ડ્રેગન ફ્રુટના બજાર ભાવ અને વધતી જતી માંગના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની લાભદાયક ખેતી તરફ ખેડૂતો આકર્ષાય રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતી ખેડૂતો માટે અનેક રીતે ફાયદાકારક તો છે જ સાથે લોકો માટે પણ ફાયદાકારક છે. લોકો ડ્રેગન ફૂટનું સેવન માત્ર સ્વાદ કે શોખ માટે જ નથી કરી રહ્યા પણ ડ્રેગન ફ્રુટમાંથી મળતા ઔષધીય ગુણ અને બીમારી સામે લડવાના ગુણધર્મને કારણે પણ લોકોમાં ડ્રેગન ફ્રૂટની માંગ દિવસેને દિવસે વધી રહી છે.
Source : Internet |
વધતાં જતાં ઉદ્યોગો અને ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રદુષણ વધી રહ્યું છે અને તેના કારણે બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ, તણાવ જેવી બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે. ડાયાબિટિસને રોકવામાં, ઝેરી દ્રવ્યો ઓછાં કરવામાં, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં ડ્રેગન ફ્રુટ ઉપયોગી સાબિત થયું છે.
ડ્રેગન ફ્રુટનો 70 થી 80 ટકા ભાગ ખાવા યોગ્ય હોય છે જેને પલ્પ કહેવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટના પલ્પમાં વિટામિન સી, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઈબર, ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. કુદરતી ઉપચારમાં તો ડ્રેગન ફૂટ ખૂબ જ લાભદાયી છે.
ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થવા લાગ્યો છે. રસ, જામ, સીરપ, આઈસ્ક્રીમ, દહીં, સલાડ, સૂપ, જેલી, કેન્ડી અને પેસ્ટ્રીઝ સુધીની બનાવટોમાં ડ્રેગન ફ્રુટનો વપરાશ વધી રહ્યો છે સાથે કુદરતી રંગો બનાવવામાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે.
ડ્રેગન ફ્રુટની ખેતી પાણીની અછતવાળા વિસ્તારમાં પણ સરળતાથી કરી શકાય છે. ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદની અનિયમમિતતા અને પાક નિષ્ફળ જવાની શકયતાઓ વધી ગઈ છે એની સામે ડ્રેગન ફ્રુટની ખેતી સુરક્ષિત ખેતી છે. ડ્રેગન ફ્રૂટની ખેતી દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ કે ખરાબ જમીનમાં પણ થાય છે. ડ્રેગન ફૂટના ગુણોની જેમ ડ્રેગન ફ્રૂટનો દેખાવ પણ આકર્ષક હોય છે. સામાન્ય રીતે, ત્રણ પ્રકારના ડ્રેગન ફ્રુટ જોવા મળે છે. 1) લાલ છાલ સફેદ પલ્પ 2) લાલ છાલ લાલ પલ્પ અને 3) પીળી છાલ સફેદ પલ્પ.
ડ્રેગન ફ્રુટની ખેતી માટે અનુકૂળ વાતાવરણ
ડ્રેગન ફુટના છોડના સારા વિકાસ માટે 50 થી 1000 મીમી સરેરાશ વરસાદ જરૂરી ગણાય છે. ઉષ્ણ કટીબંધ આબોહવા અને વધુમાં વધુ 20 ℃ થી 30 ℃ તાપમાન ડ્રેગન ફ્રૂટની ખેતી માટે અનુકૂળ છે. અલબત્ત, સાવ સુક્કા પ્રદેશમાં સિચાઈની સુવિધા હોય તો ત્યાં પણ ડ્રેગન ફુટેનું વાવેતર થઈ શકે છે. વધુ વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વરસાદના વધારાનું પાણી ખેતરની બહાર કાઢવાની વ્યવસ્થા કરી લેવી જોઈએ. જો વરસાદનું પાણી ભરાઈ રહે તો છોડના થડ અને ફળની અંદર સડો પેસી જાય છે.
ડ્રેગન ફ્રૂટની રોપણી
ડ્રેગન ફ્રુટની રોપણી માટે જૂનથી ઓગસ્ટ સુધીનો સમયગાળો આદર્શ સમયગાળો ગણાય છે. ડ્રેગન ફ્રુટની રોપણી કટકા દ્વારા કરવી પડે છે. છોડના સારા વિકાસ માટે 15 સે.મી. થી 30 સે.મીના કટકાનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે. મૂળના સડાના રોગને રોકવા માટે કટકાને ફુગનાશકની માવજત આપી, ઠંડી સૂકી જગ્યાએ રાખી પાંચથી સાત દિવસ પછી નર્સરીમાં રોપણી કરવી જોઈએ. ૩૦ થી ૪૦ દિવસમાં મૂળના ઉદ્દભવ પછી તેને મુખ્ય ખેતરમાં બે હાર વચ્ચે ચાર મીટર અને બે છોડ વચ્ચે ત્રણ મીટરના અંતરે રોપણી કરવી જોઇએ. ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીનમાં બે હાર વચ્ચે ૩ મીટર અને બે છોડ વચ્ચે પણ ૩ મીટરના અંતરે રોપણી કરવી જોઈએ.
ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન
ડ્રેગન ફ્રુટના દરેક છોડ દીઠ રોપણી દરમિયાન જ 10 કિ.ગ્રા. છાણિયું ખાતર અને 100 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફટ આપવું. પ્રથમ બે વરસમાં પ્રતિ છોડ દીઠ 300 ગ્રામ નાઇટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ અને 200 ગ્રામ પોટેશિયમ આપવું. પ્રત્યેક પરિપકવ છોડને દર વર્ષે 540 ગ્રામ નાઇટ્રોજન, 320 ગ્રામ ફોસ્ફરસ અને 300 ગ્રામ પોટેશિયમ આપવું. પોષકતત્વોની આ માત્રાને વર્ષમાં ચાર ડોઝમાં આપવી જોઇએ.
ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પીયત વ્યવસ્થાપન
અન્ય પાકોની જેમ ડ્રેગન ફ્રુટને પાણીની ખાસ જરૂર હોતી નથી. છોડ લાંબો ટકે એ માટે પિયતનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે ફુલ આવવાના સમય પહેલાં જમીન સુક્કી રાખવામાં આવે છે. જેને કારણે છોડ પર વધારે ફુલો ખીલે છે. જમીનમાં ભેજને જાળવી રાખવા માટે ટપક પદ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે.
ડ્રેગન ફ્રુટની ખેતીમાં સરેરાશ ઉત્પાદન
ડ્રેગન ફ્રૂટની રોપણીના પ્રથમ વર્ષથી જ ફળ આવવાનું ચાલુ થઇ જાય છે. સરખી માવજત કરવામાં આવે તો રોપણીના ત્રીજા વર્ષથી હેકટરે સરેરાશ 12 ટન જેટલું ઉત્પાદન મેળવી શકાય છે.
ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ખર્ચ અને નફો
ડ્રેગન ફુટની ખેતી પ્રતિ હેકટરે સરેરાશ છ થી સાત લાખ રૂપિયાના પ્રારંભિક ખર્ચે ચાલુ કરી શકાય છે. આ પાકને ખાસ કોઈ પાક વ્યવસ્થાપનની જરૂર નથી. ડ્રેગન ફ્રુટના ઉત્પાદન પછી 120 થી 250 રૂપિયા પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચી શકાય છે. ઓછા રોકાણ, ઓછી મહેનત, પ્રતિકૂળ વાતાવરણ કે વરસાદ પર નિર્ભરતા વગર ડ્રેગન ફૂટ ચોક્કસ સારી કમાણી કરાવી આપે છે.
ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ધ્યાન રાખવા જેવી બાબતો
ડ્રેગન ફ્રૂટની રોપણીના છ થી નવ મહિના બાદ ફળ આવવાનું ચાલું થાય છે. અપરિપક્વ ફળની છાલ ચળકતા લીલા રંગની હોય છે. જે પાકવાના સમયે ધીમે ધીમે લાલ રંગમાં રૂપાંતરિત થવા લાગે છે. ડ્રેગન ફ્રૂટને સૂર્યના તીવ્ર કિરણો અને પક્ષીઓથી રક્ષણ આપવા માટે હવાદાર પેપર બેગનો ઉપયોગ કરવો.
પાકની કાપણી માર્કેટની માંગ પ્રમાણે કરવી જોઈએ. જો માલ સ્થાનિક માર્કેટમાં વેચવાનો હોય તો કાપણી ફળની છાલ લાલ અથવા ગુલાબી રંગની થયા પછી ત્રણથી ચાર દિવસે કરવી, પણ જો માલ દૂરના માર્કેટમાં વેચવાનો હોય તો કાપણી ફળનો રંગ બદલાયાના એક દિવસ પછી કરે લેવી જોઈએ.
ડ્રેગન ફ્રુટનો સંગ્રહ કરવાનો હોય તો એ ઓરડાના તાપમાનનું ધ્યાન રાખવું. 25 ℃ થી 27 ℃ તાપમાનમાં ડ્રેગન ફ્રુટને પાંચથી સાત દિવસ, 18 ℃ જેટલા ઠંડા તાપમાનમાં દસથી બાર દિવસ અને 8 ℃ તાપમાનમાં વીસથી બાવીસ દિવસ સુધી સંગ્રહ કરીને શકાય છે.
0 Comments