ભારતમાં ગાયનું મહત્ત્વ આદિકાળથી રહેલું છે. આપણા પ્રાચીન ગ્રંથો તેમજ વેદ-ઉપનિષદની અંદર પણ ગૌ મહિમા વિષે ભારોભાર વર્ણન કરવામાં આવ્યું છે. ઋગ્વદની અંદર ગાયની ગણના ‛દેવી’ તરીકે કરવામાં આવી છે. આપણા ધર્મગ્રંથો અનુસાર ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. ‛ગીતા'માં ભગવાન શ્રીકૃષ્ણએ કહેલું કે “મનુષ્ય ગાયને ઘાસ અને અન્ન આપીને પણ ભગવાનની ભક્તિ કરી શકે છે. ગાયોમાં હું કામધેનું છું.’ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા કે “ગાય દેશના વિકાસ અને પ્રગતિના મૂળમાં છે.'
ભારતમાં ગ્રામ્ય વિસ્તારની આવકમાં ગાયનો મહત્ત્વનો ભાગ રહેલો છે. ગાયના છાણ, મૂત્ર અને દૂધનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ કરવામાં આવે છે. તેના છાણ અને માટીનું મિશ્રણ કરીને દિવાલ પર લગાવવાથી જંતુ અને સરીસૃપથી રક્ષણ મેળવી શકાય છે. આ ઉપરાંત છાણનો ઉપયોગ બાયોગેસના ઉત્પાદનમાં થાય છે. જે ‘ગોબરગેસ’ કહેવાય છે. તેનું મૂત્ર ગામડાઓના ઘરોમાં જંતુનાશક તરીકે વપરાય છે. ગાયના છાણ અને મૂત્રનું મિશ્રણ ખેતીલાયક જમીનમાં સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે. તેના દૂધમાંથી દહીં, ઘી, માખણ તથા પનીર બને છે. તેથી ગાયને ગ્રામીણ ભારતની કરોડરજ્જુ ગણવામાં આવે
આપણા દેશમાં કુલ 40 જેટલી ગાયની ઓલાદો જોવા મળે છે. ગુજરાત રાજ્યની ગાયની ઓલાદો ભારતમાં અને કેટલીક તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ગુજરાત રાજ્યમાં ગાયની મુખ્ય ત્રણ જાતિઓ કાંકરેજ, ગીર અને ડાંગી છે. જેમાં કાંકરેજ દૂધ અને કામ બંને માટે, ગીર દૂધ માટે તથા ડાંગી ફક્ત કામ માટે રાખવામાં આવે છે.
1) કાંકરેજી ગાય :
ગુજરાત રાજયના બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ ગામના નામ પરથી આ જાતિનું નામ કાંકરેજ પાડવામાં આવ્યું છે. કાંકરેજ ગાયને ગુજરાતમાં બનીઆઈ, વાગળ, વાવીર તથા વઢીયારી ગાય તરીકે ઓળખવામાં આવે છે. પરદેશમાં ગુજરાતી ગાય તરીકે ઓળખાય છે. આ ઓલાદના પશુઓ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને કચ્છ સુધી પ્રસરેલા જોવા મળે છે.
|
SOURCE : INTERNET |
કાંકરેજી ગાયના બાહ્ય લક્ષણો :
કાંકરેજી ગાયના પશુઓ મોટા અને વજનદાર હોય છે. કાંકરેજી ગાયોમાં સફેદ તથા ભૂખરો રંગ જોવા મળે છે. સાંઢમાં શરીરનો આગળનો ભાગ, પાછળનો ભાગ તથા ખંધ કાળા રંગની હોય છે. પ્રાણીના શીંગડા અર્ધચંદ્રાકાર, જાડા, વજનદાર અને ઊંચે સુધી ચામડીથી કવર હોય છે. કપાળ પહોળું, ચહેરો સાંકડો તથા આંખો મોટી હોય છે. કાન મોટા અને લટકતા હોય છે. પગની ખરીઓ નાની ગોળ અને સહેજ પોચી હોય છે. બાવલુ મધ્યમ કદનું હોય છે. નરમાં ખૂંધ સુવિકસિત હોય છે. પૂંછડીનો છેડો કાળા રંગનો હોય છે.
