ડોડી (જીવંતી) ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને ડોડીનું આયુર્વેદિક મહત્વ

ડોડીને જીવંતી એટલે જીવંત રાખનાર એવો પર્યાય છે. ડોડીની મુખ્યત્વે બે જાતની જોવા મળે છે. એકને ગોળ પાન હોય છે તેને મોટી ડોડી કે માલતી પણ કહે છે. તેના ફૂલ ઝૂમખામાં તથા મોટા કદના હોય છે. આ ફૂલની ભાજી કરીને ખાવામાં આવે છે. આ ડોડીમાં મુખ્યત્વે મ્યુકોસાઈડ, ડેઝીન, આલ્કલોઈડ, ગ્લાઈકોસાઈડ, ટ્રીગોસાઈડ વગેરે સક્રિય તત્વો આવેલા છે. આ ડોડી મુખ્યત્વે ગુમડા, આંખના દર્દો, શરદી વગેરે દર્દોમાં ઉપયોગી છે. તેના ફળ (ડોડવા) કદમાં ઘણાં મોટા હોય છે. બીજી ડોડી કે જીવંતી તરીકે ઓળખાય છે. તેના પાન પ્રમાણમાં લાંબા, લંબગોળ હોય છે, ફૂલનું કદ પ્રમાણમાં નાનું હોય છે તથા ફળ (ડોડવાનું કદ પણ નાનું હોય છે. જીવંતીમાં મુખ્યત્વે ટોકોફેરોલ્સ, ફાયટોસ્ટીરોલ્સ, અશ્માસ્ટેરોલ, બીટાસ્ટીરોલ, ગામાસ્ટરોલ જેવા સક્રિય તત્વો આવેલા છે. આ ડોડી-જીવંતી ગુજરાતમાં અગાઉ ખેતરની વાડે ઘણી જગ્યાએ જોવા મળતી તથા તેની ભાજી બહોળા પ્રમાણમાં વપરાતી, દુષ્કાળમાં ડોડી ગરીબ કુટુંબો માટે આશિર્વાદ સમાન હતી, પરંતુ તે જૂજ પ્રમાણમાં જોવા મળે છે. તેનામાં રસાયણ ગુણ છે, તે પચવામાં લધુ, શીતળ તથા ત્રિદોષશામક છે. ડોડીમાં ગર્ભસ્ત્રાવ કે ગર્ભપાતને અટકાવવામાં સારું પરિણામ આપનાર હોવાથી રતવાની દવામાં તે ઘણી ઉપયોગી છે. કૃમિ, હરસ, નેત્રરોગ, રકતપિત, ક્ષય, દાહ, શ્વાસ, ઉધરસ, અશકિત, રતાંધળાપણું, મુખરોગ, ઝાડા, વાઢીયા વગેરે મટાડે છે. સ્તનમાં દૂધ વધારવાનો તથા આંખના રોગો (ખાસ કરીને ઝામર)માં ઘણી ઉપયોગી છે. દિવસે દિવસે તેનો આયુર્વેદિકમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી માંગ વધતાં તેમજ તેની આવક ઘટતાં ગુજરાતમાં ઘણી જગ્યાએ તેની ખેતી શરૂ થઈ છે, ડોડી એક વર્ષ કે તેથી વધુ સમય સુધી રાખી શકાય છે.

ડોડીની ખેતી
ડોડી (જીવંતી)

ડોડીના પાકને અનુકૂળ જમીન અને આબોહવા

ડોડીના પાકને રેતાળ અને ગોરાડું જમીન વધુ માફક આવે છે. મધ્યમકાળી પરંતુ સારા નિતારવાળી જમીનમાં પણ ડોડીને ઉછેરી શકાય છે. ડોડીના પાકને ગરમ અને સૂકું હવામાન અનુકૂળ રહે છે. 

