કપાસ આપણા રાજયનો અગત્યનો રોકડીયો પાક ગણાય છે. કપાસનું ઉત્પાદન ઘટાડનાર જુદા જુદા પરિબળ પૈકી જીવાતો એક અગત્યનું પરિબળ છે. કપાસના પાકમાં ઉપદ્રવ કરતી જુદી જુદી જીવાતોને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે (1) રસ ચૂસીને નુકસાન કરતી જીવાતો અને (2) પાન, કળી, ફૂલ, જીડવાને ખાઈને નુકસાન કરતી જીવાતો.
આજે આપણે કપાસના પાકનો રસ ચૂસીને કપાસને નુકશાન કરતી જીવતો અને તેના નિયંત્રણ વિશે જાણકારી મેળવીશું.
રસ ચૂસીને નુકસાન કરતી જીવાતો
બીટી જનીન દાખલ કરેલ કપાસની જાત હાલ મોટા પાયે વાવેતર હેઠળ છે. જે પાન, કળી, ફૂલ અને જોડવાની ઈયળ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેથી હાલ ચૂંસિયાં પ્રકારની જીવાતો સામે કપાસના પાકને સંરક્ષણ પુરૂ પાડવુ જરૂરી છે. કપાસના છોડમાંથી રસ ચૂસીને નુકસાન કરતી જીવાત નીચે મુજબ છે.
મોલો
SOURCE : INTERNET |
આ જીવાત ગુજરાતના જુદા જુદા વિભાગમાં ગેરવો, ગળો, મશી વગેરે નામથી ઓળખાય છે. આ જીવાત લંબગોળ, લગભગ એકાદ મિ.મી. લાંબી, પીળાશ પડતા અને કાળા રંગની હોય છે. પુખ્ત મોલો ઘણું ખરું પાંખ વગરની હોય છે. પરંતુ મોસમના અંત ભાગમાં પાક પાકટ થવાના સમયે બીજા યજમાન છોડ પર જીવનચક્ર ચાલુ રાખવા સ્થળાંતર કરવાના સમયે તેમને પાંખો ફૂટે છે. મોલો પાનની નીચેના ભાગે તેમજ છોડના કુમળા ભાગો પર ચોંટી રહીને રસ ચૂસીને વિકસે છે. રસ ચુસવાથી પાન કોકડાઇ જાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. આ જીવાતનાં શરીરમાંથી મધ જેવું ચીકણો પદાર્થ ઝરવાથી છોડનાં પાન શરૂઆતમાં ચળકે છે. આ ચીકણા પદાર્થ પર કાળી ફુગનો ઉપદ્રવ થવાથી છોડ કાળો પડી જાય છે.
લીલા તડતડીયા
SOURCE : INTERNET |
આ જીવાત કપાસનાં તડતડીયાં અથવા લીલા ચૂસીયાના નામે પણ ઓળખાય છે. તડતડીયાંનો ઉપદ્રવ ખાસ કરીને જુલાઈ માસથી શરૂ થાય છે અને ઓક્ટોબર માસ સુધી ચાલે છે. બચ્ચા નાજુક, પાંખો વગરના અને આછા પીળા રંગના હોય છે. જયારે પુખ્ત ફાચર આકારના અને આછા લીલા રંગના હોય છે. તેની આગળની પાંખો પર પાછળના ભાગે એક એક કાળું ટપકું હોય છે. તે પાન પર ત્રાંસા ચાલે છે અને ઘણા ચપળ હોય છે. છોડને સહેજ હલાવતા જ તે ઉડી જાય છે. આ જિવાતના બચ્ચા પાનની નીચેના ભાગે નસ પાસે રહીને પાનમાંથી રસ ચૂસે છે. પરિણામે પાનની કિનારી પીળી પડવા માંડે છે અને પાન કિનારીથી નીચેની તરફ વળીને કોડીયા જેવા આકારનાં થઈ જાય છે. વધુ ઉપદ્રવ વખતે પાન તામ્ર રંગના થઈ કોકડાઇ જાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. આ જીવાત બીટી કપાસને સૌથી વધુ નુકસાન કરે છે.
થ્રિપ્સ
SOURCE : INTERNET |
આ જીવાત સુક્ષ્મ કદની (નાની), નાજુક, લાંબી અને પીળાશ પડતા રંગની હોય છે. બચ્ચા અને પુખ્ત કીટક ખાસ પ્રકારના મુખાંગો વડે પાન પર ઘસરકો (ઉઝરડા) પાડી પાનમાંથી નીકળતો રસ ચૂસે છે. નુકસાન થયેલ પાનની સપાટી સુકાઈ જવાથી ઝાંખી સફેદ દેખાય છે. ઉપદ્રવ વધુ હોય ત્યારે આખો છોડ ભૂખરો થઈ જાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. આ જીવાતનો ઉપદ્રવ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં બે વરસાદ વચ્ચેનો ગાળો લંબાય છે ત્યારે વધુ જોવા મળે છે.