કાંકરેજી ગાયના આર્થિક લક્ષણો :
કાંકરેજી ગાયની ઓલાદ એ દ્વિઅર્થી છે. પુખ્ત ગાયનું વજન 450 થી 550 કિ.ગ્રા. અને પુખ્ત સાંઢનું વજન 550 થી 700 કિ.ગ્રા. તથા તાજા જન્મેલા બચ્ચાનું વજન 20 થી 23 કિ.ગ્રા. હોય છે. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 1200 થી 1800 કિ.ગ્રા. હોય છે. ફેટ 4.5 ટકા હોય છે. આ ઓલાદમાં પ્રથમ વિયાણની ઉંમર 45 થી 54 મહિના તથા બે વેતર વચ્ચેનો ગાળો 17 થી 18 માસ તથા વસૂકેલ ગાળો 90 થી 120 દિવસ હોય છે. કાંકરેજી ગાય ચપળ પણ ભડકણા સ્વભાવની હોય છે. કાંકરેજી ઓલાદના પશુઓ ભારવાહક તથા ઝડપી ચાલના લક્ષણો ધરાવે છે. કાંકરેજી ગાયના બળદો તેની સવાઈ ચાલ માટે સુપ્રસિદ્ધ છે.
ગુજરાતમાં કાંકરેજ ગાયના ઉછેર કેન્દ્રો :
લાઈવસ્ટોક રિસર્ચ સ્ટેશન, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જિ. બનાસકાંઠા 385506 (ફોન : 02648-278463)
પશુ ઉછેર કેન્દ્ર, ભૂજ જિ. કચ્છ
પશુ ઉછેર કેન્દ્ર, થરા જિ. બનાસકાંઠા
(2) ગીર ગાય:
ગીર ગાય કાઠિયાવાડી, ભોડાલી, સોરઠી તથા દેસાણ તરીકે ઓળખાય છે. ગીર ગાયનું મૂળ સ્થાપિત વિસ્તાર ગીરના જંગલો છે. ગીર ગાયના પશુઓ જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટ જીલ્લાઓમાં જોવા મળે છે. ગીર ગાયના પશુઓ બીજા દેશમાં નિકાસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. બ્રાઝિલ દેશમાં ગીર ગાયની ઓલાદ મોટા પ્રમાણમાં જોવા મળે છે. બ્રાઝિલમાં કાંકરેજ અને ગીર ઓલાદના સંકરણથી ઈન્ડોબ્રાઝિલ નામની ઓલાદ ઉત્પન્ન કરવામાં આવેલ છે.
|
SOURCE : INTERNET |
ગીર ગાયના બાહ્ય લક્ષણો :
ગીર ગાયના પશુઓના રંગમાં બહુ વિવિધતા જોવા મળે છે. ગીર ગાય રંગે રાતી, કાળી કે સફેદ ડાઘાવાળી હોય છે. મોટું ગોળ ઢાલ જેવું અને ફૂલેલું કપાળ એ ગીર ગાયની ખાસિયત છે. કાન લાંબા, પહોળાં અને વળેલા પાન જેવા હોય છે. શીંગડા સામાન્ય રીતે બહાર તરફથી નીકળી પ્રથમ નીચે વળી અને પછી પાછળ તરફ વળેલા હોય છે. પૂંછડી લાંબી અને પાતળી હોય છે. ખૂંધ ગાયોમાં મધ્યમ કદની અને બળદમાં મોટી હોય છે. બાવલું મધ્યમ કદનું સુડોળ અને લબડતુ હોય છે.