ડોડીના પાક માટે જમીનની તૈયારી

ડોડીના પાક માટે એપ્રિલ-મે માસ દરમ્યાન જમીનમાં ઊંડી ખેડ કરવી આ ઉપરાંત ચોમાસા અગાઉ જમીન ઓછી ફળદ્રુપ હોય તો હેકટર દીઠ ૧૦ ટન છાણીયું ખાતર અને ૨ ટન દિવેલી ખોળ આપી જમીન ખેડી તૈયાર કરવી. થોડા વિસ્તારમાં ડોડી વાવવાની હોય તો 60×60 સેમીના અંતરે 30 સે.મી. ઊંડા ખાડા કરી તપાવવા.

ડોડીનું સંવર્ધન

ડોડીનું સંવર્ધન બે રીતે થાય છે (૧) કટકા કલમથી અને (૨) બીજ

કટકા કલમથી સંવર્ધન

ડોડીનું સંવર્ધન કટકાથી કરવામાં આવે છે. માર્ચ-એપ્રિલ માસમાં ડોડીના મધ્યમ પાકટ વેલા પસંદ કરી દરેક કટકામાં ઓછામાં ઓછી બે આંતરગાંઠ આવે તે રીતે રેતી તથા માટી મિશ્રિત કયારામાં એક આંતરગાંઠ જમીનમાં દબાય તે રીતે થોડા ત્રાંસા રોપી પાણી આપવું. કટકાને કાપતી વખતે ધારદાર ચપ્પા વડે આંતરગાંઠ નીચે છૂંદાય નહીં તે રીતે ત્રાંસાં કાપવા તથા કટકો કાપેલ ભાગ તરફ થોડો નમતો રહે તે રીતે ત્રાંસો રોપી ઝારા વડે પાણી આપવું. જરૂરિયાત મુજબ પિયત આપતાં રહેવું આશરે ૨૦ થી ૨૫ દિવસ સુધીમાં તેમાં મુળ આવી પાન ફુટવાની શરૂઆત થાય છે. મૂળ ફૂટયા પછી મે-માસમાં રોપને માટી તથા ખાતર ભરેલી પોલીથીનની કોથળીમાં ફેરવવા તથા છાંયે રાખી જરૂરિયાત મુજબ પિયત આપતા રહેવું. જરૂરિયાત કરતાં વધુ પિયત ન આપવું.

બીજથી સંવર્ધન

બીજથી સંવર્ધન કરવા માટે રેતી તથા માટી ગાદી કયારામાં માર્ચ-એપ્રિલ માસમાં બીજને ૧૦ સે.મી.ના અંતરે આશરે ૦.૫ સે.મી.ની ઊંડાઈએ વાવી પાણી આપવુ. આશરે ૮ થી ૧૦ દિવસમાં ઘણાં ખરા બીજ ઉગી જશે. ધરૂને સમયાંતરે ઝારા વડે પિયત આપતાં રહેવું. આ રોપ ૪૫ દિવસના થાય ત્યારે સેન્દ્રિય ખાતર તથા માટી ભરેલ કોથળીઓ છાંયે રાખવી, કોથળીમાંના રોપને જરૂરિયાત મુજબ ૩-૪ દિવસે પિયત આપતા રહેવું. 

ડોડીના પાકમાં ફેરરોપણી

ડોડીના અગાઉથી તૈયાર કરેલ રોપ જમીનમાં સારો વરસાદ થતાં જૂનના આખર અને જુલાઈ માસમાં કોથળીમાં તૈયાર કરેલ રોપ ૬૦ x ૬૦ સે.મી.ના અંતરે રોપી દેવા. અગાઉથી ખાડા કરેલ હોય તો ખાડાની માટીથી અડધુ સેન્દ્રિય ખાતર તથા અડધી માટી મિશ્રણ કરી ખાડામાં ભરી રોપ રોપી દેવો. ફેરરોપણી સમયે વરસાદ ન હોય તો પિયત આપવું.

ડોડીના પાકમાં પાછલી માવજત

ડોડીની વાવણી બાદ વર્ષ દરમ્યાન ૩ થી ૪ વખત આંતરખેડ કરવી તથા જરૂરિયાત મુજબ નિંદામણ કરી ખેતર નીંદણમુકત રાખવું. ટેકા માટે મંડપ બનાવેલ હોય તો વેલાને દોરીના ટેકાથી મંડપ ઉપર ચઢાવવા. દરેક કાપણી બાદ છોડના ફરતે કોદાળી વડે ગોડ આપવો.