નિયંત્રણ
ઉપરોકત ત્રણેય જીવાતના નિયંત્રણ માટે (૧) બીજને ઈમીડાકલોપ્રીડ 70 WS 7.5 ગ્રામ અથવા થાયોમીથોકઝામ 70 WS 2.8 ગ્રામ અથવા કાર્બોસલ્ફાન 25 DS 50 ગ્રામ દર 1 કિલો બીજ પ્રમાણે પટ આપીને વાવેતર કરવું જેથી શરૂઆતમાં એક થી દોઢ માસ સુધી રક્ષણ મળે છે.
મોલો, તડતડીયાં કે થ્રિપ્સની વસ્તી તેની આર્થિક ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે ઈમીડાકલોપ્રીડ 17.8 SL 4 મિલિ, થાયોમીથોકઝામ 25 WG 4 ગ્રામ, એસીટામીપ્રીડ 20 SP 2 ગ્રામ, મિથાઈલ-ઓ-ડીમેટોન 25 EC, 12 મિલિ, ડાયમીથોએટ 30 EC 10 મિલિ, એસીફેટ 75 SP 10ગ્રામ, ડાયફેન્થુરોન 50% વે.પા. 10 ગ્રામ પૈકી કોઈપણ એક દવા 10લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
સફેદમાખી
SOURCE : INTERNET |
પુખ્ત માખી એકાદ મિમી જેટલી લાંબી, પાંખો દૂધિયા સફેદ રંગની અને શરીર પીળાશ પડતા રંગનું હોય છે. તેના બચ્ચા આછાં પીળા રંગનાં અને લંબગોળ ભીંગડા જેવા હોય છે. જે પાનની નીચેની બાજુ એક જ જગ્યાએ ચોંટી રહે છે. બચ્ચાં અને પુખ્ત પાનની નીચેથી સતત રસ ચુસે છે. જેથી પાન પર પીળા ધાબા પડે છે અને વધુ નુકસાન થતા ધાબા મોટા થતાં પાન રતાશ પડતાં બરછટ બની અપરિપકવ થઈ ખરી પડે છે. આ જીવાતના શરીરમાંથી ચીકણો મધ જેવો પદાર્થ ઝરે છે. જેને લીધે પાન ઉપર કાળી ફુગનો વિકાસ થાય છે.
નિયંત્રણ
આ જીવાત નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ
40 EC 15 મિલિ, એસીફેટ 75 SP 15 ગ્રામ, મિથાઈલ-ઓ-ડીમેટોન 25 EC 10 મિલિ, લીમડાનું તેલ અથવા લીમડા આધારીત 0.15 ટકા એઝાડીરેકટીનવાળી દવા 50 મિલિ પૈકી ગમે તે એક દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મીલીબગ (ચીકટો)
SOURCE : INTERNET |
આ જીવાતનાં બચ્ચાં તથા પુખ્ત બંને અંડાકાર, પોચા શરીરવાળા મહદ અંશે ભૂખરા-આછા પીળા રંગનાં અને 3-4 મિમી લંબાઈના હોય છે. બચ્ચાની પાછલી અવસ્થઆ અને પુખ્ત મિલીબગના શરીર ઉપર મીણ જેવાં સફેદ પાઉડરનું આવરણ જોવા મળે છે.
બચ્ચા તથા પુખ્ત (માદા) બન્ને છોડના પાન, કુમળી ડુંખો, ફૂલ, કળી, કુમળા જીડવા, ડાળી અને થડ ઉપર સમૂહમાં સ્થાયી થઈ સતત રસ ચૂસે છે. જેના કારણે છોડ નબળા પડે છે. કુમળા પાન અને ફૂલ ચીમળાઈ પીળા પડી ખરી પડે છે. ડુંખ સુકાઇ છે અને વધુ ઉપદ્રવ હોય તો આખો છોડ સુકાય જાય છે. મિલીબગ તેના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ બહાર કાઢે છે. જેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. આ ચીકણા મધ જેવો પદાર્થ તરફ મંકોડા અને કીડીઓ આકર્ષાઈને આવે છે. જે મિલીબગને તેના
પરજીવી અને પરભક્ષી સામે રક્ષણ પૂરું પાડે છે, તેમજ એક છોડ પરથી બીજા છોડ ઉપર ફેલાવવામાં પણ મદદ કરે છે.