ગીર ગાયના આર્થિક લક્ષણો :
પુખ્ત ગીર ગાયનું વજન 290 થી 400 કિ.ગ્રા. તથા પુખ્ત ગીર બળદનું વજન 500 થી 600 કિ.ગ્રા. તથા ગીર ગાયના તાજા જન્મેલા બચ્ચાનું વજન 20 થી 24 કિ.ગ્રા. હોય છે. ગીર ઓલાદની ગાયો વધારે દૂધ ઉત્પાદન આપતી ગાયો તરીકે પ્રખ્યાત છે. એક વેતરનું સરેરાશ દૂધ 1300 થી 1900 કિ.ગ્રા. આપે છે. ફેટ 4.5 થી 5.5 ટકા હોય છે. પ્રથમ વિયાણની સરેરાશ ઉંમર 45 થી 55 માસ હોય છે તથા બે વેતર વચ્ચેનો ગાળો 15 માસ હોય છે. ગીર ગાયનો વસૂકેલો સમય 125 થી 190 દિવસ હોય છે. બળદ ભારવાહક છે પરંતુ ચાલવામાં ધીમી ગતિ હોય છે.
ગુજરાતમાં ગીર ગાયના ઉછેર કેન્દ્રો :
લાઈવસ્ટોક રિસર્ચ સ્ટેશન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જિ. જૂનાગઢ 362001(ફોન : 0285-2670177)
પશુ ઉછેર કેન્દ્ર, ભૂતવડ
અક્ષર પુરુષોત્તમ મંદિર ગૌશાળા, બોચાસણ જી. આણંદ
(3) ડાંગી ગાય :
ડાંગી ગાયનું મૂળસ્થાપિત ડાંગના જંગલો ઉપરાંત મહારાષ્ટ્રના સરહદી જીલ્લાઓ છે. ડાંગી ગાયની ઉત્પત્તિ ડુંગર વિસ્તારના સ્થાનિક ઢોર અને પશ્ચિમ વિસ્તારના ગીર ઢોરના સંવર્ધનથી થયેલ હોવાનું માનવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ડાંગ જીલ્લામાં ધરમપુર તથા વાંસદા તાલુકામાં અને મહારાષ્ટ્ર રાજ્યમાં નાસિક, થાણા અને અહેમદનગર જીલ્લામાં ડાંગી ગાયનો ઉછેર થાય છે.
|
SOURCE : INTERNET |
ડાંગી ગાયના બાહ્ય લક્ષણો :
ડાંગી ગાયના પશુઓ બદામી કે સફેદ અથવા કાળા કે રાતા ધાબાવાળા હોય છે. ડાંગી ગાયના પશુઓ મધ્યમ કદના અને મજબૂત બાંધાના હોય છે. માથું નાનું અને બહાર ઉપસતું હોય છે. હોઠ મોટા અને કાન નાના હોય છે. શીંગડા નાનાં, ટૂંકાં અને જાડા હોય છે. પીઠ દેખાવે ટૂંકી હોય છે. ડાંગી ગાયના પગ મજબૂત અને કઠણ ખરીવાળા હોય છે. તેમની ચામડી ખાસ પ્રકારની હોય વરસાદના પાણીની અસર શરીર પર ઓછી થાય છે.
ડાંગી ગાયના આર્થિક લક્ષણો :
ડાંગી ગાયના પશુઓ મુખ્યત્વે વરસાદવાળા પ્રદેશમાં ખેતીકામ અને ભારવાહક માટે વપરાય છે. બળદ લાકડાંની હેરફેર કરવા ઉપયોગી થાય છે. ડાંગી ગાયના પશુઓ મજબૂત તથા વરસાદ સામે ટકી શકે તેવા હોય છે. ગાયોનું દૂધ ઉત્પાદન ખૂબ જ ઓછું હોય છે. એક વેતરનું સરેરાશ દૂધ 500 થી 800 લિટર હોય છે. ફેટ 4 ટકા હોય છે. પ્રથમ વિયાણની સરેરાશ ઉંમર 50 થી 55 માસ હોય છે તથા બે વેતર વચ્ચેનો ગાળો 18 માસ હોય છે.
ગુજરાતમાં ડાંગી ગાયનું ઉછેર કેન્દ્ર :
લાઈવસ્ટોક રિસર્ચ સ્ટેશન, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી – 396450 (ફોન : 02637-282771)
ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો
આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.
0 Comments