ડોડીના પાકમાં પિયત વ્યવસ્થાપન

સામાન્ય રીતે ડોડીના પાકમાં ઓછા પિયતની જરૂરિયાત રહે છે. ચોમાસા દરમ્યાન ભાગ્યેજ એકાદ-બે પિયતની જરૂરિયાત રહે છે. શિયાળામાં પ્રથમ કાપણી પછી ૧૫ દિવસે પિયત આપવું. બાકીના પિયત ૨૦ થી ૨૫ દિવસે તથા ઉનાળામાં બીજી કાપણી પછી ૧0-૧ર દિવસે પિયત આપી બાકીના પિયત ૧૫-૨૦ દિવસના અંતરે જમીનનો પ્રકાર, હવામાન તથા છોડની જરૂરિયાત ધ્યાને લઈ આપવા.

ડોડીના પાકમાં સંરક્ષણ

દોડીના પાકમાં નુક્શાન કરતી જીવાત અને તેનું નિયંત્રણ

મોલો-મશી

ડોડીના પાકમાં મોલો મશી કુમળી ડુંખ અને પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. તેમાંથી ચીકણું પ્રવાહી ઝરે છે જે નીચેના પાન ઉપર પડવાથી તેની ઉપર કાળી ફૂગની વૃધ્ધિ થાય છે.

તડતડિયાં

ડોડીના પાકમાં તડતડિયા પાનની નીચલી સપાટી પર રહી પાનમાંથી રસ ચૂસી નુકશાન કરે છે.

ચિકટો

ચીકટો જીવાત પોચા શરીરવાળી તથા તેના શરીર ઉપર સફેદ રંગના તાંતણા જોવા મળે છે. ડોડીના પાકમાં મોટા ભાગે તે કુમળા પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે જેથી તેના પાન વળીને કોકડાઈ ગયેલા જોવા મળે છે.

ઉધઈ

ઉધઈ તેના સ્વભાવ પ્રમાણે થડ પાસે ગેલેરી બનાવીને નુકસાન કરે છે.

મૂળનો કોહવારો

ડોડીના પાકમાં મોટા છોડમાં ઘણીવાર મૂળનો કોહવારો જોવા મળે છે. શરૂઆતમાં ઉપરથી પાન ચીમળાઈને સૂકાઈ જાય છે અને છેવટે ખરી પડે છે અને વેલા પણ ધીરે ધીરે સૂકાઈ જાય છે.

ઉપરોક્ત રોગ અને જીવાતનાં નિંયત્રણ માટે લીબોળીનો ખોળ, માજ, કરંજ ખોળ વગેરેનો ઉપયોગ કરી શકાય,

ડોડીના પાકમાં કાપણી

ડોડી બહુવર્ષાયુ પાક છે તથા તેની કાપણી ફળદ્રુપ તથા સારી માવજતવાળી જમીનમાં ત્રણ વખત થઈ શકે, પ્રથમ કાપણી ઓકટોબર માસ પૂરો થતાં અથવા નવેમ્બર માસના પ્રથમ અઠવાડીયમાં, બીજી કાપણી માર્ચ માસમાં તથા ત્રીજી કાપણી જૂન માસના પ્રથમ અઠવાડીયામાં કરવી, કાપણી મુખ્યત્વે છોડને જમીનથી 30 સે.મી. ઉંચાઈએ વેલા સહિત કાપી તડકે સૂકવવા. લીલો રંગ મેળવવા માટે એક બે દિવસ તાપમાં રાખ્યા પછી છાંયે સૂકવવા. પાન સહિત વેલા બરાબર સૂકાયા બાદ કોથળામાં ભરવા.

ડોડીનું સરેરાશ ઉત્પાદન

ડોડીના પાકમાં ત્રણ કાપણી મળીને હેકટર દીઠ અંદાજે ૮૦૦૦ થી ૧૦૦૦૦ કિ.ગ્રા. વેલા સહિત સૂકા પાનનું ઉત્પાદન મળે છે.

Post a Comment

0 Comments