નિયંત્રણ
મીલીબગ બહુભોજી જીવાત છે. તે વિવિધ યજમાન છોડ પર નભે છે. તેથી ખેતર તથા શેઢા પાળા સાફ રાખવા. કપાસના ઉગ્યા બાદ શેઢા પાળા અને ખેતરમાં મિથાઈલ પેરાથીયોન 2 ટકા ભૂકી 20 કિ.ગ્રા/હેકટર પ્રમાણે છંટકાવ કરવો. શરૂઆતમાં શેઢા પાળા નજીકના એકલદોકલ છોડ પર મીલીબગ જોવા મળે કે તરત જ ઉપદ્રવિત ડુંખો અથવા છોડ કાપી નાશ કરવો. મિલીબગનાં ઉપદ્રવ સાથે જ કુદરતી પરભક્ષી કીટક, કરોળિયો, દાળીયા અને પરજીવી ભમરી દ્વારા પરજીવી કરણ થયેલા મિલીબગ જોવા મળે છે. આ પરજીવી ભમરીઓ દ્રારા કપાસની પાછળની અવસ્થામાં 40 થી 70 ટકા પરજીવીકરણ કરતા જોવા મળે છે.
આ કુદરતી દુશ્મનોની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. કપાસના વાવેતરના 30 દિવસ બાદ મિલીબગનો ઉપદ્રવ શરૂ થયે લીંબોળીનું તેલ 50 મિલિ+ 10 ગ્રામ કપડાં ધોવાનો પાવડર પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી 8-10 દિવસના અંતરે જરૂરીયાત મુજબ 2-3 છંટકાવ કરવા.
જૈવિક નિયંત્રકો જેવા કે વર્ટીસીલીયમ લેકાની, બીવેરીયા બેસીયાના, મેટારીઝયમ એનીસોપ્લી ફૂગનું કલ્ચર 4-5 ગ્રા. /લિટર પાણી મુજબ પાકની શરુઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ જણાય ત્યારે છંટકાવ કરી શકાય. વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે તો પ્રોફેનોફોસ 20EC 20 મિલિ, મિથાઈલ પેરાથીયોન 50 EC 20 મિલિ, કિવનાલફોસ 25 EC 20 મિલિ, મેલાથીયોન 50 EC 20 મિલિ, મોનોક્રોટોફોસ 36 SL 12 મિલિ પૈકી કોઈપણ એક દવા 10 લિટર પાણીમાં ઉમેરી તેમાં સેન્ડવીટ / ટ્રાઈટોન / ટીપોલ / અપસા-80 જેવા પદાર્થ અથવા સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10 થી 20 મિલી અથવા કપડા ધોવાનો પાઉડર 1 થી 2 ચમચી મેળવી લને છોડના દરેક ભાગ પર છંટકાવ કરવો. જરૂર મુજબ 2 થી 3 છંટકાવ 8 થી 10 દિવસના અંતરે કરવાથી મિલીબગ નું નિયંત્રણ થાય છે.
પાનકથીરી
SOURCE : INTERNET |
કેટલાક વિસ્તારમાં ખેડૂતો આ જીવાતના ઉપદ્રવને 'પિતળીયા'ના નામથી ઓળખે છે. પુખ્ત જીવાત બારીક, ગોળ અને લાલ રંગની હોય છે. જયારે બચ્ચા શરૂઆતમાં ઝાંખા પીળા રંગના હોય છે. જે ક્રમે ક્રમે રાતો રંગ ધારણ કરે છે. બચ્ચાં તથા પુખ્ત જીવાત પાનની નીચેના ભાગે રહી પાનમાંથી રસ ચૂસીને વિકસે છે. પરિણામે પાન ફિક્કો પડી જાય છે. ઉપદ્રવ વધે ત્યારે આ જીવાત પાનની નીચેના ભાગે મુલાયમ તાર કાઢી જાળા બનાવીને તેમાં રહે છે.
નિયંત્રણ
આ જીવાતના નિયંત્રણ માટે ડાયકોફોલ 18.5 EC 15 મિલિ, ઈથીઓન 50 EC 20 મિલિ, મિથાઈલ-ઓ-ડીમેટોન 25 EC 12 મિલિ, પ્રોપરગાઈટ 57 EC 10 મિલિ પૈકી કોઈપણ એક દવા 10 લિટર પાણીમાં ઉમેરી જરૂર મુજબ છંટકાવ કરવો.
હવે પછીની પોસ્ટમાં આપણે કપાસના પાન, કળી, ફૂલ, અને જીડવાને ખાઈને નુકસાન કરતી જીવાતો વિશે માહિતી મેળવીશું.
0 Comments