખેડૂત આગેવાન યુદ્ધવીરસિંહ સાથે અન્ય પાંચ ખેડૂત નેતાઓની પોલીસે ધરપકડ કરી હતી. ખેડૂત આગેવાનો પત્રકારો સાથે ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે પોલીસે આ ખેડૂત નેતાઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ ખેડૂત નેતાઓમાં રોષ છે.
અમદાવાદમાં તપોવન સર્કલ પાસે સંયુક્ત કિસાન મોરચા દ્વારા 4 અને 5 એપ્રિલે ગુજરાતમાં યોજાનારા મોટા ખેડૂત વિરોધ પ્રદર્શનની તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સંપૂર્ણ યોજના ખેડૂત નેતા યુદ્ધવીરસિંહે જણાવી હતી. તેમણે કહ્યું કે ખેડૂત નેતા રાકેશ ટીકૈત પણ અમદાવાદ આવશે અને તેઓ ગુજરાતમાં પણ આ કાયદા અંગે ખેડૂતોને જાગૃત કરશે. તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે યુદ્ધવીરસિંહ સાથે ગજેન્દ્રસિંહ, જે.કે.પટેલ, સુભાષ ચૌધરી, વાસુદેવસિંહ અને દશરથસિંહને પણ કસ્ટડીમાં લીધો હતો.
ખેડૂત નેતા યુદ્ધવીરસિંહને કસ્ટડીમાં લેનારા પોલીસ અધિકારીએ કહ્યું કે યુદ્ધવીરસિંહ અને અન્ય ખેડૂત નેતાઓ પાસે પ્રેસ કોન્ફરન્સ કરવાની મંજૂરી નથી. જોકે, યુદ્ધવીરસિંહે કહ્યું કે આ ગુજરાતનું વિકસિત મોડલ છે, જ્યાં કોઈને શાંતિથી બોલવાનો અધિકાર નથી. પોલીસે ખેડૂત આગેવાનોની વાત સાંભળી ન હતી અને તેઓને અમદાવાદના શાહીબાગ હેડ કવાર્ટર્સ ખાતે કબજે કર્યા હતા.
ગુજરાતમાં સંયુક્ત કિસાન મોરચાએ 4 અને 5 એપ્રિલના રોજ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પ્રદર્શનનું નેતૃત્વ યુદ્ધવીરસિંહ અને ખેડૂત નેતાઓ રાકેશ ટીકૈત કરશે. 4 એપ્રિલની સવારે રાકેશ ટીકૈત અંબાજીમાં અને પાલનપુરમાં ખેડૂતો સાથે સંવાદ કરશે, ત્યારબાદ ઊંઝામાં પાટીદારોની કુળદેવી ઉમિયાધામના દર્શન કરશે અને ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે. 5 એપ્રિલની સવારે ગાંધી આશ્રમમાં ખેડૂતોની બેઠક મળશે ત્યારબાદ સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ અને બારડોલીમાં પણ ખેડુતોની બેઠક મળશે.
0 Comments